બિહારમાં એક્ઝિટ પોલ ખોટા પડવાની હૅટ-ટ્રિક ન થઈ: મોદી-નીતીશ કા મૅજિક ચલ ગયા, તેજસ્વી અને રાહુલનાં સૂપડાં સાફ : બિહારમાં NDAના શાનદાર વિજય પછી નીતીશ કુમારના નામ પર સહમતી હોવાની વાતો વચ્ચે પણ BJP-JDUમાં અંદરખાને મુખ્ય પ્રધાનના પદ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ
ગઈ કાલે પટનામાં JDUની ઑફિસની બહાર લાગેલું બૅનર
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવ્યા પછી હવે નીતીશ કુમાર મુખ્ય પ્રધાન રહેશે કે BJP પોતાનો ચીફ મિનિસ્ટર બનાવશે એ વાતે ચર્ચા પકડી છે. ખાસ કરીને આ ચર્ચા JDU દ્વારા સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલી એક પોસ્ટને લીધે વધી છે જે થોડી જ વારમાં હટાવી દેવામાં આવી હતી.
ચૂંટણીઓ પહેલાં BJPએ સ્પષ્ટ કહ્યું હતું કે NDA ગઠબંધન નીતીશ કુમારના નેતૃત્વમાં બિહારમાં ચૂંટણી લડી રહ્યું છે. જોકે વિજય પછી મુખ્ય પ્રધાનપદ માટે તેમના નામની ક્યારેય ઔપચારિક જાહેરાત કરવામાં આવી નહોતી. JDU દ્વારા પહેલાં મૂકવામાં આવેલી અને પછી કાઢી નાખવામાં આવેલી પોસ્ટને લીધે NDAનો મુખ્ય પ્રધાન કોણ હશે અને નીતીશ કુમારનો શું રોલ હશે એ વિશે ચર્ચા જામી છે.
ADVERTISEMENT
JDUએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ‘અભૂતપૂર્વ અને અજોડ, નીતીશ કુમાર બિહારના મુખ્ય પ્રધાન હતા, છે અને રહેશે.’ જોકે થોડી વારમાં જ આ પોસ્ટ ડિલીટ કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં BJPએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને પોતાને સૌથી મોટા પક્ષ તરીકે સ્થાપિત કર્યો છે. જોકે JDUએ પણ અપેક્ષા કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. બન્ને એકદમ સરખી ૧૦૧-૧૦૧ બેઠકો પર લડ્યા હતા અને જીત પણ લગભગ સરખી બેઠકો પર મેળવી છે, પણ BJPનો હાથ ઉપર છે એટલે હવે મુખ્ય પ્રધાનપદ માટે ચર્ચાઓ અને દાવાઓ વધી રહ્યાં છે. એવી અટકળો શરૂ થઈ છે કે BJP આ વખતે બિહારમાં પોતાના જ કોઈ નેતાને મુખ્ય પ્રધાન બનાવવા માગે છે.
આ પરિસ્થિતિને ૨૦૨૪ની મહારાષ્ટ્રની ચૂંટણી સાથે લોકો સરખાવી રહ્યા છે, જ્યાં BJPએ સાથી પક્ષો કરતાં વધુ સારો દેખાવ કર્યો હતો અને અંતે એકનાથ શિંદેને બદલે દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. જોકે વિનોદ તાવડેએ એવી સ્પષ્ટતા કરી હતી કે બિહારની ચૂંટણી નીતીશ કુમારના નેતૃત્વમાં લડાઈ હતી અને મુખ્ય પ્રધાન કોણ બનશે એનો નિર્ણય પાંચેય સાથી પક્ષો દ્વારા સાથે મળીને લેવામાં આવશે.


