કસ્ટમ્સ-ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત સાથે જ મુંબઈમાં સોના-ચાંદીના ભાવમાં ૫૦૦૦થી ૭૦૦૦ રૂપિયાનો ઘટાડો
ફાઇલ તસવીર
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે સોના-ચાંદી પરની આયાત-ડ્યુટી ૧૫ ટકાથી ઘટાડીને છ ટકા કરવાની જાહેરાત કરી હતી. આ પગલાથી સોનું અને ચાંદી આપણા દેશમાં સસ્તાં થશે. ગઈ કાલે ૨૦૨૪-’૨૫ના બજેટની નાણાપ્રધાને જાહેરાત કરતાં જ ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ અસોસિએશનના જણાવ્યા પ્રમાણે સોનાના ૧૦ ગ્રામના ભાવમાં ૫૯૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામે અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ૭૬૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈના જ્વેલરો કહે છે કે સરકારના આ પગલાની અસર તરત જ ઘરાકી પર જોવા મળી હતી. ઑગસ્ટ મહિનાથી શરૂ થતા તહેવારોમાં સોના અને ચાંદીના ભાવઘટાડાથી ઘરાકી પર જબર અસર જોવા મળશે. આ વખતની રક્ષાબંધન, ગણેશોત્સવ, દશેરા અને દિવાળીના તહેવારોમાં ઘણા લાંબા સમય પછી ઘરાકીમાં વૃદ્ધિ થશે.
રોજગાર નિર્માણને વેગ આપશે
ADVERTISEMENT
ઑલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચૅરમૅન સંયમ મહેરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોના અને ચાંદીની કસ્ટમ્સ-ડ્યુટીમાં ઘટાડો એ સરકારનું પ્રશંસનીય પગલું છે. અમારી કાઉન્સિલ જે સમગ્ર વિશ્વનું પ્રતિનિધિત્વ કરે છે એની કસ્ટમ્સ-ડ્યુટી ઘટાડવાની ઘણા લાંબા સમયથી માગણી હતી. આનાથી સ્થાનિક જ્વેલરી ઉત્પાદકોને ફાયદો થશે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોને ઔપચારિક ચૅનલમાં સંક્રમણ કરવા માટે પ્રોત્સાહન મળશે જે આ એકમોને ભવિષ્યમાં તેમના વ્યવસાયને વિસ્તૃત કરવામાં મદદ કરશે. એ ભારતમાં રોજગાર નિર્માણને વેગ આપશે. આ ડેવલપમેન્ટ ભારતનું ૨૦૨૪નું બજેટ છે જેના અમે આજે સાક્ષી બન્યા છીએ.’
ગ્રાહકોને રોકાણમાં પ્રોત્સાહન
ઑલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના સતત પ્રયાસોને આજે સફળતા મળી છે એમ જણાવતાં એના વાઇસ-ચૅરમૅન રાજેશ રોકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પગલાથી વૈકલ્પિક અસ્કયામતોમાં રોકાણ કરનારા ગ્રાહકોને નોંધપાત્ર રાહત મળશે અને તેમને સોનાના રોકાણમાં પાછા ફરવા પ્રોત્સાહિત કરશે. અમને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં ભારતમાં ઘરગથ્થુ રોકાણ અને બચતમાં વધારો જોવા મળશે. વધુમાં જ્વેલરી સેક્ટરમાં SME અને MSME માટે કાર્યકારી મૂડી લોનનું વિસ્તરણ ખૂબ જ જરૂરી પ્રોત્સાહન પૂરું પાડશે. વ્યક્તિગત આવકવેરાની મુક્તિમર્યાદામાં વધારાથી ગ્રાહકોને પણ ફાયદો થશે અને ઘરગથ્થુ બચતને પ્રોત્સાહન મળશે. એકંદરે કેન્દ્રીય બજેટ ૨૦૨૪ પ્રશંસનીય છે.’
જેમ્સ-જ્વેલરી માટે ગેમ-ચેન્જર
કેન્દ્રીય બજેટ ૨૦૨૪ જેમ્સ અને જ્વેલરી સેક્ટર માટે ગેમ-ચેન્જર છે એમ જણાવતાં ધ જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચૅરમેન વિપુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોના અને ચાંદી પરની આયાત-ડ્યુટીમાં ઘટાડો એ અમારા ઉદ્યોગ માટે એક મોટું પ્રોત્સાહન છે જે ગ્રાહકો માટે રોકાણની ક્ષમતા અને કાર્યકારી મૂડીને મુક્ત કરીને ઉત્પાદનક્ષેત્રમાં સ્પર્ધાત્મકતામાં વધારો કરશે. સ્પેશ્યલ નોટિફાઇડ ઝોન્સ પર રફ હીરાના વેચાણ પર બે ટકા ઇક્વલાઇઝેશન લેવી નાબૂદ અને સેફ હાર્બર નિયમની રજૂઆત ભારતને વૈશ્વિક રફ ડાયમન્ડ ટ્રેડિંગ હબ તરીકે નિશ્ચિતપણે સ્થાપિત કરશે. આ સંયુક્ત પગલાં સેક્ટરના વિકાસને વેગ આપશે તથા નાના પાયાના જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો અને હીરા કાપનારાઓ અને પૉલિશર્સને લાભ આપીને લાખો રોજગારીની તકો ઊભી કરશે. આમ ૨૦૪૭ સુધીમાં ભારતના વિકસિત ભારત બનવાના વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપશે.’
તરત જ જોવા મળી ઘરાકી પર અસર ગઈ કાલના કેન્દ્રીય બજેટમાં સોના અને ચાંદી પરની કસ્ટમ્સ-ડ્યુટી ઘટાડીને છ ટકા અને પ્લૅટિનમ પર ૬.૪ ટકા કરવાની જાહેરાત પ્રશંસનીય અને લાંબા સમયથી રાહ જોવાતું પગલું છે એમ જણાવતાં ગોલ્ડ અસોસિએશનના પ્રવક્તા કુમાર જૈને ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘આ વ્યૂહાત્મક કટ ગેરકાયદે વ્યવહારોને અંકુશમાં રાખશે, કાનૂની અને ગેરકાયદે હેરાફેરીને અટકાવશે અને વધુ પારદર્શક અને કાનૂની બજારને પ્રોત્સાહન આપશે. ગ્રાહકોને નવ ટકા સસ્તું સોનું મળશે. સમગ્ર રત્ન અને ઝવેરાત ઉદ્યોગ માટેના આ મહત્ત્વપૂર્ણ પગલા માટે અમે નાણાપ્રધાનનો આભાર વ્યક્ત કરીએ છીએ. ગઈ કાલે નાણાપ્રધાનની જાહેરાત સાથે જ મુંબઈમાં સોનાના ભાવ ૫૦૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીના ભાવ ૭૦૦૦ રૂપિયા પ્રતિ કિલોએ ઘટી ગયા હતા જેની તરત જ અસર ઘરાકી પર જોવા મળી હતી. સરકારના આ પગલાથી તહેવારોમાં ઘરાકી વધશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.’

