Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની ખાડાની સમસ્યાનો ઝડપી નિકાલ લાવવો છે? તો તમામ રસ્તાનું કામ એક જ એજન્સીને સોંપો

મુંબઈની ખાડાની સમસ્યાનો ઝડપી નિકાલ લાવવો છે? તો તમામ રસ્તાનું કામ એક જ એજન્સીને સોંપો

01 October, 2022 11:01 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ બીએમસીના કમિશનરે બૉમ્બે હાઈ કોર્ટમાં શહેરના રસ્તાઓના ખાડાનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરીને કહ્યું કે એવું નહીં થાય ત્યાં સુધી ખાડાની સમસ્યા રહેશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈમાં અનેક રસ્તા ૧૫ જુદી-જુદી એજન્સીઓના હસ્તક આવે છે. જ્યાં સુધી મુંબઈના તમામ રસ્તા એક જ એજન્સીને સોંપવામાં નહીં આવે ત્યાં સુધી દર વર્ષે ચોમાસામાં પડતા ખાડાની સમસ્યા ઉકેલવી મુશ્કેલ હોવાનું મુંબઈના બીએમસી કમિશનરે ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટમાં ખાડા સંબંધિત જનહિતની એક અરજીની સુનાવણી દરમ્યાન જવાબ આપ્યો હતો. કમિશનરે આ સમયે મુંબઈના બધા ખરાબ રસ્તા માટે બીએમસી જવાબદાર ન હોવાનું અને આગામી ત્રણ વર્ષમાં મુંબઈના રસ્તા ખાડામુક્ત કરવા પર પ્રશાસન કામ કરી રહ્યું હોવાનું કહ્યું હતું.

મુંબઈના રસ્તાઓમાં ચોમાસા દરમ્યાન પડતા ખાડાને લીધે લોકોના જીવ જોખમમાં મુકાતા હોવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જનહિતની એક અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ મકરંદ કર્ણિકની ખંડપીઠ સમક્ષ ગઈ કાલે હાથ ધરવામાં આવી હતી.



સુનાવણી દરમ્યાન મુંબઈ બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ખંડપીઠ સમક્ષ પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરીને મુંબઈના રસ્તાઓની માહિતી આપી હતી. આ સાથે કમિશનરે ખંડપીઠે અગાઉ આપેલી સૂચના મુજબ મુંબઈ બીએમસીની હદમાં આવેલા ૨૦ સૌથી ખરાબ રસ્તાની યાદી પણ સોંપી હતી. આ ૨૦ રસ્તા ત્રણ મહિનામાં રિપેર કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું.


મુંબઈના રસ્તાઓમાં અવારનવાર પડી રહેલા ખાડા વિશે બીએમસીના કમિશનરે કહ્યું હતું કે ‘મુંબઈમાં ૧૫ જેટલી વિવિધ એજન્સીઓ હસ્તક કેટલાક રસ્તાઓ હોવાથી કામ કરવામાં અડચણ થાય છે. જુદી-જુદી એજન્સીઓની સાથે ગૅસ અને ટેલિફોન નિગમ કંપનીની પાઇપલાઇન જમીનની નીચે પથરાયેલી છે. વિવિધ કામ માટે આ કંપનીઓ દ્વારા અવારનવાર ખાડા ખોદવામાં આવે છે. આ કંપનીઓને પરવાનગી આપવી જ પડે છે. મુંબઈના તમામ રસ્તા એક જ એજન્સી હસ્તક સોંપવામાં આવે તો કામ સરળ થઈ જશે અને ખાડાની સમસ્યાનો ઝડપી નિકાલ લાવી શકાશે.’

બીએમસીના કમિશનરે કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે ‘બીએમસી હસ્તક ૨૦૫૦ કિલોમીટરના રસ્તામાંથી ૯૯૦ કિલોમીટર રસ્તાનું કૉન્ક્રીટીકરણ થયું છે. ૨૬૫ કિલોમીટરનું કામ અત્યારે ચાલી રહ્યું છે. ૩૯૭ કિલોમીટર રસ્તાની પ્રક્રિયા ચાલી રહી છે, જેનો વર્કઑર્ડર નવેમ્બરમાં અપાશે. બાકીના ૩૯૮ કિલોમીટર રસ્તાના કામની પ્રક્રિયા આગામી છ મહિનામાં શરૂ થશે. આથી આગામી ત્રણ વર્ષમાં બીએમસી હસ્તકના તમામ રસ્તા કૉન્ક્રીટના થઈ જશે.’


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2022 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK