મુલુંડના ગુજરાતી યુવાન ધરવ નાકરને ગુરુવારે પપ્પા પોલીસની સાથે બોટમાં શોધવા નીકળ્યા ત્યારે તે વાશી તરફની ખાડીમાં મૅન્ગ્રોવ્ઝમાં ફસાયેલો મળી આવ્યો: ત્રણ દિવસ સુધી ખાધા-પીધા વગર ટકી રહ્યો
ગુરુવારે મૅન્ગ્રોવ્ઝમાં ફસાયેલો મળ્યો ધરવ નાકર, ધરવને મૅન્ગ્રોવ્ઝમાંથી બહાર કાઢીને લઈ આવતી નવઘર પોલીસ-સ્ટેશનની ટીમ.
મુલુંડ-વેસ્ટમાં રહેતા ૩૬ વર્ષના જિમ ટ્રેઇનર ધરવ નાકરે સોમવારે પાંચમી ઑગસ્ટે ઐરોલી બ્રિજ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરવાની કોશિશ કર્યા બાદ તેનો ગુરુવારે સાંજે ૮ ઑગસ્ટે ચમત્કારિક બચાવ થયો હોવાની માહિતી નવઘર પોલીસ-સ્ટેશને આપી હતી. ધરવ સામે જુલાઈ મહિનામાં નવઘર પોલીસ-સ્ટેશનમાં મારામારીની એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ જ કારણસર નિરાશામાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગુરુવારે બપોરે ઐરોલી જેટી પરથી બોટમાં નવઘર પોલીસની એક ટીમ અને ધરવના પિતા મહેન્દ્રભાઈ તેને શોધવા નીકળ્યા ત્યારે તે વાશી બાજુની ખાડીનાં મૅન્ગ્રોવ્ઝમાં મળી આવ્યો હતો.