પેટ અને પીઠ પર ચાકુના ઘા : તેની ઓળખ ન થાય એ માટે ચહેરો પથ્થરથી છૂંદી નાખ્યો : પ્રાઇવેટ પાર્ટ્સ પર પણ વાર
સદ્ગત યશશ્રી શિંદે, આરોપી દાઉદ શેખ
ઉરણની યશશ્રી શિંદેની હત્યાના કેસમાં હવે જ્યારે પોસ્ટમૉટર્મ રિપોર્ટ આવ્યો છે ત્યારે એમાં ઘણા ખુલાસા થયા છે. પોલીસ-સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યારાએ તેનાં પેટ અને પીઠમાં ચાકુના અનેક ઘા કર્યા હતા જેને કારણે તેનું મૃત્યુ થયું હતું. બીજું તેના પ્રાઇવેટ પાર્ટ્સ પર પણ ઈજા થઈ હતી. તેનો ચહેરો ઓળખી ન શકાય એ માટે તેને પથ્થરથી વિકૃત કરી નાખવામાં આવ્યો હતો. તેના પરિવારે તેણે કમર પર કરાવેલા ટૅટૂના આધારે તેના મૃતદેહને ઓળખ્યો હતો.
કેસની તપાસ કરી રહેલી પોલીસે કહ્યું કે ‘યશશ્રી પચીસ જુલાઈથી મિસિંગ થઈ હતી એટલે ત્યાર બાદના તેના કૉલ-રેકૉર્ડ ચેક કરવામાં આવ્યા ત્યારે એક ચોક્કસ નંબર પર તેણે બહુ લાંબો સમય વાત કરી હોવાનું જણાઈ આવ્યું હતું. તપાસ કરતાં એ નંબર દાઉદ શેખનો હતો.’
ADVERTISEMENT
દાઉદ શેખ મૂળ કર્ણાટકનો છે. તે અહીં બસ-ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. યશશ્રી જ્યારે ૧૫ વર્ષની હતી ત્યારથી જ તે તેની પાછળ પડ્યો હતો. યશશ્રી અને તેની વચ્ચે વાતચીત થતી રહેતી હતી. એ પછી સગીર વયની યશશ્રીની દાઉદે છેડતી કરતાં યશશ્રીના પરિવારે તેની સામે ગુનો પણ દાખલ કર્યો હતો અને એમાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન્સ ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ પણ તેની સામે ગુનો નોંધાયો હતો. એ કેસમાં તેની ધરપકડ થઈ હતી અને તે જેલમાં પણ ગયો હતો. બહાર આવ્યા પછી તેણે એ બાબતનો બદલે લીધો હોવાની યશશ્રીનાં માતા-પિતાને શંકા છે. એથી પોલીસમાં તેમણે દાઉદ શેખે યશશ્રીની હત્યા કરી હોવાની શંકા જતાવી છે. જ્યારથી યશશ્રીની હત્યા થઈ છે ત્યારથી દાઉદનો ફોન પણ સ્વિચ્ડ ઑફ આવી રહ્યો છે. તેને શોધવા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે.
ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ ગઈ કાલે યશશ્રીના પરિવારની મુલાકાત લઈને તેમને સાંત્વન આપ્યું હતું. કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘રાજ્યમા વારંવાર આવી ઘટનાઓ બની રહી છે એટલે હું મુખ્ય પ્રધાન અને ડેપ્યુટી મુખ્ય પ્રધાનને અપીલ કરતાં કહું છું કે રાજ્યમાં લવ જેહાદની આવી ઘટનાઓ રોકવા માટે કડક કાયદો ઘડી કાઢવામાં આવે.’