Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચારધામ ૨૮ શ્રદ્ધાળુઓ માટે બન્યું અંતિમ ધામ

ચારધામ ૨૮ શ્રદ્ધાળુઓ માટે બન્યું અંતિમ ધામ

14 May, 2022 11:21 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વહીવટી તંત્ર કહે છે કે ચારધામમાં મોટા ભાગનાં મોતનું કારણ વ્યવસ્થાનો અભાવ નહીં પરંતુ હાર્ટ અટૅક અને કોરોના પછી મેડિકલ કૉમ્પ્લિકેશન્સ છે

કેદારનાથ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભીડ વધી જતાં સુરક્ષા માટે ગઈ કાલે તહેનાત કરવામાં આવેલા ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસના જવાનો.

કેદારનાથ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભીડ વધી જતાં સુરક્ષા માટે ગઈ કાલે તહેનાત કરવામાં આવેલા ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસના જવાનો.


ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની શરૂઆતને એક અઠવાડિયું થઈ ગયું છે. અત્યાર સુધીમાં આ યાત્રા કરનારા ૨૮ જણનાં મૃત્યુ થયાં છે. એવામાં સરકારની તૈયારીઓ સામે સવાલો થઈ રહ્યા છે. કેદારનાથ ધામમાં સૌથી વધુ ભીડ ઊમટી રહી છે. હવે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે કેદારનાથમાં એનડીઆરએફ (નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) અને આઇટીબીપી (ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ)ને પહેલી વાર તહેનાત કરી છે. સરકારનો દાવો છે કે ચારધામમાં મોટા ભાગનાં મોતનું કારણ વ્યવસ્થાનો અભાવ નહીં, પરંતુ હાર્ટ અટૅક અને કોરોના પછી મેડિકલ કૉમ્પ્લીકેશન્સ છે. 
જરૂર પડશે તો આર્મીને પણ તહેનાત કરાશે
ઉત્તરાખંડના મુખ્ય સચિવ એસ. એસ. સંધુએ ચારધામની વ્યવસ્થા વિશે જણાવ્યું હતું કે ચારધામ યાત્રામાં પહેલી વખત એનડીઆરએફના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. આઇટીબીપીના જવાનો પણ તહેનાત છે જ્યારે એસડીઆરએફ (સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) ઑલરેડી અહીં છે. જરૂર પડશે તો આર્મીના જવાનોને પણ તહેનાત કરવામાં આવશે.
મૃત્યુનાં કયાં કારણ?
મુખ્ય સચિવે જણાવ્યું હતું કે ચારધામ યાત્રામાં મૃત્યુનું મુખ્ય કારણ વ્યવસ્થાઓનો અભાવ નથી. બલકે હાર્ટ અટૅકથી લોકોનાં મૃત્યુ થયાં છે. મૃત્યુ પામનારા કેટલાક લોકો પહેલાં કોરોનાથી સંક્રમિત હતા અને એને લીધે મેડિકલ કૉમ્પ્લીકેશન્સના કારણે મૃત્યુ થયાં હોઈ શકે છે. 
હવે રજિસ્ટ્રેશન વિના નો એન્ટ્રી
કેદારનાથ ધામમાં તો દર્શન માટે શ્રદ્ધાળુઓની ત્રણ કિલોમીટર લાંબી લાઇન જોવા મળે છે. શ્રદ્ધાળુઓની ભારે સંખ્યાને ધ્યાનમાં રાખીને હવે રજિસ્ટ્રેશન વિના અહીં એન્ટ્રી આપવામાં આવતી નથી. મર્યાદિત સંખ્યામાં રજિસ્ટ્રેશન્સ કરવામાં આવે છે, જેનાથી ધામમાં વ્યવસ્થા ખોરવાય નહીં. જેટલા લોકોના રોકાવાની વ્યવસ્થા થઈ શકે એટલા જ લોકોને આગળ જવા દેવામાં આવે છે. 
પીએમઓએ પણ આ વાતને ગંભીરતાથી લીધી 
વડા પ્રધાનના કાર્યાલયે પણ ચારધામ યાત્રાની વ્યવસ્થાને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચારધામ યાત્રામાં ફેલાયેલી અવ્યવસ્થાઓની જાણકારી મળતાં જ વડા પ્રધાન કાર્યાલયે કેદારનાથ ધામ સહિત સોનપ્રયાગ, ઉખીમઠ તેમ જ યાત્રાના માર્ગો પર આઇટીબીપીને વ્યવસ્થા સંભાળવા માટે તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો. 
રોડ બ્લૉક થઈ ગયો 
રુદ્રપ્રયાગ જિલ્લામાં સંસરી ખાતે ભેખડ ધસી પડવાના કારણે કેદારનાથને બદરીનાથ ટાઉનની સાથે જોડતો ઉખીમઠ-કુંડ રોડ બ્લૉક થઈ ગયો હતો. શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામનાં દર્શન કર્યા બાદ બદરીનાથ ધામ પહોંચવા માટે વાયા ચોપટા ઉખીમઠ-કુંડ રોડ પરથી જાય છે. 

અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ડ્રોન્સ અને રેડિયો ટ્રૅક ટૅગ



ગૃહ મંત્રાલયે ૩૦ જૂનથી શરૂ થતી અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં લઘુમતી સમુદાયના સભ્યો અને કામદારોને ટાર્ગેટ બનાવીને હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે વિશેષ સુરક્ષા તૈયારીઓની જરૂરિયાત ઊભી થઈ છે. મંત્રાલયે લોકલ પોલીસની સહાય માટે ૧૨૦ કંપનીઓને મંજૂરી આપી છે. યાત્રાના રૂટ પર નજર રાખવા માટે ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવશે. આ વર્ષે સુરક્ષાના કારણોસર દરેક યાત્રીને રેડિયો ફ્રિકવન્સી આઇડન્ટિફિકેશન ટૅગ્ઝ આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2022 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK