પોલીસે ગોવાની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી, હાથે લખીને આપેલી નોટ પરથી પતિ સામે ગુનો નોંધાયો : તેનું ટૅબ સાઇબર સેલને મોકલી દેવાયું, તેના વીઝા ખતમ થઈ ગયા હતા
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં સોનુર્લીના જંગલમાં લોખંડની સાંકળથી બાંધેલી હાલતમાં મળી આવેલી અને અનેક દિવસોથી ભૂખથી ટળવળતી ૫૦ વર્ષની અમેરિકન નાગરિક લલિતા કાયી કુમાર અશક્ત હોવાથી પોલીસને નિવેદન આપી શકવાની સ્થિતિમાં નથી. તેને ગોવાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં તેની તબિયત સારી છે. તેણે હાથે લખીને આપેલી નોટ પરથી તેના પતિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આને પગલે આ કેસમાં તપાસ માટે સિંધુદુર્ગ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગોવા અને તામિલનાડુ જવા રવાના થઈ છે.
તેની પાસેથી શું મળ્યું?
ADVERTISEMENT
લલિતા કાયી પાસેથી એક થેલી, મોબાઇલ, ટૅબ અને ૩૧,૦૦૦ રૂપિયા રોકડા મળી આવ્યા છે. મોબાઇલની બૅટરી ડિસ્ચાર્જ થઈ હોવાથી એની જાણકારી મેળવવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ‘તેનું ટૅબ સાઇબર સેલને મોકલી દેવામાં આવ્યું છે. આ મહિલાએ ઘણા દિવસથી કંઈ ખાધું નથી અને તેની તબિયત ખરાબ છે. તે માનસિક સમસ્યાથી પણ પીડાઈ રહી છે. તેની પાસેથી આ સંદર્ભનાં મેડિકલ પ્રિસ્ક્રિપ્શન મળી આવ્યાં છે. અમેરિકાના દૂતાવાસે પણ ભારત સરકારને આ કેસમાં ઝડપી તપાસ માટે વિનંતી કરી છે.’
૧૦ વર્ષ પહેલાં ભારત આવી હતી
આ કેસમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે તે ૧૦ વર્ષ પહેલાં ભારતમાં યોગ શીખવા માટે તામિલનાડુ આવી હતી. તે અમેરિકામાં ડાન્સર અને યોગશિક્ષિકા હતી. તે બંધાયેલી હાલતમાં જંગલમાં કઈ રીતે મળી એની તપાસ કરવાનું આહ્વાન હવે પોલીસ સમક્ષ છે.
આ મહિલાએ અંગ્રેજી ભાષામાં કાગળ પર લખીને પતિ દ્વારા આચરવામાં આવેલા અત્યાચારની માહિતી આપી હતી. પતિ તેને ખોટી દવાઓ આપીને જંગલમાં બાંધીને જતો રહ્યો હતો. મહિલાની આ ફરિયાદના આધારે પતિ સામે હત્યાનો પ્રયાસ અને બંધક બનાવવા જેવી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વીઝા ખતમ થઈ ગયા હતા
તેની પાસેથી તેના અમેરિકન પાસપોર્ટની ફોટોકૉપી અને તામિલનાડુનું સરનામું ધરાવતું આધાર કાર્ડ મળી આવ્યાં છે. તે છેલ્લાં ૧૦ વર્ષથી ભારતમાં રહેતી હતી. તેના વીઝા ખતમ થઈ ગયા હતા. પોલીસ હવે તેની નાગરિકતા ચકાસવા માટે દસ્તાવેજો ચકાસી રહી છે. પોલીસે ફૉરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઑફિસનો સંપર્ક પણ કર્યો છે.

