Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૨ કલાકના સર્ચ-ઑપરેશનમાં ઈડીની ટીમને પરિવહનપ્રધાનને ત્યાંથી શું મળ્યું?

૧૨ કલાકના સર્ચ-ઑપરેશનમાં ઈડીની ટીમને પરિવહનપ્રધાનને ત્યાંથી શું મળ્યું?

27 May, 2022 09:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનિલ પરબ મુખ્ય પ્રધાનના વિશ્વાસુ હોવાથી રાજ્ય સરકારે આને કેન્દ્ર સરકારની રાજકીય વેર વાળવાની કાર્યવાહી ગણાવી

૧૨ કલાકના સર્ચ-ઑપરેશનમાં ઈડીની ટીમને પરિવહનપ્રધાનને ત્યાંથી શું મળ્યું?

૧૨ કલાકના સર્ચ-ઑપરેશનમાં ઈડીની ટીમને પરિવહનપ્રધાનને ત્યાંથી શું મળ્યું?


રાજ્યના પરિવહનપ્રધાન અને શિવસેનાના નેતા અનિલ પરબ સામે મની લૉન્ડરિંગના કેસ અંતર્ગત તેમના સત્તાવાર નિવાસસ્થાન અજિંક્યતારા અને બાંદરા-ઈસ્ટમાં આવેલા મૉનાર્ક બિલ્ડિંગના ફ્લૅટ સહિત કુલ સાત જગ્યાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ગઈ કાલે રેઇડ પાડીને સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું. સવારના ૬.૩૦ વાગ્યે જ ઈડીના અધિકારીઓ તેમના ઘરે પહોંચી ગયા હતા અને તપાસ ચાલુ કરી હતી. અજિંક્યતારા પરની રેઇડમાં ઈડીના ઉચ્ચ અધિકારી તા​સિન સુલતાન ખુદ હાજર રહ્યા હતા. રાજ્યના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અ​નિલ દેશમુખને ત્યાં કરાયેલી કાર્યવાહીમાં પણ તેઓ હાજર રહ્યા હતા. અજિંક્યતારામાં સતત ૧૨ કલાક સુધી સર્ચ-ઑપરેશન કર્યા બાદ ઈડીના ઑફિસરો બહાર આવ્યા હતા. ઈડી દ્વારા પાકા પુરાવા સિવાય સર્ચ-ઑપેરશન હાથ ધરાતું નથી હોતું એથી ઈડીને મજબુત પૂરાવા મળ્યા હોવા જોઈએ એવી ચર્ચા ચાલી રહી છે. 
ઉપરોક્ત બન્ને ઘર સહિત અનિલ પરબના દાપોલીના સાંઈ રિસૉર્ટ, એ રિસૉર્ટની જમીન તેમને ૧.૧૦ કરોડ રૂપિયામાં વેચનાર પુણેના વિભાસ સાઠેના પુણેના કોથરુડના ઘરે અને કોથરુડમાં જ આવેલી તેમની ઑફિસ પર રેઇડ પાડવામાં આવી હતી. આ ઉપરાંત અનિલ પરબના નિકટવર્તી એવા ચેમ્બુરના ​બિલ્ડર અને અનિલ પરબની નજીકના અંધેરીના શિવસેનાના પદાધિકારી સંજય કદમના નિવાસસ્થાને ઈડીએ સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું. 
મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહને સંડોવતા ૧૦૦ કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં પકડાયેલા સચિન વઝેએ તેની પૂછપરછ દરમ્યાન આપેલી માહિતીના આધારે આ કાર્યવાહી થઈ હતી. પોલીસ અધિકારીઓને બદલીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારમાં અનિલ પરબનું તેણે નામ લીધું હતું. એ સિવાય સચિન વઝેએ એમ પણ કોર્ટને જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૧માં અનિલ પરબે બીએમસીના ૫૦ કૉન્ટ્રૅક્ટર પાસેથી દરેક પાસેથી બે-બે કરોડ રૂપિયા ખંડણી ઉઘરાવવાનો પણ આદેશ આપ્યો હતો. એ ઉપરાંત દાપોલીના રિસૉર્ટ પણ તેમણે તેમની ગેરકાયદે આવકમાંથી જ લીધો હોવાનું તેણે જણાવ્યું હતું. એથી અનિલ પરબ સામે મની લૉન્ડરિંગનો કેસ નોંધીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. 
અનિલ પરબ સામે થયેલી આ કાર્યવાહી સંદર્ભે અજિત પવારે કહ્યું હતું કે ‘કેટલાક જણ કહેતા હોય છે કે ફલાણા પર કાર્યવાહી થશે. ત્યાર બાદ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા એ કાર્યવાહી થતી હોય છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવો એ બરોબર ન કહેવાય. બાકી પારદર્શક તપાસ બદલ કોઈ વાંધો નથી. કેન્દ્રીય તપાસ એજન્સીઓ તેમને અપાયેલા અધિકારોનો ઉપયોગ કરીને કાર્યવાહી કરતી હોય છે. રાજ્યના અનેક જણ સામે ઇન્કમ-ટૅક્સ અને અન્ય કાર્યવાહી થતી હોય છે. કેન્દ્રીય એજન્સીઓને તપાસ કરવાનો અધિકાર છે, પણ કયા આધારે તપાસ થાય છે એ જોવું જોઈએ. કેન્દ્રીય એજન્સીઓએ તેમના અધિકારોનો દુરુપયોગ ન કરવો જોઈએ એટલી જ અપેક્ષા છે.’ 
શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે ‘કેન્દ્રીય એજન્સીઓ રાજકીય વેર વાળવા આ કાર્યવાહી કરી રહી છે. અમારી પાસે પણ બીજેપીના નેતાઓ વિરુદ્ધ અનેક પુરાવા છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2022 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK