Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શિવસેનાએ વઝેને સર્વિસમાં પાછો લેવા દબાણ કર્યું હતું : દેવેન્દ્ર

શિવસેનાએ વઝેને સર્વિસમાં પાછો લેવા દબાણ કર્યું હતું : દેવેન્દ્ર

15 March, 2021 08:55 AM IST | Mumbai
Mid-day Correspondent

શિવસેનાએ વઝેને સર્વિસમાં પાછો લેવા દબાણ કર્યું હતું : દેવેન્દ્ર

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર પાસેથી વિસ્ફોટકો સાથે મળી આવેલી સ્કૉર્પિયોના કેસની તપાસ કરી રહેલી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ મુંબઈ પોલીસના વિવાદાસ્પદ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ સચિન વઝેની શનિવારે રાતે ૧૧.૫૦ વાગ્યે ધરપકડ કરી હતી. તેને રવિવારે કોર્ટમાં હાજર કરવામાં આવતાં કોર્ટે ૨૫ માર્ચ સુધીની કસ્ટડી આપી હતી. સચિન વઝે સામે આઇપીસીની કલમ ૨૮૬ (વિસ્ફોટકો બેદરકારીપૂર્વક હૅન્ડલ કરવા), ૪૬૫ (બનાવટ કરવી), ૪૭૩ (છેતરપિંડીના ઇરાદે બનાવટી સીલ અને સ્ટૅમ્પનો ઉપયોગ કરવો), ૫૦૬(૨) ગુનાહિત ઇરાદો ધરાવવો, ૧૨૦બી (ષડયંત્ર ઘડવું) અને એક્સપ્લોઝિવ સબ્સ્ટન્સ ઍક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એનઆઇએ દ્વારા સચિન વઝેને શનિવારે પૂછપરછ માટે બોલાવાયો હતો. શનિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે સચિન વઝે કંબાલા હિલમાં આવેલી એનઆઇએની ઑફિસે પહોંચ્યો હતો. ૧૨ કલાક સુધી સતત પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ભૂતકાળમાં ઘાટકોપરના ખ્વાજા યુનુસ કેસમાં સસ્પેન્ડ કરાયેલા એપીઆઇ સચિન વઝેએ ત્યાર બાદ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. હવે એક્સપ્લોઝિવ કેસમાં તેની ધરપકડને કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે તેની ધરપકડ કરાય એ માટે વિધાનસભાના બજેટસત્રમાં સતત રજૂઆત કરીને વિધાનસભાનું કામકાજ ખોરવી નાખ્યું હતું. સચિન વઝેની ધરપકડ બાદ ફડણવીસે કહ્યું હતું કે ‘જો કોઈ પોલીસ ફોર્સમાંથી જ આવું કરતું હોય તો કાયદો અને વ્યવસ્થા કઈ રીતે સચવાશે? સચિન વઝેને રાજ્ય સરકાર છાવરી રહી હતી. હવે એનઆઇએ પાસે પુરાવા છે અને એના આધારે તેની ધરપકડ કરાઈ છે. આ તો હજી શરૂઆત છે. હજી આ કેસમાં ઘણુંબધું બહાર આવશે. આ કેસમાં હજી આગળ ઘણી ધરપકડ થઈ શકે છે. હું મુખ્ય પ્રધાન હતો ત્યારે પણ મારા પર શિવસેનાએ વઝેને ફરી પોલીસદળમાં સામેલ કરવા બહુ દબાણ કર્યું હતું. એથી મેં એ વખતે ઍડ્વોકેટ જનરલની સલાહ લીધી હતી, પરંતુ તેને હાઈ કોર્ટના આદેશને લીધે બરતરફ કરવામાં આવ્યો હોવાથી તેમણે સચિન વઝેને સર્વિસમાં ન લેવાની સલાહ આપી હતી. જોકે આઘાડીની સરકારે કોરોનાકાળમાં પોલીસ દળમાં ઑફિસર્સની અછત છે એમ કહીને સચિન વઝેની ફરી નિયુક્તિ કરી હતી. તેને ક્રાઇમ બ્રાન્ચની સીઆઇયુમાં સમાવી લેવાયો હતો. એ પછી સીઆઇયુના દરેક કેસની તપાસમાં સચિન વઝે એપીઆઇ કક્ષાનો ઑફિસર હોવા છતાં ઇન્વૉલ્વમેન્ટ રહેતું, કારણ કે તે આત્મવિશ્વાસથી ભરપૂર હતો અને તેને સત્તાધારી શિવસેનાનું બૅકિંગ હતું. હવે તે એ જ કેસમાં આરોપી છે જે કેસની તે ખુદ તપાસ કરી રહ્યો હતો.’



બીજી બાજુ એટીએસ મનસુખ હિરણ હત્યાકેસમાં પણ સચિન વઝેના ઇન્વૉલ્વમેન્ટની તપાસ કરી રહી છે.


વઝે ઈમાનદાર, સફળ, કાર્યક્ષમ તપાસકર્તા છે : સંજય રાઉત
જોકે શિવસેના હજી સચિન વઝેની સાથે ઊભી હોય એવું લાગી રહ્યું છે. શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે આ સંદર્ભે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘કેન્દ્રીય તપાસ એજન્સીને રાજ્યની આંતરિક બાબતોમાં ઘુસાડીને મુંબઈ પોલીસના જુસ્સાને તોડવાનો તેમ જ રાજ્યને અસ્થિર કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. મુંબઈ પોલીસ બન્ને કેસની તપાસ કરવા સક્ષમ છે એથી કેન્દ્રીય તપાસ એજન્સીની એ માટે જરૂર નથી. આરોપ કરવા એક બાબત છે અને ત્યાર બાદ એને કોર્ટમાં પુરવાર કરવા એ અલગ બાબત છે. સચિન વઝે ઈમાનદાર, સફળ અને કાર્યક્ષમ તપાસકર્તા અધિકારી છે. તેમની ધરપકડે રાજ્ય સરકારની આબરૂ દાવ પર લગાવી છે.’

યોગ્ય તપાસ થશે તો સરકાર પડી પણ શકે છે : કંગના રનોત
સચિન વઝેની ધરપકડ બાદ કંગના રનોત પણ ઍક્ટિવ થઈ ગઈ હતી. ગઈ કાલે તેણે ટ્વીટ કર્યું હતું કે ‘મને આ કેસમાં કોઈ ઊંડું કાવતરું દેખાઈ રહ્યું છે. આ સસ્પેન્ડેડ ઑફિસરને શિવસેના સત્તામાં આવી ત્યાર બાદ સર્વિસમાં પાછો લેવામાં આવ્યો હતો. જો આની યોગ્ય તપાસ થશે તો ઘણાં હાડપિંજરો બહાર આવશે અને મહારાષ્ટ્રની સરકાર પડી પણ શકે છે. મારી સામે બીજી ૨૦૦ એફઆઇઆર થતી મને દેખાઈ રહી છે. આવવા દો. જય હિન્દ.’


Whatsapp-channel Whatsapp-channel

15 March, 2021 08:55 AM IST | Mumbai | Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK