Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એકનાથ શિંદેના બળવા પાછળની થિયરીઓ

એકનાથ શિંદેના બળવા પાછળની થિયરીઓ

22 June, 2022 09:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવસેનાના એકનાથ શિંદેએ બળવો કરવા બાબતે જાતજાતની અટકળો લગાવાઈ રહી છે.

એકનાથ શિંદે

એકનાથ શિંદે



શિવસેનાના એકનાથ શિંદેએ બળવો કરવા બાબતે જાતજાતની અટકળો લગાવાઈ રહી છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સૌથી નજીક હોવા છતાં તેમણે શા માટે આ પગલું ભર્યું એ બાબતે કેટલીક થિયરીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

થિયરી-૧
રાજ્યસભાની ચૂંટણીમાં પરાજય થયા બાદ ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ અને નગરવિકાસપ્રધાન એકનાથ શિંદેએ આ બાબતે રણનીતિ બનાવીને પક્ષ સમક્ષ મૂકી હતી. જોકે શિવસેનાના નેતાઓએ તેમની વાત સાંભળવાને બદલે એનસીપી-કૉન્ગ્રેસના નેતાઓ સાથે આ બાબતે ચર્ચા કરી હતી. એને પગલે માત્ર ૧૦ દિવસમાં જ વિધાન પરિષદમાં પણ મહાવિકાસ આઘાડી સરકારનો પરાજય થયો હતો. પક્ષમાં પોતાની વાત સાંભળવામાં ન આવતી હોવાથી એકનાથ શિંદે નારાજ છે. બીજું, શિવસેનાના મુખ્ય પ્રધાન હોવા છતાં પોતાને ફાળવવામાં આવેલા ખાતાના કામમાં શિવસેનાના નેતાઓ દ્વારા જ અડચણ ઊભી કરાતી હોવાની અનેક વખત ઉદ્ધવ ઠાકરેને ફરિયાદ કરી હોવા છતાં એના પર કોઈ ચર્ચા નથી કરાઈ. શિવસેનાની આગેવાનીની સરકાર હોવા છતાં એનસીપી જ બધા નિર્ણયો લેતી હોવાથી પક્ષને મોટું નુકસાન થઈ રહ્યું છે અને આવું જ ચાલશે તો શિવસેના નામશેષ થઈ જશે અને પોતાનું ભવિષ્ય પણ ધૂંધળું બની જશે એમ વિચારીને એકનાથ શિંદેએ બળવો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.



થિયરી-૨
મહાવિકાસ આઘાડી સરકારની અઢી વર્ષ પહેલાં રચના થઈ ત્યારથી એકનાથ શિંદે નારાજ હોવાનું કહેવાય છે. એ સમયે બીજેપી સાથેની યુતિ તોડીને શિવસેના એનસીપી અને કૉન્ગ્રેસ સાથે સરકાર બનાવવાના પ્રયાસમાં હતી ત્યારે મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદેનું નામ સૌથી આગળ હતું. જોકે ખુદ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનની ખુરસીમાં બેસતાં એકનાથ શિંદેને રંજ રહી ગયો હતો. એ સિવાય સરકારમાં ખાતાંની વહેંચણી કરાઈ એમાં જનતા સાથે સીધી રીતે જોડાયેલાં મોટા ભાગનાં ખાતાં એનસીપીને આપવા સામે તેમણે વાંધો ઉઠાવ્યો હતો. એકનાથ શિંદેને મહત્ત્વનું ખાતું મળ્યું હોવા છતાં તેમને કામ કરવા દેવાતું ન હોવાની સાથે તેમની ફાઇલ પર સહી કરતાં પહેલાં મુખ્ય પ્રધાનની ઑફિસમાંથી તેમને સૂચના આપવામાં આવતી હતી એ તેમનું ખૂંચતું હતું. સરકારની સ્થાપનામાં જ નારાજગી વ્યક્ત કરનારા એકનાથ શિંદેને ઉદ્ધવ ઠાકરેએ સાઇડલાઇન કરીને મહત્ત્વની ચર્ચા કે નિર્ણય તેમને બદલે મહાવિકાસ આઘાડી સરકારના નેતાઓ સાથે લઈને કરતા હતા. આવું લાંબા સમય સુધી ચાલશે તો ફેંકાઈ જવાના ડરથી તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.


થિયરી-૩
મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેનાના મુખ્ય પ્રધાન હોવા છતાં આ સરકાર એનીસીપીના શરદ પવાર અને અજિત પવાર ચલાવતા હોવાનું શિવસેનાના કેટલાક પ્રધાનો અને વિધાનસભ્યોએ એકથી વધુ વખત કહ્યું હતું. આ બાબત એકનાથ શિંદેને પણ ખૂંચતી હતી. રાજ્યમાં શિવસેના મરાઠાઓની અસ્મિતા માટે કામ કરતો હિન્દુત્વવાદી પક્ષ છે. શરદ પવાર અને તેમનો પક્ષ તેમ જ કૉન્ગ્રેસ મુસ્લિમ સમર્થક પક્ષો છે. તેમની આ ઇમેજને લીધે શિવસેનાની વોટબૅન્ક ઘટી રહી છે. બીજું, શિવસેનામાં સંજય રાઉત, અનિલ દેસાઈ અને આદિત્ય ઠાકરેને પોતાના કરતાં વધારે મહત્ત્વ અપાતું હોવાથી પણ તેઓ નારાજ હોવાનું કહી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2022 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK