ભાઈંદર સ્ટેશન પર ગુજરાતી પિતા-પુત્રે ટ્રૅક પર સૂઈને ટ્રેન નીચે આત્મહત્યા કરી હોવાનું આઘાતજનક ફુટેજ બહાર આવ્યું : બન્ને આરામથી વાતો કરતાં-કરતાં પ્લૅટફૉર્મ પરથી ચાલતા જાય છે અને પછી ટ્રેન આવતાં પાટા પર ગળું મૂકે છે
પિતા-પુત્ર રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ચાલતા જતા હોવાની અને ટ્રૅક પર સૂતા હોવાની આખી ઘટના CCTV કૅમેરાનાં ફુટેજમાં કેદ થયેલી જોવા મળી હતી
ભાઈંદર રેલવે-સ્ટેશન પાસે ચાલતી ટ્રેન નીચે ઝંપલાવીને વસઈના જૈન પિતા-પુત્રે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટનાનું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ બહાર આવ્યું છે. આ ફુટેજમાં જોઈ શકાય છે કે પિતા-પુત્ર વાતો કરતાં-કરતાં પ્લૅટફૉર્મ પર આરામથી ચાલીને જતા હતા. ત્યાર બાદ પ્લૅટફૉર્મ પરથી નીચે ઊતરીને ટ્રેનની સામે જઈને રેલવે-ટ્રૅક પર તેઓ સૂઈ જતા હોવાનું દૃશ્ય જોવા મળ્યું હતું. આ ઘટના સોમવારે સવારે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ બની હતી. પોલીસને અત્યારે એ નથી સમજાઈ રહ્યું કે આટલા ઠંડા કલેજે આત્મહત્યા કરવાનું કારણ શું હશે? આ માટે એણે લોકલ પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચને પણ કામે લગાવી છે.
૬૦ વર્ષના હરીશ મહેતા અને ૩૦ વર્ષના જય મહેતા વસઈ-ઈસ્ટમાં વસંતનગરીમાં આવેલા રશ્મિ-દિવ્યા કૉમ્પ્લેક્સમાં રહેતા હતા. સોમવારે સવારે સાડાઅગિયાર વાગ્યે પિતા-પુત્રના મૃતદેહ ભાઈંદર રેલવે-સ્ટેશન નજીક રેલવે-ટ્રૅક પરથી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. રેલવે પોલીસને સ્ટેશનના CCTV કૅમેરાનું ફુટેજ તપાસતાં ખબર પડી હતી કે આ તો સુસાઇડનો કેસ છે. એક સમયે શૅરબજારનું કામ કરતા હરીશ મહેતા અત્યારે નિવૃત્ત હતા, જ્યારે તેમનો દીકરો જય કોલ્ડ ડ્રિન્ક્સની એક કંપનીમાં સેલ્સ-મૅનેજર હતો.
પિતા દીકરાનો હાથ પકડીને લઈ જાય છે
ADVERTISEMENT
હચમચાવી દે એવાં CCTV કૅમેરાનાં ફુટેજમાં દેખાય છે કે પિતા-પુત્ર ભાઈંદરના પ્લૅટફૉર્મ-નંબર ૬ પર ચાલીને વાતો કરતાં-કરતાં આરામથી જતા હોય છે. ચાલતાં-ચાલતાં પ્લૅટફૉર્મ પૂરું થયા બાદ બન્ને પાટા પર ઊતરીને મીરા રોડની દિશામાં ચાલવા લાગે છે. શરૂઆતમાં તેઓ પાંચ નંબરના ટ્રૅક તરફ ચાલવા જાય છે, પણ તરત જ પાછા છ નંબરના ટ્રૅક પર આવી જાય છે. એટલી વારમાં પાંચ નંબરના ટ્રૅક પર ટ્રેન આવતી જોઈને બન્ને જણ એકબીજાનો હાથ પકડીને પાછા પાંચ નંબરના ટ્રૅક પર જઈને ટ્રેનની સામે સૂઈ જાય છે અને ટ્રેન તેમના પરથી પસાર થઈ જાય છે.
વસઈ રેલવે પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ભગવાન ડાંગેએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે અમે જયની વાઇફ અને હરીશભાઈના મોટા ભાઈનું સ્ટેટમેન્ટ લીધું છે. એક વાર તેમની વિધિ પતી ગયા બાદ અમે બન્નેની પૂછપરછ કરીશું. અત્યાર સુધીમાં અમને પરિવારજનો પાસેથી જે માહિતી મળી છે એમાં ઘણું બધું મિસિંગ છે. બન્ને ઘરેથી કેટલા વાગ્યે નીકળ્યા હતા અને તેમણે અંતિમ પગલું ભર્યું એની વચ્ચે તેઓ ક્યાં-ક્યાં ગયા હતા અને કેવી રીતે ત્યાં સુધી પહોંચ્યા હતા એની પણ તપાસ કરી રહ્યા છીએ. જયની બૅગપૅકની તપાસ શરૂ કરી દીધી છે. આ સિવાય બન્નેનાં મોબાઇલ ફોન જપ્ત કરીને એમાંથી માહિતી મેળવવા એક્સપર્ટને એ મોકલી આપ્યા છે.’

