બે લાખ રોકડા અને સોના તથા ચાંદીનાં ઘરેણાં મળીને ૧૪.૬૫ લાખ રૂપિયાનો ફટકો
સોસાયટીના CCTV કૅમેરાનાં ફુટેજમાં કેદ થયેલા અજય વ્યાસના ફ્લૅટનો દરવાજો તોડી રહેલા ચોરો (ડાબે) અને અજય વ્યાસના ફ્લૅટમાં ચોરોએ અસ્તવ્યસ્ત કરી નાખેલું કબાટ અને બૅગોમાં પડેલો સામાન.
ઘાટકોપર-ઈસ્ટના સિક્સ્ટી ફીટ રોડ પર આવેલી રાજેશ સોસાયટીમાં રહેતાં ૫૦ વર્ષનાં અનુરાધા વ્યાસ બે દિવસ અમદાવાદ ગયાં હતાં ત્યારે પાછળથી ઘરફોડી કરીને લૂંટારાઓ બે લાખ રૂપિયા રોકડ સહિત ૧૪,૬૫,૦૦૦ રૂપિયાના સોના-ચાંદીના દાગીના લૂંટી જતાં ઘાટકોપરમાં ફફડાટ ફેલાયો છે. પંતનગર પોલીસના કહેવા પ્રમાણે સિક્સ્ટી ફીટ રોડની ત્રણ સોસાયટીઓમાં ઘરફોડીના બનાવો બન્યા છે, પરંતુ ફરિયાદ ફક્ત વ્યાસ પરિવાર તરફથી જ કરવામાં આવી છે.
જાણીતા ગુજરાતી વક્તા અને લેખક જય વસાવડાનાં બહેન અનુરાધા વ્યાસ અને તેમના પતિ અજય વ્યાસ બીજી જુલાઈએ પર્સનલ કામકાજ માટે અમદાવાદ ગયાં હતાં. તેઓ અમદાવાદથી શુક્રવારે બપોરે પાછાં ફર્યાં હતાં. આ બાબતની માહિતી આપતાં અનુરાધા વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોરે ખૂબ જ નિર્દયતાથી ચોરી કરી છે. તેણે સોના-ચાંદીનાં ઘરેણાંની સાથે ઍન્ટિક ઘડિયાળો અને અન્ય વસ્તુઓની પણ ઘરમાંથી ચોરી કરી છે. તેણે અનેક મોંઘી વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું છે. અમારા ફ્લૅટનું ઍગ્રીમેન્ટ, મેડિક્લેમના ડૉક્યુમેન્ટ્સ અને દવાનાં બિલોને પણ તેણે ફેંદીને અસ્તવ્યસ્ત કરી દીધાં છે. અચાનક જરૂર પડે તો અત્યારે અમને એક પણ મહત્ત્વના દસ્તાવેજો ઘરમાંથી મળી શકે એવી પરિસ્થિતિ નથી. મારી દીકરી ધ્રુવિતાનાં બે વર્ષ પહેલાં જ લગ્ન થયાં છે. તેની પણ અનેક મોંઘી વસ્તુઓ અને જયભાઈનાં પણ સોનાનાં ઘરેણાં અમારા ઘરમાં હતાં એ બધું જ ચોરો ચોરીને લઈ ગયા છે. અમારા આ દુઃખમાં સહાયરૂપ થવા અને સાંત્વન આપવા માટે ઘાટકોપરના ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પ્રવીણ છેડા પોલીસમાં ફરિયાદ કરવા સુધી અમારી સાથે રહ્યા હતા. અમારા પાડોશીએ આપેલી માહિતી પ્રમાણે અમારા ફ્લૅટની બે દિવસથી લાઇટ ચાલુ હતી. તેમને લાગ્યું કે અમે ઘરે પાછાં આવી ગયાં છીએ. આમ પણ સેફ્ટી ડોર અને મેઇન ડોર અમે આવ્યા ત્યારે એવી રીતે હતા જાણે અમે ઘરમાં હોઈએ.’
ADVERTISEMENT
અમે મુંબઈ ઍરપોર્ટ પર આવ્યા પછી અમને અમારા ઘરમાં લૂંટફાટ થઈ હોવાની જાણકારી મળી હતી એમ જણાવતાં જય વસાવડાના ૫૯ વર્ષના બનેવી અજય વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે શુક્રવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે અમદાવાદથી મુંબઈ ઍરપોર્ટ પર આવ્યા એટલે ઘાટકોપર-વેસ્ટના ગોલીબાર રોડ પર રહેતી અને અમારે ત્યાં કામ કરતી ૪૫ વર્ષની રૂપા સીતારામને ફોન કર્યો હતો. તેને અમે ઘરે બે વાગ્યા સુધીમાં પહોંચી જઈશું એટલે ઘરે જઈને સાફસફાઈ કરી રાખવા કહ્યું હતું. તે પોણાબે વાગ્યે અમારા ફ્લૅટ પર પહોંચી ત્યારે અમારો સેફ્ટી ડોર અને મેઇન ડોર તૂટેલા જોતાં તેણે અમને અનહોની બન્યાની જાણકારી આપી હતી. અમે ટૅક્સીમાં ઘરે પહોંચ્યા તો જોયું તો અમારા ફ્લૅટની બધી જ રૂમો અને કબાટો અસ્તવ્યસ્ત હતાં. આથી અમે કોઈ પણ વસ્તુને હાથ લગાડ્યા વગર જ પંતનગર પોલીસમાં ફોન કરીને ચોરીની જાણકારી આપી હતી. તરત જ પોલીસે ફૉરેન્સિક લૅબ અને અન્ય વિભાગોની મદદ લઈને તપાસ શરૂ કરી હતી. અમારા ફ્લૅટમાંથી રોકડ રકમ અને ઘરેણાં સહિત ૧૪,૬૫,૦૦૦ રૂપિયાની મતા ચોરાઈ છે.’
પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ કેવળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે અજય વ્યાસની ફરિયાદ પરથી ચોરીની ફરિયાદ નોંધી છે. અમને મળેલી માહિતી પ્રમાણે ઘાટકોપરમાં ત્રણ ઘરફોડીના બન્યા છે, પણ અમારી પાસે ફક્ત એક જ ફરિયાદ આવી છે. અમે CCTV કૅમેરાનાં ફુટેજની સહાયથી ચોરોને શોધી રહ્યા છીએ.’