Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિધાનસભાની કાનૂની લડતમાં કોણ જીતશે? ઉદ્ધવ ઠાકરે કે એકનાથ શિંદે?

વિધાનસભાની કાનૂની લડતમાં કોણ જીતશે? ઉદ્ધવ ઠાકરે કે એકનાથ શિંદે?

03 July, 2022 10:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિધાનસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની નિયુક્તિ કરવા માટે ઉદ્ધવ ઠાકરે સેના વતી સુનીલ પ્રભુ તો એકનાથ શિંદે જૂથ વતી ભરત ગોગાવલેએ વ્હિપ કર્યો હોવાથી કાયદાકીય રીતે કોણ બાજી મારશે એના પર બધાની નજર

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે પોતાના સાથી વિધાનસભ્યોને લઈને ગોવા ઍરપોર્ટથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ડોમેસ્ટિક ઍરપોર્ટ આવ્યા હતા અને ત્યાંથી તેઓ હોટેલ તાજ પ્રેસિડન્ટમાં ગયા હતા.  સતેજ શિંદે

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે પોતાના સાથી વિધાનસભ્યોને લઈને ગોવા ઍરપોર્ટથી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ડોમેસ્ટિક ઍરપોર્ટ આવ્યા હતા અને ત્યાંથી તેઓ હોટેલ તાજ પ્રેસિડન્ટમાં ગયા હતા. સતેજ શિંદે


શિવસેનામાં બળવો કરીને મુખ્ય પ્રધાન બન્યા હોવા છતાં એકનાથ શિંદેની મુશ્કેલી ઓછી નથી થઈ. ઉદ્ધવ ઠાકરે જૂથના સુનીલ પ્રભુએ વિધાનસભામાં હાજર રહીને સ્પીકરપદ માટેના મહાવિકાસ આઘાડીના ઉમેદવારને મત આપવાનો વ્હિપ ગઈ કાલે જારી કર્યો હતો. આની સામે એકનાથ શિંદે જૂથ વતી ભરત ગોગાવલેએ પણ વ્હિપ જારી કરીને વિધાનસભામાં હાજર રહીને પોતાના ઉમેદવારને મત આપવાનું કહ્યું છે. આવી સ્થિતિમાં કાયદાકીય રીતે કોનો વ્હિપ માન્ય રહેશે અને કોણે હારનો સામનો કરવો પડશે એના પર બધાની નજર રહેશે. 
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ બે દિવસનું વિશેષ વિધાનસભા સત્ર બોલાવીને વિધાનસભાના સ્પીકરની નિયુક્તિ કરવાની સાથે નવી સરકારને બહુમત પુરવાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આથી સરકારે આજે અને આવતી કાલે બે દિવસનું વિશેષ વિધાનસભા સત્ર બોલાવ્યું છે. પહેલા દિવસે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી થશે, જ્યારે બીજા દિવસે અવાજના માધ્યમથી બહુમત પુરવાર કરવા માટેની કાર્યવાહી પૂરી કરવામાં આવશે. સ્પીકરપદ માટે સરકાર દ્વારા બીજેપીના કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકરને ઉમેદવારી આપી છે તો મહાવિકાસ આઘાડીમાં સામેલ શિવસેના, એનસીપી અને કૉન્ગ્રેસે સંયુક્ત રીતે રાજાપુરના વિધાનસભ્ય રાજન સાળવીને ઉમેદવાર બનાવ્યા છે. 
શિવસેનામાં કુલ ૫૫ વિધાનસભ્યો છે, જેમાંથી ૪૦ વિધાનસભ્યો એકનાથ શિંદે જૂથ સાથે છે. બાકીના ૧૫ વિધાનસભ્યો ઉદ્ધવ ઠાકરે સાથે છે. એકનાથ શિંદે સહિતના વિધાનસભ્યોએ બળવો કર્યા બાદ વિધાનસભાના ગટ નેતાપદેથી એકનાથ શિંદેને હટાવીને અજય ચૌધરીની નિયુક્તિ કરી હતી અને વિધાનસભ્યોના પ્રતિનિધિ તરીકે સુનીલ પ્રભુની વરણી કરાઈ હતી. 
હવે શિવસેનાના બંને જૂથ વતી પોતાના જ ઉમેદવારને મત આપવાનું કહેવામાં આવ્યું છે ત્યારે શું થઈ શકે? એ વિશે એક રાજકીય વિશ્લેષકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિધાનસભાના કાયદામાં પક્ષના નિયમોની કોઈ વૅલ્યુ નથી. શિવસેના પક્ષના બંધારણમાં ભલે લખ્યું હોય કે પ્રમુખ જે નિર્ણય લે એ બધાને માન્ય કરવો પડે છે, પરંતુ તેમનો નિર્ણય વિધાનસભામાં જો પક્ષના વિધાનસભ્યો ન માને તો તેમની સામે પક્ષપ્રમુખ કોઈ પગલાં ન લઈ શકે. એકનાથ શિંદેને સરકાર બનાવતાં પહેલાં જ તેમની સાથેના શિવસેનાના ૪૦ વિધાનસભ્યોએ પોતાના ગટ નેતા તરીકે જાહેર કર્યા છે. આ જૂથ વતી ભરત ગોગાવલેએ વ્હિપ જાહેર કરીને શિવસેનાના તમામ વિધાનસભ્યોને પોતાના ઉમેદવારને મત આપવાનું 
કહ્યું છે. 
હવે જો ઉદ્ધવ ઠાકરે સાથેના ૧૫ વિધાનસભ્યો વ્હિપ ન માને તો તેમની સામે એકનાથ શિંદે જૂથ કાર્યવાહી કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં ગટ નેતા સંબંધી અરજી કરવામાં આવી છે એમાં આ જ વાત સામે આવી હતી. પક્ષનું બંધારણ વિધાનસભામાં ન ચાલે. આથી એકનાથ શિંદે કે તેમની સાથેના કોઈ વિધાનસભ્ય સામે શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કંઈ જ નહીં કરી શકે. એકનાથ શિંદેની પક્ષમાંથી હકાલપટ્ટીની પણ વિધાનસભામાં કોઈ અસર નહીં થાય.’
અમને વ્હિપ લાગુ નથી પડતો : એકનાથ શિંદે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે પોતાના સાથી વિધાનસભ્યોને લઈને ગોવા ઍરપોર્ટથી મુંબઈ આવવા રવાના થયા હતા ત્યારે પત્રકારોએ તેમને શિવસેનાના વ્હિપ વિશે પૂછ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘પક્ષમાં અમારી પાસે બહુમતી છે. આથી સુનીલ પ્રભુનો વ્હિપ અમને લાગુ નથી પડતો. આથી અમારા માટે ચિંતા જેવી કોઈ વાત નથી. અમારી પાસે સરકાર ચલાવવા માટે પૂરતી સંખ્યા છે એટલે સ્પીકરની ચૂંટણીમાં વિજયી થવાની સાથે બહુમત સિદ્ધ કરીશું.’
ઉદ્ધવ ઠાકરે હજી પણ એનસીપી-કૉન્ગ્રેસ સાથે
બીજેપી સાથેનો છેડો ફાડ્યા બાદ એનસીપી અને કૉન્ગ્રેસ સાથે સરકાર બનાવીને મુખ્ય પ્રધાન બનેલા ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું હતું. આથી તેઓ હવે આ બન્ને પક્ષ સાથે નહીં રહે એવું મનાતું હતું. જોકે એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બનવાની સાથે શિવસેના પર પણ દાવો કરી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને એકલા પડી ગયેલા ઉદ્ધવ ઠાકરેએ એનસીપી-કૉન્ગ્રેસ સાથે રહેવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે. વિધાનસભાના સ્પીકર તરીકે શિવસેનાના વિધાનસભ્યને મહાવિકાસ આઘાડીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 
૧૧ દિવસે વિધાનસભ્યો મુંબઈ પહોંચ્યા
શિવસેનામાં બળવો કરીને મહારાષ્ટ્રથી સુરત, સુરતથી ગુવાહાટી અને ગુવાહાટીથી ગોવા ગયેલા ૫૦ વિધાનસભ્યોને લઈને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે સાંજે મુંબઈ પહોંચ્યા હતા. સરકારની રચના થયા બાદ આ વિધાનસભ્યો ૧૧ દિવસે પાછા આવ્યા હતા. તેઓ તાજ હોટેલમાં રોકાયા છે અને અહીં રાત્રે વિધાનસભાના સત્ર પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે માર્ગદર્શન કર્યું હતું. 
ઉદ્ધવ સેનાનું પ્રતિજ્ઞાપત્ર
શિવસેનામાંથી ૪૦ વિધાનસભ્યોએ બળવો કર્યો હોવાથી બાકીના વિધાનસભ્યો સહિત સંસદસભ્યો અને બીજા નેતાઓ પણ એકનાથ શિંદે સાથે જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા એક પ્રતિજ્ઞાપત્ર જારી કરવામાં આવ્યું હતું. સંસદસભ્ય, વિધાનસભ્ય, નગરસેવકો સહિતના પક્ષના નેતાઓને તેઓ ઉદ્વવ ઠાકરે સાથે છે અને કાયમ રહેશે એવું લખીને આપવાનું કહેવાયું હોવાનું જાણવા મળ્યું હતું.
શહેરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત
શિવસેનામાં બળવો કરનારા વિધાનસભ્યો મુંબઈ પહોંચ્યા છે અને બે દિવસનું વિશેષ વિધાનસભા સત્ર બોલાવ્યું છે ત્યારે શહેરમાં કોઈ ગરબડ ન થાય એ માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગોવાથી મુંબઈ આવેલા વિધાનસભ્યોને હોટેલ તાજ પ્રેસિડન્ટમાં રાખવામાં આવ્યા હોવાથી અહીં વિશેષ પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK