દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીના વિધાનસભ્યોને કહ્યું કે આ ઇલેક્શને આપણને એ વાત સમજાવી છે કે...
વિધાનભવનના સેન્ટ્રલ હૉલમાં દેવેન્દ્ર ફડણવીસને વિધિમંડળના નેતા બનાવવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્યોએ તેમના સમર્થનમાં નારાબાજી કરી ત્યારે દેવાભાઉ મલકાતા નજરે પડ્યા હતા. (તસવીર : અતુલ કાંબળે)
ગઈ કાલે વિધિમંડળના નેતા તરીકે વરણી થયા બાદ દેવેન્દ્ર ફડણવીસે હાજર વિધાનસભ્યોનું સંબોધન કર્યું ત્યારે તેમણે જીતનું શ્રેય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યું હતું. તેમના આ સંબોધનના મુખ્ય મુદ્દાઓ પ્રસ્તુત છે...
તમે બધાએ સર્વાનુમતે મારી વિધિમંડળના નેતાપદે નિમણૂક કરી એ બદલ હું દિલથી તમારો આભાર માનું છું. બધાને ખબર છે કે આ વખતની ચૂંટણી એક રીતે ઐતિહાસિક રહી. જો એનું વિશ્લેષણ કરવાનું હોય તો હું એટલું જ કહીશ કે આ ચૂંટણીએ આપણી સમક્ષ એક વાત નિશ્ચિતપણે મૂકી છે કે એક હૈં તો સેફ હૈં અને મોદી હૈ તો મુમકિન હૈ.
ADVERTISEMENT
હું મહારાષ્ટ્રની જનતાને સાષ્ટાંગ દંડવત્ કરું છું જેણે આપણને આવો પ્રચંડ વિજય આપ્યો.
આ જનાદેશ જેટલો પ્રચંડ છે એટલી જ મોટી જવાબદારી પણ આપણા પર છે અને એને પૂરી કરવાની છે.
આપણે શરૂ કરેલી યોજના અને આપણે આપેલાં આશ્વાસનો પૂરાં કરવાની આપણી પ્રાથમિકતા તો છે જ, પણ એની સાથે મહારાષ્ટ્રને આગળ લઈ જવા અને એને દરેક ફ્રન્ટ પર પહેલા નંબર પર લાવવા આપણે બધાએ સતત કામ કરતા રહેવું પડશે.
લાડકી બહિણ, લાડકે ભાઉ, લાડકે શેતકરી, લાડકે યુવા અને સમાજના દલિત, વંચિત, OBC, આદિવાસી સમાજના લોકોએ આપણને જે જનાદેશ આપ્યો છે એનું સન્માન રાખવા માટે આપણે કામ કરતા રહેવું પડશે.
૨૦૧૯માં જનાદેશ આપણને મળ્યો હતો, પણ એ જનાદેશનું અપમાન કરીને જનતા સાથે એક પ્રકારે બેઈમાની કરવામાં આવી હતી.
શરૂઆતનાં અઢી વર્ષમાં આપણા વિધાનસભ્યો અને નેતાઓને બહુ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. આવી પરિસ્થિતિમાં પણ એકેય વિધાનસભ્ય આપણને છોડીને નથી ગયા એનું મને અભિમાન છે.
મારા જેવા કાર્યકરને ત્રણ વાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે બેસાડવા બદલ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દિલથી આભાર માનું છું.