આ ઘટના ક્યાં બની હતી એની ચોક્કસ માહિતી લીધા બાદ આ કેસની વધુ તપાસ ટ્રાન્સફર કરવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
કચ્છના અંજાર તાલુકામાં રહેતાં ૪૭ વર્ષનાં શિલ્પા ઠક્કરની બાંદરા સુપરફાસ્ટ એક્સપ્રેસના AC કમ્પાર્ટમેન્ટમાં શુક્રવારે પ્રવાસ દરમ્યાન અઢી લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હોવાની ફરિયાદ બાંદરા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)માં નોંધાઈ છે. શુક્રવારે વહેલી સવારે શિલ્પાબહેન અને તેમનો પરિવાર ટ્રેનમાં સૂઈ રહ્યાં હતાં ત્યારે ચોરોએ કોચમાં પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક માહિતીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટના અમદાવાદ પછી બની હોવાની અમને પ્રાથમિક માહિતી મળી છે એમ જણાવતાં બાંદરા GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંજારમાં રહેતાં શિલ્પાબહેન લગ્ન નિમિત્તે પરિવારના સભ્યો સાથે મુંબઈ આવવા ગાંધીધામ રેલવે-સ્ટેશનથી ગુરુવારે રાતે બાંદરા સુપરફાસ્ટ એક્સપ્રેસના બી-૨ ડબ્બામાં પ્રવાસ શરૂ કરીને સૂઈ ગયાં હતાં. સવારે સુરત સ્ટેશન પર તેઓ ઊઠ્યાં ત્યારે તેમની એક ટ્રૉલી-બૅગ અને સીટ પર રાખેલી હૅન્ડબૅગ ચોરાયાં હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વધુ તપાસ કરતાં આશરે ૧.૨૫ લાખ રૂપિયાની રોકડ, ૯૦ હજાર રૂપિયાના દાગીના અને મોબાઇલ ચોરાયાં હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે શુક્રવારે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં અમે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. આ ઘટના ક્યાં બની હતી એની ચોક્કસ માહિતી લીધા બાદ આ કેસની વધુ તપાસ ટ્રાન્સફર કરવામાં આવશે.’