ઉભરાયેલી ગટરો ચેક કરવા માણસોને એમાં ઊતરવાની જરૂર નહીં પડે
કૅમેરા ડ્રેનેજ સિસ્ટમમાં લગાવ્યા
વેસ્ટર્ન રેલવેએ રિમોટ કન્ટ્રોલથી ઑપરેટ કરી શકાય એવા ૩૦ કૅમેરા ડ્રેનેજ સિસ્ટમમાં લગાવ્યા છે. આ કૅમેરા પાણી પર તરતા રહેશે. વરસાદનું પાણી જ્યાં સૌથી વધારે ભરાયું હશે એવા વિસ્તારની આ કૅમેરા જાણકારી આપી શકશે જેથી ત્યાં પાણી દૂર કરવામાં મદદ મળશે. બ્લૉક થયેલી ગટરોને સાફ કરી દેવામાં આવે એટલે પાટા પર પાણી ભરાઈ જવાની સમસ્યાને જલદી દૂર કરી શકાશે.
પાણી ભરાઈ ગયા બાદ ગટરમાં ઊતરીને ઇન્સ્પેક્શન કરવું અશક્ય છે અને વ્યવહારુ નથી. પાણી ભરેલી ગટરોમાં માણસોને ઉતારવા જોખમી છે, પણ હવે કૅમેરા ગટરમાં રહેલા કચરા સહિતની જાણકારી આપશે.
ADVERTISEMENT
આ કૅમેરા બોટ જેવા એક પ્લૅટફૉર્મ પર તરતા રહેશે અને એને રિમોટ કન્ટ્રોલથી ઍક્સેસ કરી શકાશે. તરતા રહેતા હોવાથી એને ડ્રેનેજ સિસ્ટમમાં અંદર સુધી મોકલી શકાશે. આ કૅમેરા તસવીરો અને વિડિયો લેશે. કેટલાક કૅમેરા વાંકા વળીને અથવા ઝૂમ કરીને તસવીરો લેશે. અંધારામાં એના પરની લાઇટ-એમિટિંગ ડાયોડ (LED) લાઇટો ઝળહળી ઊઠશે. આ કૅમેરા રિમોટથી કન્ટ્રોલ કરી શકાશે. આ કૅમેરા પાણી, કચરો અને પાણી ભરાવા જેવી પરિસ્થિતિનો સામનો કરી શકે એ રીતે તૈયાર કરવામાં આવ્યા છે.
આ કૅમેરા વેસ્ટર્ન રેલવેની ગટરોમાં જમા થતા પાણી પર નજર રાખશે. જ્યાં પાણી ભરાઈ જાય છે એનું કારણ શોધીને જણાવશે. એ રૂટીન ઇન્સ્પેક્શન કરશે જે ઇકૉનૉમિકલ છે અને એમાં માણસના જીવને જોખમમાં મૂકવાની વાત આવતી નથી.

