° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


મુંબઈમાં પડ્યા ઉદયપુરના ટેલરની હત્યાના પડઘા

30 June, 2022 10:40 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

હત્યાના વિરોધમાં મુંબઈ સેન્ટ્રલમાં આવેલી દેશની સૌથી મોટી મોબાઇલ ઍક્સેસરીઝની નાથાણી માર્કેટે પાળ્યો બંધ : આ માર્કેટમાં ૮૫ ટકા રાજસ્થાનના વેપારીઓ છે

રાજસ્થાનના ઉદયપુરમાં ટેલરની હત્યાના વિરોધમાં બંધ રહેલી મુંબઈના મુંબઈ સેન્ટ્રલમાં આવેલી દેશની સૌથી મોટી મોબાઇલ ઍક્સેસરીઝની નાથાણી માર્કેટ. Udaipur Murder

રાજસ્થાનના ઉદયપુરમાં ટેલરની હત્યાના વિરોધમાં બંધ રહેલી મુંબઈના મુંબઈ સેન્ટ્રલમાં આવેલી દેશની સૌથી મોટી મોબાઇલ ઍક્સેસરીઝની નાથાણી માર્કેટ.

રાજસ્થાનના ઉદયપુરના એક ટેલર કન્હૈયાલાલે બીજેપીનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને તેમની પ્રૉફેટ મોહમ્મદ પરની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓને સોશ્યલ મીડિયાના માધ્યમથી સમર્થન આપ્યું હતું. એને પરિણામે તેની દુકાનમાં જઈને ટેલરિંગનું કામ આપવાના બહાને ઘૂસેલી બે વ્યક્તિએ તેની નિર્મમ હત્યા કર્યા બાદ રાજસ્થાનમાં ઊહાપોહ મચી ગયો છે. કન્હૈયાલાલની હત્યાના ઘેરા પ્રત્યાઘાત મુંબઈના રાજસ્થાન સમાજમાં પણ પડ્યા છે. ગઈ કાલે કન્હૈયાલાલના અંતિમ સંસ્કારના દિવસે મુંબઈ સેન્ટ્રલમાં આવેલી દેશની સૌથી મોટી મોબાઇલ ઍક્સેસરીઝ માર્કેટ બંધ રહી હતી. આ માર્કેટમાં ૮૫ ટકા વેપારીઓ રાજસ્થાનના છે, જેમણે કન્હૈયાલાલના હત્યારાઓને કડકમાં કડક સજા આપવાની માગણી કરી છે.

કન્હૈયાલાલે બીજેપીનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા માટે સોશ્યલ મીડિયા પર સમર્થન વ્યક્ત કર્યું હતું, જેની પ્રૉફેટ મોહમ્મદ પરની ઉશ્કેરણીજનક ટિપ્પણીઓએ દેશ-વિદેશમાં ભારે વિવાદ ઊભો કર્યો હતો. કન્હૈયાલાલે નૂપુર શર્માની ટિપ્પણીને સોશ્યલ મીડિયામાં સમર્થન આપ્યું હતું, જેને પગલે તેને રોજ ધમકીના ફોન આવતા હતા.

ત્યાર બાદ ૧૦ જૂને તેની સામે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી, જેને કારણે કન્હૈયાલાલની પોલીસે ધરપકડ પણ કરી હતી. જોકે ૧૫ જૂને કન્હૈયાલાલે પોલીસમાં ફરિયાદ કરી હતી કે અમુક સમાજના લોકો તરફથી તેને ધમકી મળી રહી છે. આથી પોલીસે બન્ને પાર્ટીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવીને સમાધાન કરાવ્યું હતું.

મંગળવારે બપોરે કન્હૈયાલાલની દુકાનમાં બે મુસ્લિમ પુરુષોએ ટેલરિંગનું કામ આપવાના બહાને જઈને કન્હૈયાલાલનું ગળું ચીરી નાખ્યું હતું. ગુનો કર્યા પછી તરત જ બન્ને આરોપીઓએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં શિરચ્છેદની બડાઈ મારવામાં આવી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવને પણ ધમકી આપવામાં આવી હતી. ઉદયપુર પોલીસે ઘટનાના કલાકોમાં જ બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પ્રમાણે કન્હૈયાલાલના શરીર પર ઘાનાં ૨૬ નિશાન મળ્યાં છે. તેના ગળા પાસે ઘાનાં આઠથી દસ નિશાન મળ્યાં છે. બાકીના શરીરના બીજા હિસ્સાઓમાં નિશાન મળ્યાં છે.

કન્હૈયાલાલના પરિવારજનોએ કન્હૈયાલાલની હત્યાના આરોપીઓને ફાંસીની સજા આપવાની માગણી કરી છે. તેના ગઈ કાલે પૂરા સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર સમયે હજારો લોકોની મેદની હાજર રહી હતી અને કન્હૈયાલાલની હત્યાનો વિરોધ કર્યો હતો.

દેશની સૌથી મોટી મોબાઇલ ઍક્સેસરીઝ બજારના વેપારીઓએ પણ કન્હૈયાલાલની હત્યાનો વિરોધ દર્શાવીને ગઈ કાલે તેમની માર્કેટ બંધ રાખી હતી. આ માહિતી આપતાં આ વેપારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી બજારનો વેપારી સમાજ ઉદયપુરના એ કમનસીબ મૃત ટેલરના પરિવાર સાથે છે. અમે આ નિર્દય હત્યાનો નિષેધ કરીએ છીએ.’

મોબાઇલ ઍક્સેસરીઝ અસોસિએશન જેની સાથે સંકળાયેલું છે એ ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડના સેક્રેટરી મિતેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્યારેય કોઈ બંધ જાહેર કરે એટલે સૌથી પહેલાં દુકાનો બંધ કરાવે છે. દંગા-ફસાદ થાય એટલે સૌથી પહેલાં દુકાનોને જલાવી દેવામાં આવે છે. આમ છતાં ધાર્મિક, સામાજિક, રાજકીય ફન્ડફાળા માટે તેઓ સૌથી પહેલાં વેપારીઓ પાસે આવે છે અને વેપારીઓ હંમેશાં ફન્ડ આપે પણ છે. ગાંઠનું ગોપીચંદન કરીને પણ શાસનને બનતી બધી મદદ હંમેશાં વેપારીઓ કરતા હોવા છતાં પહેલાં દુકાનો ટાર્ગેટ બનતી હતી, હવે તેમના જીવની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ ગઈ છે. આથી અમારી માગણી છે કે બધાં રાજ્યોમાં અને શહેરોમાં સરકાર ટ્રેડર્સ પ્રોટેક્શન ફોર્સની રચના કરે અને સુનિશ્ચિત કરે કે વેપારીઓનો જીવ અને દુકાન સલામત રહે.’

મિતેશ મોદીએ વધુમાં કહ્યું હતું કે ‘વેપારીઓ એટલે ઇકૉનૉમિક ઘડવૈયાનો જીવ જોખમમાં રહેશે તો આર્થિક વ્યવસ્થા અને આર્થિક વ્યવહાર પર એની ઘણી નેગેટિવ ઇફેક્ટ પડશે. અમે સરકાર પાસે સતત માગણી કરીએ છીએ કે તેઓ વેપારીઓની સુરક્ષા બાબત ત્વરિત પગલાં ભરે.’ 

30 June, 2022 10:40 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

જર્મનીમાં અરિહા શાહનું જૈન ફૅમિલી સાથે મિલન ક્યારે?

જર્મનીમાં પરિવાર પાસેથી છીનવી લેવાયેલી જૈન બાળકીને બચાવવાની ઝુંબેશમાં હવે જૈન સાધુઓ પણ સામેલ : અરિહાને જર્મનીના ફોસ્ટર કૅરમાંથી મુક્ત કરાવીને ભારત સરકાર ભારતના કોઈ જૈન પરિવારને સોંપીને તેનામાં જૈન સંસ્કારનું સિંચન કરાવે એવી તેનાં માતા-પિતાની અપીલ

19 August, 2022 09:15 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

અંગ્રેજો તો ગયા, પણ અંગ્રેજિયત મૂકતા ગયા

આ કહેવું છે જૈનાચાર્ય પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજસાહેબના શિષ્ય પૂજ્ય પંન્યાસ શ્રી રાજરક્ષિતવિજયજી મહારાજસાહેબનું. તેમની નિશ્રામાં આઝાદીની લડતમાં જૈનોના યોગદાનની માહિતી આપતી એક નૃત્યનાટિકા ગઈ કાલે મુલુંડમાં ભજવાઈ

16 August, 2022 11:17 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

તિરંગો તો છે, પણ એ ફરકાવવા ઘર ક્યાં છે?

એવો સવાલ ગઈ કાલે બેઘર બનેલા કાંદિવલીના રહેવાસીઓએ તિરંગા પદયાત્રા વખતે કર્યો

16 August, 2022 11:11 IST | Mumbai | Rohit Parikh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK