રામનિવાસ રાવતે પહેલાં રાજ્યપ્રધાન અને પછી કૅબિનેટપ્રધાન તરીકે શપથ લીધા
રામનિવાસ રાવત (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
કૉન્ગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં આવેલા મધ્ય પ્રદેશના દિગ્ગજ અધર બૅકવર્ડ ક્લાસ (OBC) નેતા રામનિવાસ રાવતને ગઈ કાલે સવારે મોહન યાદવ પ્રધાન મંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ એકદમ રૂટીન પ્રોસીજર હોવા છતાં થોડી ગફલતને કારણે તેમણે ૧૫ મિનિટમાં બે વાર શપથ લીધા હતા.
તેમને કૅબિનેટમાં કૅબિનેટપ્રધાન તરીકે સામેલ કરાયા હતા, પણ સવારે ૯.૦૩ વાગ્યે તેમણે રાજ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા અને ભૂલ સમજાયા બાદ ૧૫ મિનિટ બાદ ફરીથી તેમણે કૅબિનેટપ્રધાન તરીકે શપથ લીધા હતા. ૧૫ મિનિટમાં બે વાર શપથના મુદ્દે બોલતાં રામનિવાસ રાવતે કહ્યું હતું કે ‘શપથ લેતાં બોલવામાં મારી ભૂલ થઈ હતી, પહેલાં મેં ભૂલથી રાજ્યપ્રધાન બોલી દીધું હતું, જ્યાં મારે હકીકતમાં રાજ્ય કા પ્રધાન બોલવાનું હતું. આમ ૧૫ મિનિટમાં બે વાર પ્રધાન તરીકે શપથ લેનાર હું પહેલી વ્યક્તિ બની ગયો છું.’
ADVERTISEMENT
તેઓ એવા પ્રધાન બન્યા છે જેઓ હજી કૉન્ગ્રેસના વિધાનસભ્ય છે. તેમણે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. તેઓ વિજયપુર વિધાનસભા બેઠકના ૬ ટર્મથી વિધાનસભ્ય છે. તેઓ કૉન્ગ્રેસમાંથી અને વિધાનસભ્યપદેથી રાજીનામું આપશે અને છ મહિનામાં વિધાનસભામાં ફરીથી ચૂંટાઈ આવશે.

