બહુમત સિદ્ધ કરવા શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર

તસવીર : મિડ-ડે ટીમ
રાજ્યના ૩૦મા મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લીધા બાદ એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘આ બાળાસાહેબના વિચારો અને આનંદ દીઘેની કેળવણીનો વિજય છે. રાજ્યનો વિકાસ થાય અને દરેક વર્ગને ન્યાય મળે એવા પ્રયાસ અમે કરીશું. બધાને સાથે રાખીને વિકાસ કરવામાં આવશે.’
એ પછી થયેલી કૅબિનેટની મીટિંગમાં તેમણે કહ્યું હતું કે ‘હું નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું, પણ મારી સાથે અનુભવી નાયબ મુખ્ય પ્રધાન છે એટલે કારભાર સંભાળતી વખતે મુશ્કેલી નહીં પડે. રાજ્યના વિકાસનાં કામ, વિવિધ પ્રોજેક્ટ્સ અને સમાજના દરેક વર્ગને ન્યાય આપવા લોકપ્રતિનિધિ અને પ્રશાસનની સાથે મળીને કામ કરવું પડતું હોય છે.’
મુખ્ય પ્રધાન તરીકે તેમની વરણી થયા બાદ થાણે, ડોમ્બિવલી અને તેમના વતન સાતારામાં ભારે ઉત્સાહ સાથે તેમના સમર્થકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને વરસતા વરસાદમાં મન મૂકીને નાચ્યા હતા. તેમના હાથમાં એકનાથ શિંદેનો ફોટો ધરાવતાં બૅનરો તો હતાં જ, બાળાસાહેબ અને આનંદ દીઘેના ફોટા સાથેનાં એટલાં જ બૅનરો પણ હતાં.
બહુમત સિદ્ધ કરવા શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સોગંધવિધિ થયા બાદ રાજ્યપાલે એકનાથ શિંદેને શનિવારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને બહુમત સિદ્ધ કરવા કહ્યું છે. એ સાથે જ વિધાનસભાના અધ્યક્ષની પણ એ જ વખતે વરણી કરવામાં આવશે. શનિવાર અને રવિવાર બીજી અને ત્રીજી જુલાઈ એમ બે દિવસનું આ વિશેષ સત્ર રહેશે. વિધાનસભાનું અધ્યક્ષપદ બીજેપી પાસે રહેવાનું છે.