૩ કલાકથી પ્રેક્ષક ગૅલરીમાં બેઠેલા એક સ્થાનિક પાર્ટીના નેતાને ચા માટે પણ પૂછવામાં ન આવતાં ગુસ્સામાં તેઓ મેયરની ખુરસી પાસે ધસી ગયા

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની જનરલ બોડીની મીટિંગમાં મેયરના ડેસ્ક પર પહોંચીને વિરોધ કરી રહેલા શ્રીનિવાસ નિકમ.
મીરા-ભાઈંદર કૉર્પોરેશનની જનરલ બોડીની બેઠક દરમિયાન પ્રેક્ષક ગૅલરીમાં ચા મળી ન હોવાથી પ્રહાર જનશક્તિ પાર્ટીના મીરા-ભાઈંદર જિલ્લા પ્રમુખ રીતસરના સભાગૃહમાં પ્રવેશી ગયા અને મેયર સામે વિરોધ દર્શાવ્યો હતો. આ ઘટના બનતાં મહાનગરપાલિકામાં ધમાલ મચી ગઈ અને કમિશનરના આદેશથી ભાઈંદર પોલીસે તે વ્યક્તિને તાબામાં લીધી હતી. તમામની સુરક્ષા સામે પ્રશ્ન ઊભો થયો હોવાથી સભ્યોએ મીટિંગ અટકાવી કમિશનરના કાર્યાલય બહાર ધરણાં કર્યાં હતાં.
મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનની સામાન્ય મહાસભા ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે શરૂ થઈ હતી. સામાન્ય સભામાં મહત્ત્વનો વિષય હોવાથી સતત ત્રણ કલાક બ્રેક લીધા વગર ચર્ચા શરૂ થઈ હતી. આવી પરિસ્થિતિમાં, બપોરે ૩ વાગ્યાની આસપાસ, મહારાષ્ટ્ર રાજ્ય સરકારની મહાવિકાસ આઘાડીના રાજ્યમંત્રી બચ્ચુ કડુના પ્રહાર જનશક્તિ પાર્ટીના મીરા-ભાઈંદરના જિલ્લા અધ્યક્ષ શ્રીનિવાસ નિકમ સામાન્ય મહાસભા સભાગૃહમાં આવ્યા, પહેલાં તો કોઈએ આ બાબતની નોંધ લીધી નહીં. જોકે, શ્રીનિવાસ નિકમે સીધા મેયર પાસે જઈને વિરોધ શરૂ કરતાં વિધાનસભામાં હંગામો મચી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોઈને કૉર્પોરેટર અને સુરક્ષા જવાનો શ્રીનિવાસ નિકમને સભાગૃહમાંથી હટાવવા દોડી આવ્યા હતા. ત્યાર બાદ સુરક્ષા-કર્મચારીઓ દ્વારા શ્રીનિવાસને હૉલની બહાર લઈ જવામાં આવ્યો હતો.
જ્યારે શ્રીનિવાસે તેમના બચાવમાં જણાવ્યું હતું કે ‘અમે ત્રણ કલાકથી પ્રેક્ષક ગૅલરીમાં બેઠા હતા અને ફક્ત ચા પણ આપવામાં આવી નહોતી, એનો જવાબ પૂછવા મેયર પાસે ગયો હતો. હું પોતે નહીં, પણ મહાપાલિકાના શિપાઈ મને ત્યાં લઈ ગયા હતા.’
હાલમાં ડેપ્યુટી કમિશનર મારુતિ ગાયકવાડની ફરિયાદ પર ભાઈંદર પોલીસે શ્રીનિવાસની ધરપકડ કરી હતી, જ્યારે મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગે આગળની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું છે.