Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આતંકવાદીઓના નિશાના પર હતી મુંબઈની લોકલ?

આતંકવાદીઓના નિશાના પર હતી મુંબઈની લોકલ?

16 September, 2021 08:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી પોલીસે પકડેલા છ આતંકવાદીઓની પૂછપરછમાં મુંબઈની લાઇફલાઇનને બૉમ્બથી ઉડાવવા રેકી કરાયાની માહિતી હાથ લાગી : જોકે મહારાષ્ટ્ર એટીએસ પાસે આવી કોઈ માહિતી નથી

જાન મોહમ્મદ શેખ અને તેનું ધારાવીમાં આવેલું ઘર.  શાદાબ ખાન

જાન મોહમ્મદ શેખ અને તેનું ધારાવીમાં આવેલું ઘર. શાદાબ ખાન


તહેવારોમાં ભારતનાં મહત્ત્વનાં શહેરોમાં બૉમ્બધડાકા કરવાનું કાવતરું ઘડી રહેલા છ આતંકવાદીઓની દિલ્હી પોલીસે ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં મુંબઈ માટે આંચકાજનક માહિતી હાથ લાગી હોવાનો દાવો પોલીસે કર્યો છે. પાકિસ્તાનમાં ટ્રેઇનિંગ લેનારા આ આતંકવાદીઓના નિશાના પર ફરી મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન છે. પકડાયેલા આતંકવાદીઓએ દેશના આર્થિક પાટનગર મુંબઈમાં બૉમ્બધડાકા કરવા માટે રેકી કરી હોવાનું કહેવાય છે. લોકલ ટ્રેનની સાથે રાજ્યનાં અનેક મહત્ત્વનાં સ્થળોએ બૉમ્બધડાકા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું પણ દિલ્હી પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હોવાનું સૂત્રોએ કહ્યું હતું. જોકે મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ) રેકી ન કરાઈ હોવાનું કહે છે. 
બે દિવસ પહેલાં દિલ્હી પોલીસે છ આતંકવાદીઓને તાબામાં લીધા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આવી પૂછપરછમાં કહેવાય છે કે એક આતંકવાદીએ મુંબઈની લોકલ ટ્રેનની રેકી કરી હોવાનું કબૂલ્યું છે. પહેલાં પણ મુંબઈની લોકલ ટ્રેનોને આતંકવાદીઓએ નિશાન બનાવી હતી. અનેક વખત એકલદોકલ કે સિરિયલ બૉમ્બબ્લાસ્ટ કરાયા છે. આથી શહેરની લાઇફલાઇન કાયમ આતંકવાદીઓના નિશાના પર રહેતી હોવાથી તેમણે આવું કાવતરું ઘડ્યું હોવાની શક્યતા નકારી શકાય એમ નથી.
પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓએ અનેક જગ્યાએ વિસ્ફોટકો છુપાવ્યા છે. એમાંથી કેટલાક વિસ્ફોટક તપાસ એજન્સીએ જપ્ત પણ કર્યા છે. તહેવારના સમયમાં તેઓ મુંબઈમાં ફરી બૉમ્બધડાકા કરવા માગતા હતા, પરંતુ ધડાકાને અંજામ આપે એ પહેલાં પોલીસને હાથ લાગી ગયા હતા.
દિલ્હી પોલીસે મુંબઈના ધારાવી પરિસરમાં પરિવાર સાથે રહેતા જાન મોહમ્મદ અલી મોહમ્મદ શેખ નામના આતંકવાદીની ધરપકડ કરી છે. બીજા રાજ્યની પોલીસ મુંબઈમાં છુપાઈને દેશવિરોધી કામ કરી રહેલા આતંકવાદીને પકડે છે ત્યારે મહારાષ્ટ્ર એટીએસ શું સૂતી હતી? એવો સવાલ વિરોધીઓ કરી રહ્યા છે. આ બાબતે સ્પષ્ટતા કરવા મહારાષ્ટ્ર એટીએસના ચીફ વિનીત અગરવાલે પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે જાન મોહમ્મદ શેખના અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમ સાથે ૨૦ વર્ષથી સંબંધ હોવાનું જણાયું છે. તે ધારાવીમાં પત્ની અને બે પુત્રી સાથે રહેતો હતો. અમારી પાસે તેની માહિતી નહોતી. દિલ્હી પોલીસને તેની માહિતી કેન્દ્રીય તપાસ એજન્સીએ આપી હતી. ૯ સપ્ટેમ્બરે જાન મોહમ્મદ દિલ્હી જવાનો હતો. ૧૦ તારીખે તેણે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ તેની ટિકિટ કન્ફર્મ ન થતાં તે ૧૩ સપ્ટેમ્બરે મુંબઈથી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં દિલ્હી જવા રવાના થયો હતો. ટ્રેન કોટા પહોંચી ત્યારે તેની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. તેણે કે બીજા કોઈ આતંકવાદીએ મુંબઈમાં રેકી કરી હોવાની માહિતી અમારી પાસે નથી. દિલ્હી પોલીસ પાસેથી માહિતી મેળવ્યા બાદ અમે એ વિશે જણાવીશું.’
વિનીત અગરવાલે વધુમાં કહ્યું હતું કે ‘આતંકવાદી જાન મોહમ્મદ પર કર્જ હતું. પહેલાં તે ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. નોકરી છૂટી ગયા બાદ તેણે લોન પર ટૅક્સી ખરીદી હતી. લોનના હપ્તા ન ભરી શકતાં બૅન્કે તેની ટૅક્સી જપ્ત કરી હતી. બાદમાં તેણે ફરી લોન પર એક ટૂ-વ્હીલર ખરીદ્યું હતું. આથી તેને રૂપિયાની જરૂર હતી. આથી જ કદાચ આતંકવાદીઓએ તેનો આ કામ માટે સંપર્ક કર્યો હશે એવી માહિતી દિલ્હી પોલીસે આપી છે. વધુ માહિતી મેળવવા માટે અમારી ટીમ દિલ્હી રવાના થઈ છે.’
    ૧૧ જુલાઈ ૨૦૦૬ના રોજ મુંબઈમાં ચાલતી વેસ્ટર્ન સબર્બન રેલવે લોકલમાં ૧૧ મિનિટમાં સાત બૉમ્બધડાકા થયા હતા, જેમાં ૨૦૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૭૦૦થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. 

કસબને ટ્રેઇનિંગ આપનારા કૅમ્પમાં જ આતંકવાદીઓને તાલીમ અપાયેલી



મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ પાકિસ્તાનથી આવેલા ૧૦ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો તેમને ભારતના મોસ્ટ વૉન્ટેડ અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમના હૅન્ડલરોએ તાલીમ આપી હતી. બે દિવસ પહેલાં દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ઝડપેલા બે આંતકવાદીઓને પણ પાકિસ્તાનમાં આવેલા આ જ થટ્ટા ટેરર કૅમ્પમાં ટ્રેઇનિંગ આપવામાં આવી હોવાની મહત્ત્વની માહિતી સામે આવી છે.
મુંબઈમાં ૨૦૦૮માં દરિયાઈ માર્ગે પ્રવેશ કરીને ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓએ ભારત પરનો સૌથી મોટો હુમલો કર્યો હતો એમાં એકમાત્ર આતંકવાદી અજમલ કસબ જીવતો હાથ લાગ્યો હતો. આ મામલાની તપાસમાં જણાયું હતું કે ભારતના મોસ્ટ વૉન્ટેડ ડૉન દાઉદ ઇબ્રાહિમના હૅન્ડલરોએ તમામ ૧૦ આતંકવાદીઓને ટ્રેઇનિંગ આપીને ભારત પર આત્મઘાતક હુમલો કરવા માટે મોકલ્યા હતા.
બે દિવસ પહેલાં હાથ લાગેલા ૬ આતંકવાદીમાંથી બેને પાકિસ્તાનમાં આવેલા થટ્ટા ટેરર કૅમ્પમાં ટ્રેઇનિંગ આપવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ આતંકવાદીઓને ફિદાયીન હુમલો કરવાની તાલીમની સાથે લોકોને બાનમાં રાખવા ઉપરાંત એક જ સમયે અનેક જગ્યાએ કેવી રીતે હુમલો કરી શકાય એની ટ્રેઇનિંગ આપવામાં આવી હોવાનું તેમની પૂછપરછ પરથી પોલીસને જાણવા મળ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2021 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK