° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધને લઈને વેપારીઓ મૂંઝવણમાં

02 July, 2022 10:57 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામાન્ય રીતે એવી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ માત્ર એક જ વાર કરવામાં આવે છે અને રીસાઇક્લિંગ પ્રક્રિયા માટે થતો નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

પ્લાસ્ટિકના પ્રદૂષણના જોખમને ઘટાડવા માટેના એક મહત્ત્વપૂર્ણ પગલા તરીકે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ગઈ કાલથી સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એમાં પ્લાસ્ટિકની લાકડીઓ સાથેનાં ઇયરબડ્સ, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિકની લાકડીઓ, પ્લાસ્ટિકના ધ્વજ, મીઠાઈની લાકડીઓ, આઇસક્રીમની લાકડીઓ, સુશોભન માટે પૉલિસ્ટરીન (થર્મોકોલ), પ્લેટ્સ, કપ, ચશ્માં, કટલરી જેમ કે કાંટો, ચમચી, છરીઓ, સ્ટ્રૉ, ટ્રે, રૅપિંગ અથવા પૅકિંગ સ્વીટ-બૉક્સ, આમંત્રણકાર્ડ અને સિગારેટનાં પૅકેટ, ૧૦૦ માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકનાં અથવા પીવીસીનાં બેનરો અને સ્ટિકર્સની આસપાસની ફિલ્મો જેવી અનેક આઇટમોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામાન્ય રીતે એવી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ માત્ર એક જ વાર કરવામાં આવે છે અને રીસાઇક્લિંગ પ્રક્રિયા માટે થતો નથી. એને લીધે સરકારે એના પર પ્રતિબંધ મૂક્યો છે. મુંબઈ અને મહારાષ્ટ્રના દુકાનદારો કહે છે કે ‘સરકારના આ કાયદામાં હજી ક્ષતિઓ છે જેને લીધે અમે મૂંઝવણમાં છીએ. બાકી તો અમે ૨૦૧૮થી જ કાયદાના અમલની શરૂઆત કરી દીધી છે. જોકે મૅન્યુફૅક્ચરરોની કાયદાકીય લડત હજી ચાલી રહી છે.’ 
અમે કૅરીબૅગ્સની બાબતમાં મૂંઝવણમાં છીએ એમ જણાવતાં મસ્જિદ બંદરમાં પ્લાસ્ટિકની આઇટમોમાંથી ધીરે-ધીરે અન્ય આઇટમોમાં બિઝનેસ પરિવર્તિત કરી રહેલા પ્લાસ્ટિકના ડીલર કલ્પેશ કારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકાર જે કરે છે એ આપણા સૌના ભલા માટે કરે છે. એ દૃષ્ટિ રાખીને મેં ૨૦૧૮થી જ મારા બિઝનેસમાં પરિવર્તન શરૂ કરી દીધું છે. હું કોઈ પણ કાયદાકીય ગૂંચવણમાં પડવા માગતો નથી. જોકે કેન્દ્ર સરકારે ગઈ કાલથી જે આઇટમો પર પ્રતિબંધ લાદ્યો છે એમાં કૅરીબૅગના સંબંધમાં સ્પષ્ટતાની જરૂર છે જે અમને કોઈ આપતું નથી. એક બાજુ તેઓ કહે છે કે હૅન્ડલ વગરની અને હૅન્ડલવાળી કૅરીબૅગ, પણ હૅન્ડલ વગરની કૅરીબૅગ તો પૅકિંગમાં ઉપયોગમાં લેવામાં આવે છે તો શું એના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? કોઈ પણ કાયદાકીય ઍક્શન લેતાં પહેલાં બીએમસીએ અને સરકારે આના પર સેમિનાર યોજીને વેપારીઓને અને ઉપભોક્તાઓને સંપૂર્ણ નૉલેજ આપવાની જરૂર છે.’

સૌથી અગત્યનું પૅકિંગ પ્રતિબંધ વૈકલ્પિક વિકલ્પ વિના મોટી નિષ્ફળતા છે એમ જણાવતાં નાગપુરના પ્લાસ્ટિકના ડીલર જયેશ સેજપાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રતિબંધ એ ખાદ્ય સુરક્ષા માટે પણ મોટો ખતરો છે. જો યોગ્ય રીતે પૅક કરવામાં ન આવે તો ખોરાક બગડવાની શક્યતાઓ પૂરેપૂરી છે. હાલમાં આપણા દેશમાં ઘઉં-ચોખા જેવી અનેક ધાન્ય આઇટમો બિનઅસરકારક પૅકિંગને લીધે ખરાબ થઈ જાય છે. ટ્રક-ડ્રાઇવરો હંમેશાં રસ્તા પર જમતા હોય છે. તેઓ નાનાં શહેરો અને ગામડાંઓમાંથી નાની માત્રામાં ખોરાક લે છે અને મોટા ભાગે નાના કદના કિરાણા પૅકિંગ પર નિર્ભર હોય છે. એને પણ આની અસર થશે.’

અમે સરકારના કોઈ પણ આદેશનું પાલન કરવા તૈયાર છીએ અને અમારા બિઝનેસમાં પરિવર્તન લાવીને અમે નુકસાન કરીને પણ સરકારના આદેશનું પાલન કરીએ છીએ એમ જણાવતાં મસ્જિદ બંદરના પ્લાસ્ટિકના વેપારી રાજેશ શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિકની વ્યાખ્યા સરકાર નક્કી કરે. સિંગલ-યુઝ એટલે કે સરળ ભાષામાં એ જ વસ્તુઓ જે એક વખત ઉપયોગમાં લઈને બીજી વખત એનો ઉપયોગ ન થાય. આ શ્રેણીમાં ખાદ્યપદાર્થ પૅકિંગ પ્રોડક્ટ્સને મૂકી શકાય, જ્યારે અત્યારે તો પ્લાસ્ટિક્સ/નૉન-વુવન બૅગને પણ પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવી છે. પ્લાસ્ટિક કૅરીબૅગ્ઝ ૧૦૦ ટકા રીસાઇકલેબલ છે. આમ છતાં એના પર પ્રતિબંધ મૂકવો કેટલા અંશે યોગ્ય છે? પાતળી ક્વૉલિટીની બૅગ ૨૦૧૮ પછી પણ માર્કેટમાં ઉપલબ્ધ છે એ કોની કૃપાથી છે? સરકારને વિનંતી છે કે પ્લાસ્ટિક્સ/નૉન-વુવન બૅગને પ્રતિબંધિત શ્રેણીમાંથી રદ કરે.’

પ્લાસ્ટિક પ્રતિબંધનો એક વેપારી તરીકે મને કોઈ જ વિરોધ નથી એમ જણાવીને દહિસરના પ્લાસ્ટિકના વેપારી નીલેશ દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિંગલ-યુઝ પ્લાસ્ટિક મહારાષ્ટ્ર રાજ્યમાં ૨૦૧૮ની સાલના ગૂડી પડવાના દિવસથી જ બંધ છે. હવે જે બંધનો અમલ કરવાનો છે એ દેશભરના વેપારીઓ અને ઉપભોક્તાઓએ કરવાનો છે. સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે ઉપભોક્તાઓ પાસે પ્લાસ્ટિક સિવાયનો કોઈ જ વિકલ્પ આર્થિક તથા ગુણવત્તાના ધોરણે પોસાય એમ નથી. આવા સમયે વેપારીઓ કરતાં ઉપભોક્તાઓનો અભિપ્રાય વધારે મહત્ત્વનો રહેશે. એક ખાસ વાત તો એ પણ છે કે કાયદો લાવવો એ મોટી વાત નથી, પણ એનું અમલીકરણ કરાવવું (એક રાજ્યમાં થાય અને બીજાં રાજ્યોમાં ન થાય) અતિ મહત્ત્વનું છે. આ બંધની અમલબજાવણી કેટલી હદે અને કેવી રીતે થાય એ જોવું રહ્યું.’

લાંબા સમયથી અને વર્ષથી કામ કરતા ઉદ્યોગોને અસર થશે અને ઉદ્યોગોમાં કામ કરતા મજૂરોને પણ અસર થશે જેઓ પ્લાસ્ટિક ઉદ્યોગો સિવાય અન્ય કોઈ કૌશલ્ય જાણતા નથી એમ જણાવીને ઑલ ઇન્ડિયા પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરિંગ અસોસિએશનના અધ્યક્ષ જિજ્ઞેશ રાંભિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અન્ય યોગ્ય વિકલ્પ હોય તો સરળતાથી પ્રતિબંધ કરી શકાય, પરંતુ વિકલ્પ વિનાનો પ્રતિબંધ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખાદ્યસુરક્ષા માટે મોટા ફટકા સમાન છે. સરળ નિયમનું પાલન કરવું અને મૂંઝવણમાં નિયમનું પાલન કરવું બજારના વપરાશકર્તા અને ઉત્પાદકો દ્વારા પણ મુશ્કેલ છે. સરકાર દ્વારા કચરો-વ્યવસ્થાપન યોગ્ય નથી અને સીધા પૉલિમર ઉત્પાદકો પર સરકારે કે એની સંસ્થાઓએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કર વસૂલવો જોઈએ. અન્ય ઘણા દેશોની સરકાર પાસે ખૂબ જ સારી કચરો વ્યવસ્થાપન પ્રણાલી છે જે કચરાને અલગ પાડે છે અને યોગ્ય કચરા વ્યવસ્થાપનમાંથી પૈસા કમાય છે જે સરકારની સંપૂર્ણ ફરજ અને આતુર ઇચ્છા છે. અત્યારે પ્લાસ્ટિકથી પ્રદૂષણ થવાની પૉલ્યુશન ડિપાર્ટમેન્ટની ફરિયાદ છે. કાલે કાગળ પર પ્રતિબંધ આવી જશે. આના પર અભ્યાસની ખૂબ જ જરૂર છે. અત્યારે જે માસ્ક પણ ઉપયોગમાં લઈએ છીએ એ પ્લાસ્ટિકના છે.’

02 July, 2022 10:57 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

જર્મનીમાં અરિહા શાહનું જૈન ફૅમિલી સાથે મિલન ક્યારે?

જર્મનીમાં પરિવાર પાસેથી છીનવી લેવાયેલી જૈન બાળકીને બચાવવાની ઝુંબેશમાં હવે જૈન સાધુઓ પણ સામેલ : અરિહાને જર્મનીના ફોસ્ટર કૅરમાંથી મુક્ત કરાવીને ભારત સરકાર ભારતના કોઈ જૈન પરિવારને સોંપીને તેનામાં જૈન સંસ્કારનું સિંચન કરાવે એવી તેનાં માતા-પિતાની અપીલ

19 August, 2022 09:15 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

અંગ્રેજો તો ગયા, પણ અંગ્રેજિયત મૂકતા ગયા

આ કહેવું છે જૈનાચાર્ય પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજસાહેબના શિષ્ય પૂજ્ય પંન્યાસ શ્રી રાજરક્ષિતવિજયજી મહારાજસાહેબનું. તેમની નિશ્રામાં આઝાદીની લડતમાં જૈનોના યોગદાનની માહિતી આપતી એક નૃત્યનાટિકા ગઈ કાલે મુલુંડમાં ભજવાઈ

16 August, 2022 11:17 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

તિરંગો તો છે, પણ એ ફરકાવવા ઘર ક્યાં છે?

એવો સવાલ ગઈ કાલે બેઘર બનેલા કાંદિવલીના રહેવાસીઓએ તિરંગા પદયાત્રા વખતે કર્યો

16 August, 2022 11:11 IST | Mumbai | Rohit Parikh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK