Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચારધામ કે ‘ત્રાસ’ધામ?

ચારધામ કે ‘ત્રાસ’ધામ?

11 May, 2022 07:24 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

શ્રદ્ધાળુઓ માટે આસ્થા ધરાવતી આ યાત્રા શરૂ તો થઈ; પણ ટ્રાફિક જૅમ, વરસાદ અને ભીડને લીધે અમુક જગ્યાએ રસ્તા બંધ કરાવ્યા હોવાથી તથા દર્શન માટે કલાકો લાઇનમાં ઊભા રહેવું પડતું હોવાથી બની ત્રાસદાયક : ધસારાને લીધે લોકોએ કરવો પડે છે અવ્યવસ્થાનો સામનો

ચારધામમાં દર્શન કરવા માટે લાંબી લાઇન હોવાથી શ્રદ્ધાળુઓએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે.

ચારધામમાં દર્શન કરવા માટે લાંબી લાઇન હોવાથી શ્રદ્ધાળુઓએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે.



મુંબઈ : ચારધામ યાત્રાનું મહત્ત્વ જ કંઈક અલગ છે અને આ યાત્રા કઠિન હોવા છતાં લોકો હોંશ-હોંશે અહીં દર્શન કરવા આવતા હોય છે. કોરોનાને કારણે આ યાત્રા બંધ રખાઈ હતી, પરંતુ હવે આ વર્ષે ચારધામની યાત્રા શરૂ થઈ છે. જોકે આ યાત્રા શરૂ થતાં ત્યાં પગ ન મુકાય એવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો થતાં ટ્રાફિક જૅમની સમસ્યા થઈ છે અને કલાકો-કલાકો સુધી દર્શન માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે. વધારામાં ઠંડી ખૂબ છે અને એની સાથે વરસાદ પણ સારોએવો છે. બદલતા વાતાવરણને કારણે હેલિકૉપ્ટર સર્વિસ પણ પ્રભાવિત થઈ છે. એથી ચારધામ યાત્રા કરવા પહોંચેલા શ્રદ્ધાળુઓની ખરા અર્થમાં પરીક્ષા લેવાઈ રહી હોય એવું જોવા મળે છે. આવી પરીક્ષા મુંબઈથી મોટી સંખ્યામાં ગયેલા શ્રદ્ધાળુઓ પણ આપી રહ્યા છે. એમાંથી અમુક લોકો સાથે ‘મિડ-ડે’એ વાતચીત પણ કરી હતી. 
મુંબઈથી અમે એકસાથે ૧૦૯ જણનું ગ્રુપ લઈને ચારધામ યાત્રાએ આવ્યા છીએ એમ જણાવીને હિરલ લિંબાણીએ સોનપ્રયાગથી ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ વખતે ચારધામની યાત્રાનો નજારો જ કંઈક અલગ છે. લોકોની આટલી ભીડ પહેલી વખત જોવા મળી છે. અમે બધાએ પાંચમી મેએ ચારધામ યાત્રાની શરૂઆત કરી હતી. યમનોત્રીમાં સાત ડિગ્રી ઠંડી સાથે ખૂબ વરસાદ પડ્યો હતો. દર્શન માટે પણ લાંબી ભીડમાં ઊભા રહેવું પડ્યું હતું. ત્યાં એક દિવસ રહીને અમે સાતમી મેએ ગંગોત્રી પહોંચ્યા હતા. ઠંડીને કારણે બાળકો અને વૃદ્ધોની હાલત ખરાબ થઈ ગઈ હતી. ગંગોત્રીમાં અમને પાંચ કલાકથી વધુ સમય બાદ દર્શન કરવાં મળ્યાં હતાં. અમે તો જાન્યુઆરીથી જ હોટેલ બુક કરાવી હતી, પરંતુ હોટેલની બહાર લોકોની ભીડ જોવા મળતી હતી. એક પરિવારને રાતે હોટેલ ન મળતાં અમે સથવારો આપ્યો હતો. ત્યાર બાદ આઠમી મેએ અમે ઉત્તરકાશી ગયા અને વાતાવરણને કારણે ત્યાં જ રોકાઈ ગયા હતા અને નવમી તારીખે ગુપ્તકાશી રોકાયા હતા. ત્યાર બાદ દસમી તારીખે સવારે કેદારનાથ જવા નીકળ્યા હતા. ગઈ કાલે સવારે ચાર વાગ્યે નીકળ્યા ત્યારે સોનપ્રયાગ બપોરે અઢી વાગ્યે પહોંચ્યા હતા. ત્યાર બાદ ત્યાં જ અમારી યાત્રા બંધ કરાવી હતી. આગળ અનેક કિલોમીટર સુધી વાહનો જ દેખાઈ રહ્યાં હતાં. આગળ લોકોની ભીડ, અસંખ્ય ટ્રાફિક અને વરસાદને કારણે અમારી યાત્રા અટકાવી હતી અને નંબર આવવો જ મુશ્કેલ છે એમ કહ્યું હતું. એથી આજે સવારે અમારી યાત્રા શરૂ થાય એવી શક્યતા છે. વરસાદ પણ સારોએવો પડવા લાગ્યો છે. અમારી સાથેના અનેક લોકો તો ગવર્નમેન્ટના ટેન્ટમાં જ રોકાઈ ગયા છે. આવી ભીડમાં પ્રવાસ કરવો અશક્ય હોવાથી તેઓ રોકાઈ ગયા છે.’
એકસાથે આટલા લોકોને કેવી રીતે અલાઉડ કરવામાં આવે છે એવો સવાલ કરતાં રાજેશ લિંબાણીએ કહ્યું હતું કે ‘એવું લાગે છે કે ચારધામ યાત્રામાં આ વખતે શ્રદ્ધાળુઓનો રેકૉર્ડ બ્રેક થયો હશે. વાતાવરણને કારણે જેમણે મહિનાઓ પહેલાં બુકિંગ કરાવેલું તેમને પણ હેલિકૉપ્ટરની સુવિધા મળી રહી નથી. ઑફલાઇન હેલિકૉપ્ટરની સુવિધા મેળવવા તો ભારે લાઇન છે. યમનોત્રી અને ગંગોત્રીમાં પણ આ વખતે દર્શન માટે લોકોએ કલાકો રાહ જોવી પડે છે. એમાં પણ ખાસ કરીને કેદારનાથ આઠથી નવ કલાક દર્શન કરવા લોકોએ ઊભા રહેવું પડ્યું છે. અમારી સાથેનું એક ગ્રુપ હૉલ્ટ લીધા વગર આગળ ગયું હોવાથી તેઓ સોનપ્રયાગથી રાતના ૧૧ વાગ્યે નીકળ્યા ત્યારે સવારે પાંચ વાગ્યે કેદારનાથ પહોંચ્યા હતા. થોડો વરસાદ પડે એટલે લાઇટ જતી રહે છે. લાઇટની સમસ્યા પણ ખૂબ નડે છે. એમાં યાત્રા કરવા ઘોડા પણ મેળવવા મુશ્કેલ બની ગયા છે. અમને રાતે રહેવા માટે હોટેલની વ્યવસ્થા નથી એટલે શું કરવું એ ચિંતા છે. હોટેલો પૅક હોવાથી લોકો જ્યાં-ત્યાં હોટેલ શોધવા દોડે છે. અમારી યાત્રા બંધ કરાઈ હોવાથી હવે આજે અમને આગળ જવા મળે તો સારું. ગવર્નમેન્ટે કેવી રીતે આટલા બધા લોકોને એકસાથે આવવા દીધા? એક પટેલ પરિવાર અમને મળ્યો જે છેક યુએસથી ચારધામ યાત્રા કરવા આવ્યો છે, પણ ભારે ટ્રાફિકને લીધે તેઓ હોટેલ મેળવવા માટે હેરાન થયા હતા.’
    અન્ય એક પ્રવાસી રમીલા ઘેલાણીએ કહ્યું હતું કે ‘હું બીજી વખત ચારધામ યાત્રા કરી રહી છું. મારા પરિવાર દ્વારા ઘણી વખત ચારધામ યાત્રા કરાય છે, પરંતુ આ વખતે જે ધસારો જોયો છે એ અદ્ભુત છે. એકસાથે આટલી ભીડ ઊમટતાં ઘણી અવ્યવસ્થા ઊભી થઈ છે.’
ફોર્ટની એ. ડી. ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના અજય દત્તાણીએ ગુપ્તકાશીથી ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ વખતે લોકોનો ખૂબ જ ધસારો છે જેને કારણે જે લોકોને અહીંની કંઈ જ ખબર નથી તેમની ખૂબ ખરાબ હાલત છે. હોટેલ તો છે જ; પણ ખાવા-પીવાની વસ્તુઓ, ડોલી, ઘોડેસવારી બધું જ મોંઘું કરી દેવાયું છે. યમનોત્રીમાં આવવા-જવાની ઘોડેસવારીના ૧,૫૦૦ રૂપિયા હતા એને બદલે ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયા થઈ ગયા છે. એવી જ રીતે અહીં ડોલીના સરકારી રેટ પ્રમાણે ૫,૫૦૦ રૂપિયા છે, પણ એના હવે લોકોએ ૮,૦૦૦ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. વેધર ખરાબ હોવાથી હેલિકૉપ્ટરની સર્વિસ ખોરવાઈ ગઈ છે. એક દિવસ અગાઉ જેમની હેલિકૉપ્ટરની સર્વિસ ખરાબ વેધરને કારણે લઈ જઈ શકાઈ નહોતી એ તેમને ગઈ કાલે આપવામાં આવી હતી. એથી મારું બાવન જણનું ગ્રુપ પાછું રિટર્ન આવ્યું હતું. અમે અનેક મહિનાઓ પહેલાં ઑનલાઇન બુકિંગ કરીને રાખ્યું હતું તો એનો મતલબ શું રહ્યો? આવી અનેક અસુવિધાનો વ્યવસ્થા બરાબર ન હોવાને કારણે લોકોએ સામનો કરવો પડી રહી છે.’
બૉક્સ
હેલિકૉપ્ટર સર્વિસ પ્રભાવિત
ચારધામ યાત્રામાં હેલિકૉપ્ટર સર્વિસનો ઉપયોગ કરવા મોટા ભાગના લોકો પહેલેથી જ બુકિંગ કરતા હોય છે, પરંતુ એમ છતાં તેમને દર્શન કરવા મળી રહ્યાં નથી. વાતાવરણ ખરાબ હોવાને કારણે હેલિકૉપ્ટર સર્વિસ પ્રભાવિત થઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2022 07:24 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK