Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાલાસોપારામાં કોરોનાના ૧૦ દરદીઓનો જીવ જવાનું કારણ શું?

નાલાસોપારામાં કોરોનાના ૧૦ દરદીઓનો જીવ જવાનું કારણ શું?

14 April, 2021 10:03 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

પરિવારજનો ઑક્સિજનના અભાવનો આરોપ લગાવી રહ્યા છે, પણ હૉસ્પિટલ અને પ્રશાસન આ વાતને રદિયો આપતાં કહે છે કે તમામ પેશન્ટ્સ સિરિયસ હતા

નાલાસોપારાની વિનાયક હૉસ્પિટલની બહાર પોલીસ-વૅન સાથે પોલીસનો બંદોબસ્ત

નાલાસોપારાની વિનાયક હૉસ્પિટલની બહાર પોલીસ-વૅન સાથે પોલીસનો બંદોબસ્ત


વસઈ​-વિરારમાં ઑક્સિજનની અછત હોવાની વાત છેલ્લા ઘણા દિવસથી સામે આવી રહી છે, પરંતુ આ ઑક્સિજનની ઊણપના કારણે ૧૦ પેશન્ટ્સે પોતાનો જીવ ગુમાવી દીધો છે. નાલાસોપારાની બે હૉસ્પિટલ વિનાયકમાં ૭ અને રિદ્ધિ વિનાયકમાં ૩ એમ સોમવારે મોડી રાતે એટલે કે એક દિવસની અંદર ૧૦ પેશન્ટ્સે પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પરિવારોના આક્ષેપ પ્રમાણે ઑક્સિજનની અછતના કારણે મૃત્યુ થયાં છે. જોકે મહાનગરપાલિકા-પ્રશાસન તેમ જ હૉસ્પિટલે ઑક્સિજનની કમી ન હોવાનું કહીને પોતાનો બચાવ કર્યો છે. લોકોના રોષને ધ્યાનમાં લઈને હૉસ્પિટલની બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો છે.

સોમવારે જ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ મેયર રાજીવ પાટીલે પણ એક ઑડિયો મેસેજ વાઇરલ કરીને કોવિડ પેશન્ટ માટે લાગતા ઑક્સિજનની કમી વિશે વાત કરી હતી. એમાં સરકારને વહેલી તકે ઑક્સિજન સિલિન્ડરોની વ્યવસ્થા કરી આપવાની અપીલ કરી હતી. 



પીએમને શૉર્ટેજની જાણ કરાઈ


નાલાસોપારાના વિધાનસભ્ય ​ક્ષિતિજ ઠાકુરે પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસને વસઈ-વિરારમાં ઑક્સિજનની શૉર્ટેજ વિશે લખીને જાણ કરી છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑક્સિજનની શૉર્ટેજ છે એ ખરી વાત છે. વસઈ-વિરારમાં ૭૦૦૦થી વધુ ઍક્ટિવ કેસ છે તેમ જ ૩૦૦૦થી વધુ પેશન્ટ્સને ઑક્સિજન સપ્લાયની દરરોજ જરૂર પડી રહી છે. એથી પીએમઓ, મુખ્ય પ્રધાન, આરોગ્યપ્રધાને આ વિષય પર તાત્કાલિક ધ્યાન આપીને ઑક્સિજનની ઊણપ પર નિયત્રંણ કરવા લખ્યું છે. રાયગડમાં જેએસડબ્લ્યુ ઑક્સિજન રિફીલ સ્ટેશનમાં તાત્કાલિક અમે સંપર્ક કર્યો હોવાથી તેમણે તરત ટૅન્કર મોકલ્યા હોવાથી પછીથી ડિસ્ટ્રિબ્યુટ કરાયું હતું.’

હૉસ્પિટલની બહાર બંદોબસ્ત


સોમવારે મોડી રાત સુધી પોલીસે હૉસ્પિટલમાં ગુસ્સે ભરાયેલા મૃત્યુ પામેલા પેશન્ટ્સના સંબંધીઓને ભારે જહેમતે શાંત પાડ્યા હતા. ગઈ કાલે પણ હૉસ્પિટલની બહાર પોલીસની વૅન સાથે પોલીસ તહેનાત કરાવી દીધી હતી. આ બનાવ વિશે તુલિંજ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ જણાવ્યું હતું કે ‘નાલાસોપારાની બે હૉસ્પિટલમાં પેશન્ટ્સનાં ડેથ થયાં હતાં, પરંતુ એ ઑક્સિજન સપ્લાયની ઊણપથી નહીં પરંતુ પેશન્ટ્સ ​ગંભીર પરિસ્થિતિમાં હોવાથી થયા છે. હૉસ્પિટલમાં ૩ ઑક્સિજન સિલિન્ડર કાર્યરત હતાં. આ મામલે અમે તપાસ હાથ ધરી છે.’

વસઈ-વિરાર સુધરાઈ શું કહે છે?

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આપેલા સ્ટેટમેન્ટ પ્રમાણે ‘સોમવારે મોડી રાતે બે હૉસ્પિટલમાં ૧૧ પેશન્ટ્સનાં ડેથ થયાં હતાં, પરંતુ એ ઑક્સિજન સપ્લાયના કારણે થયાં નહોતાં. વસઈ-વિરાર મહાનગરપાલિકામાં ૮ પ્રાઇવેટ હૉસ્પિટલ કોવિડ પેશન્ટ્સને સારવાર આપી રહી છે. આ ઉપરાંત મહાનગરપાલિકાને ૧૨ એપ્રિલે ૧૦ ટન ઑક્સિજન સિલિન્ડરની સપ્લાય મળી હતી. અમે બારીકાઈથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.’

હૉસ્પિટલનું શું કહેવું છે?

વિનાયક હૉસ્પિટલના ડિરેક્ટર મનીષ ઉપાધ્યાયે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘છેલ્લા ૧૦થી ૧૨ દિવસથી હૉસ્પિટલના આઇસીયુમાં ૧૦ પેશન્ટ્સ ઍડ્મિટ કરાયા હતા. તેમને સિવિયર કોવિડ હોવાની સાથે એમાંથી કોઈને બાયપાસ, હાઈ બીપી જેવી સમસ્યાઓ પણ હતી. ૧૦માંથી સાત પેશન્ટ્સ મૃત્યુ પામ્યાં હતાં અને તે બધાના વયજૂથ ૫૦થી ૫૫ જેટલા છે. અમે આ તમામ પેશન્ટ્સના પરિવારને તેમનો પેશન્ટ સિરિયસ હોવાની જાણ પહેલે જ કરી દીધી હતી. સોમવારે બપોર પછી પેશન્ટ્સનાં ડેથ થઈ રહ્યાં હતાં ત્યારે એની માહિતી મહાનગરપાલિકાને આપવાની હોવાથી પરિવારને જણાવવામાં થોડું મોડું થતું હોય છે. ઍકચ્યુઅલી હૉસ્પિટલના એક પેશન્ટ પ્રવીણ મોરેને અહીંથી બીજે શિફ્ટ કરવાના હતા. એના કારણે એક સમાજસેવિકા તેના બિલને લઈને હંગામો કરવા લાગી હતી, પરંતુ તેમને બેડ અવેલેબલ ન હોવાથી બીજે શિફ્ટ થઈ શક્યા નહીં. આ મહિલાએ જ ત્યાં હંગામો કરાવ્યો, જ્યારે તેનું પેશન્ટ સાથે કોઈ લેવા-દેવા નહોતું. એથી કોવિડના નિયમોનું ઉલ્લંઘન કર્યા બદલ ચેપી રોગને સ્પ્રેડ કરવાના આરોપસર તેમના વિરુદ્ધ અમે કાયદાકીય કાર્યવાહી કરીશું.’

ઑક્સિજનની ખરી પરિસ્થિતિ વિશે માહિતી આપતાં મનીષ ઉપાધ્યાયે કહ્યું કે ‘ઑક્સિજનની હાલત આખા રાજ્યમાં શું છે એ બધાને ખબર છે, પરંતુ અમારે ત્યાં  ઑક્સિજનની એવી ઊણપ નહોતી. સમય પર અમારી ગાડીઓ પણ આવી ગઈ હતી. સ્થાનિક વિધાનસભ્ય અને અન્ય નેતાઓની મદદથી પણ અમને ઑક્સિજન મોકલવામાં આવ્યો હતો.’

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2021 10:03 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK