રસ્તા પર મળી આવેલી ૪૦.૦૧ ગ્રામની અઢી લાખ રૂપિયાથી વધુ કિંમતની સોનાની ચેઇન પોલીસને સોંપી
સાવલા પરિવાર
ડોમ્બિવલી-વેસ્ટના ગુપ્તે રોડ પર આવેલા ત્રિમૂર્તિ પ્રસાદ બિલ્ડિંગમાં રહેતાં વાગડ વીસા ઓસવાળ જૈન જ્ઞાતિનાં મૂળ મનફરા ગામનાં ૫૩ વર્ષનાં સ્મિતા સાવલા ૧૯ જૂનના બુધવારે ઘરની પાસે માર્કેટ ભરાતી હોવાથી ખરીદી કરવા ગયાં હતાં. બપોરે એક વાગ્યાની આસપાસ તેઓ ચાલતાં-ચાલતાં જઈ રહ્યાં હતાં અને વરસાદ પણ વરસી રહ્યો હતો. ત્યારે સુધરાઈના કાર્યાલયના ગેટ પાસે ગોલ્ડન કલરનું કંઈક ચમકતું જોવા મળ્યું હતું. આ વિશે માહિતી આપતાં સ્મિતા સાવલાના પુત્ર ઍડ્વોકેટ હર્ષલ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મી આ બુધવારે માર્કેટમાં રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે કીચડ ખૂબ હોવાથી નીચે જોઈને ચાલી રહી હતી. એ વખતે કંઈક ચમકતું દેખાયું હતું. એટલે પાસેથી જોતાં ગોલ્ડ જેવું દેખાયું હતું. એને હાથમાં લેતાં ખૂબ મોટી ચેઇન મળી આવી હતી.’



