Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે પ્રશંસાથી ડર લાગે છે, લાફાથી નહીં; અમે એવો લાફો મારીશું કે તે ઊઠી નહીં શકે

હવે પ્રશંસાથી ડર લાગે છે, લાફાથી નહીં; અમે એવો લાફો મારીશું કે તે ઊઠી નહીં શકે

02 August, 2021 01:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજેપીના પ્રસાદ લાડે શિવસેનાભવનને ફોડવાની કરેલી વાતનો ઉદ્ધવ ઠાકરેએ આપ્યો સણસણતો જવાબ

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે


રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘આ ટ્રિપલ સીટ સરકાર છે. હવે કોઈ પ્રશંસા કરે તો ડર લાગે છે, લાફાથી નહીં. લાફો મારવાની ભાષા કોઈ ન વાપરે. અમે એવો લાફો મારીશું કે તે ઊઠી નહીં શકે.’

ઉદ્ધવ ઠાકરેએ પોતાના વિરોધીઓને આવી આકરી ભાષામાં જવાબ આપ્યો હતો. મુંબઈમાં આવેલા વરલી ખાતેની બીડીડી ચાલના રીડેવલપમેન્ટ માટેના ભૂમિપૂજન વખતે તેમણે આવું કહ્યું હતું. બીજેપીના એમએલસી પ્રસાદ લાડે દાદર ખાતેના શિવસેનાભવનને ફોડવાની વાત કરી હતી એનો જવાબ ઉદ્ધવ ઠાકરેએ આવી રીતે આપ્યો હતો.



બીડીડી ચાલના રીડેવલપમેન્ટના ભૂમિપૂજન વખતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘આજે ભૂમિપૂજન કર્યું. ૩૬ મહિનામાં તમને બધાને એકસાથે ઘરની ચાવી આપીશું. જીવનમાં કેટલીક ક્ષણો અચાનક આવે છે. મુખ્ય પ્રધાન બનવાનું સપનામાંય વિચાર્યું નહોતું. બાળપણથી આ પરિસરમાં આવવાનું થયું છે. શિવસેના-પ્રમુખની સાથે આવતો. ભૂમિપૂજન હું મુખ્ય પ્રધાન તરીકે કરીશ એનો સપનામાં પણ ખ્યાલ નહોતો. મારા પર ફૂલોની વર્ષા કરાઈ, પરંતુ અમે લોકોના ઋણી છીએ. મુંબઈએ, મરાઠી માણસોએ લોહી વહાવ્યું છે. પોતાના હકનાં ઘર મળ્યા બાદ મોહમાં પડતા નહીં.’


નશામુક્તિ કાર્યક્રમ કરવાની જરૂર

શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે બીજેપીના પ્રસાદ લાડે શિવસેનાભવન બાબતે કહેલી વાતના જવાબમાં ટ્વીટ કર્યું હતું. એમાં તેમણે લખ્યું છે કે ‘મહારાષ્ટ્રમાં તાત્કાલિક ધોરણે નશામુક્તિ કાર્યક્રમ હાથ પર લેવાની જરૂર છે. આમ નહીં થાય તો રાજકીય ગાંજો પીનારાઓને મરાઠી માણસ શિવસેનાભવનની ફૂટપાથ પર માર્યા વિના નહીં રહે. શિવસેનાભવન મરાઠી અસ્મિતાનું જ્વલંત પ્રતીક છે. આ લોકોને આ કેવી રીતે સમજાશે?’


પ્રસાદ લાડને મજાકની આદત

એનસીપીના નેતા અને રાજ્યના અન્ન, નાગરી પુરવઠા તેમ જ ગ્રાહક સંરક્ષણપ્રધાન છગન ભુજબળે નાશિકમાં પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન સવાલ કર્યો હતો કે કોણ લાડ? બાદમાં તેમણે પ્રસાદ લાડ જેવા લોકોને મજાક કરવાની આદત છે આથી તેમની આવી નિરર્થક બાબતને ધ્યાનમાં લેવાની જરૂર નથી એમ કહીને જવાબ આપ્યો હતો.

પ્રસાદ લાડે શું કહ્યું હતું?

સેનાભવનની સામે બીજેપીના આંદોલન બાદ બીજેપી-શિવસેના વચ્ચે ઊભો થયેલો વિવાદ ચાલી રહ્યો છે. બીજેપીના એમએલસી પ્રસાદ લાડે કરેલા વક્તવ્યે એમાં ઘી હોમવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે ‘અમે માહિમમાં ગયા તો તેમને લાગ્યું કે અમે શિવસેનાભવન ફોડવા માટે તો નથી આવ્યાને? પણ જો સમય આવશે તો શિવસેનાભવન પણ ફોડીશું.’

કોઈ પર હુમલો કરતા નથી, પણ કોઈ કરે તો છોડીશું નહીં : દેવેન્દ્ર ફડણવીસ

વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘તોડફોડ કરવાની અમારી સંસ્કૃતિ નથી. અમે તોડફોડ કરતા નથી. અમે કોઈના પર હુમલો કરતા નથી, પણ કોઈ કરે તો છોડતા નથી.’

પ્રસાદ લાડના નિવેદન બાબતે તેમણે નાગપુરમાં આવી પ્રતિક્રિયા આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘પ્રસાદ લાડનું જે નિવદેન સામે આવ્યું છે એ બાબતે તેમણે વિડિયોના માધ્યમથી ખુલાસો કર્યો છે. આથી અમારા માટે વિષય પૂરો થાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2021 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK