Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ થઈ ગયાં હાઉસફુલ

ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સ થઈ ગયાં હાઉસફુલ

19 October, 2021 08:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોરોનાથી કંટાળેલા લોકો મૂડ અને વાતાવરણ બદલવા, હવાફેર કરવા નીકળવા લાગ્યા : લોનાવલા, ઇગતપુરી, મહાબળેશ્વર, કેરલા, ગોવા, રાજસ્થાન, લેહ-લદાખ, કાશ્મીર, યુરોપ, રશિયા અને આઇસલૅન્ડ તેમનાં ફેવરિટ સ્થળો છે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કોવિડને કારણે દેશના ટૂરિઝમ બિઝનેસ પર કાળાં વાદળો ઘેરાયાં હતાં. લૉકડાઉન અને સરકારનાં નિયંત્રણો વચ્ચે લોકો ઘરની બહાર નીકળતા નહોતા. જોકે કોવિડનાં નિયંત્રણોમાં હળવાશ થતાં જ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ફરીથી એક વાર ધમધમાટ શરૂ થઈ ગયો છે. મુંબઈના ઘરના બંધિયાર વાતાવરણમાંથી કંટાળેલા લોકો છેલ્લા થોડા મહિનાથી હવાફેર માટે પરિવાર સાથે તેમની નજીકના લોનાવલા, ઇગતપુરી, મહાબળેશ્વર અને મહારાષ્ટ્રની બહાર કેરલા, ગોવા, રાજસ્થાન, લેહ-લદાખ અને કાશ્મીર જઈ રહ્યા છે. એને પરિણામે આ બધાં જ પર્યટનોનાં સ્થળોએ અને એમાં પણ મુખ્યત્વે રાજસ્થાન અને કાશ્મીરમાં તો દિવાળીના સમયમાં હોટેલો હાઉસફુલ થવાના આરે પહોંચી ગઈ છે.

વર્લ્ડવાઇડ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સનાં ફોરમ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોવિડની પહેલી વેવના લૉકડાઉન સમયે જ મને પૂરો આત્મવિશ્વાસ હતો કે ટૂરિઝમ ક્ષેત્રે ક્યારેય મંદી આવશે નહીં અને મુંબઈનું જનજીવન થાળે પડતાં જ લોકો ફરવા નીકળશે. છેલ્લા થોડા મહિનાથી લેહ-લદ્દાખ, કાશ્મીર, આંદામાન-નિકોબાર, સિક્કિમ, રાજસ્થાન ફરવા લોકો બહુ જ જઈ રહ્યા છે. કાશ્મીરમાં અત્યારથી જ ફાઇવસ્ટાર હોટેલો ફુલ થવા લાગી છે. લોકો વૅક્સિનના બે ડોઝ લીધા પછી કોઈ પણ જાતના ભય વગર ઘરની બહાર નીકળ્યા છે અને ફરવા જઈ રહ્યા છે. દેશની બહાર યુરોપ, રશિયા, આઇસલૅન્ડની સારી ડિમાન્ડ છે. હવે દુબઈની ટૂરો પણ શરૂ થઈ ગઈ છે.’



અમુક લોકો કાશ્મીર બાબતમાં ભય ફેલાવે છે, પરંતુ હકીકતમાં કાશ્મીર ફરવા જવાની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે એમ જણાવતાં રાજા રાણી ટ્રાવેલ્સના અભિજિત પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાશ્મીરમાં છેલ્લા આતંકવાદી હુમલા પછી લોકલ કાશ્મીરીઓ કૅન્ડલ સાથે રોડ પર આવી ગયા હતા. ટૂરિસ્ટો કાશ્મીરના લોકોની મુખ્ય આવક છે. તેથી તેઓ કોઈ પણ સંજોગોમાં કાશ્મીરનાં ટૂરિસ્ટ સ્થળો પર કોઈ જ પ્રકારનો અણબનાવ બને એના વિરોધી છે. તેમને ખબર છે કે જો ટૂરિસ્ટ સ્થળો પર કોઈ ટૂરિસ્ટને મામૂલી ઈજા પણ થશે તો ટૂરિસ્ટો કાશ્મીર આવતા બંધ થઈ જશે. એટલે કાશ્મીર ટૂરિસ્ટો માટે પૂરું સુરક્ષિત છે જેને કારણે હમણાં કાશ્મીરની ટૂરિસ્ટોમાં બહુ જ ડિમાન્ડ છે. એની સાથે ટૂરિસ્ટોમાં કેરળ અને રાજસ્થાનની પણ એટલી જ ડિમાન્ડ છે અને અત્યારથી બુકિંગમાં ધસારો છે.’


અમારા કાશ્મીરમાં ટૂરિસ્ટોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ જણાવતાં કાશ્મીરમાં વર્ષોથી ટ્રાવેલિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા વાયન ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના નઈમ વજીરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાશ્મીરમાં અત્યારે સૌથી વધારે ટૂરિસ્ટો ગુજરાતમાંથી આવી રહ્યા છે. બીજા નંબરે બંગાળ  છે અને ત્રીજા નંબરે મુંબઈ. મુંબઈના ટૂરિસ્ટોએ હમણાં જ આવવાની શરૂઆત કરી છે, પણ ઓવરઑલ કાશ્મીરમાં ટૂરિસ્ટો બિન્દાસ આવવા લાગ્યા છે. અહીં આર્મીએ કાશ્મીરને પૂરું સુરક્ષિત કર્યું છે. ફરવાનાં બધાં જ સ્થળો પર ટૂરિસ્ટો નિર્ભય બનીને હરીફરી રહ્યા છે.’

ગોવાની ડિમાન્ડ તો લૉકડાઉનના સમયમાં પણ હતી એમ જણાવતાં વર્ષો જૂની ટ્રાવેલિં્ગ કંપની ક્લાસિક હૉલિડેઝના પાર્ટનર સુરેશ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોવામાં પુરજોશમાં લોકો ફરવા જઈ રહ્યા છે. ગોવામાં હળવાં નિયંત્રણો હોવાથી ટૂરિસ્ટોની ડિમાન્ડ ગોવા માટે પહેલા દિવસથી જ રહી છે.’


લોકો ઘરમાં એટલી હદે કંટાળ્યા છે કે હવે બસ તેમને તેમનો મૂડ બદલવા, વાતાવરણ બદલવા હવાફેર કરવા અને ફરવા જવું જ છે એમ જણાવતાં એલઆઇટી હૉસ્પિટૅલિટીના માલિક પ્રસન્ન સૂરિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજસ્થાન અને ઉત્તરાંચલમાં ફરવા જવા માટે ડિમાન્ડ સારી નીકળી છે. દિવાળી પહેલાં જ એટલી બધી ડિમાન્ડ છે કે દિવાળીના દિવસોમાં તો રાજસ્થાન હાઉસફુલ થઈ જશે. કેરળમાં હજી પણ કોવિડના કેસો હોવાથી ટૂરિસ્ટો એના પર પસંદગી કરતાં પહેલાં થોડાં ડરે છે, પણ રાજસ્થાન અને ઉત્તરાંચલ સુરક્ષિત હોવાથી લોકો એના પર પહેલી પસંદગી ઉતારે છે.’

Whatsapp-channel Whatsapp-channel

19 October, 2021 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK