Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પૂરમાં પાયમાલ થયેલા વેપારીઓ માટે સરકાર જ એકમાત્ર સહારો

પૂરમાં પાયમાલ થયેલા વેપારીઓ માટે સરકાર જ એકમાત્ર સહારો

27 July, 2021 10:58 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

આ લૉજિક વાપરીને વેપારીઓની સંસ્થાએ ઉદ્ધવ ઠાકરેને બેથી ત્રણ લાખનું વળતર દરેક દુકાનદારને આપવા કહ્યું

કોલ્હાપુરમાં જબરજસ્ત પૂર આવ્યા એ વાતને પાંચ દિલસ થઈ ગયા છતાં આ પેટ્રોલ પમ્પ હજીય પાણીમાં ડૂબેલો છે.

કોલ્હાપુરમાં જબરજસ્ત પૂર આવ્યા એ વાતને પાંચ દિલસ થઈ ગયા છતાં આ પેટ્રોલ પમ્પ હજીય પાણીમાં ડૂબેલો છે.


મહારાષ્ટ્રના કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્ર વિસ્તારોમાં આવેલા મહાપૂરમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી દુકાનો એક માળ સુધી વરસાદના પાણીમાં ડૂબેલી છે, જેને કારણે વેપારીઓને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આવા સંજોગોમાં સરકારે નાના દુકાનદારોની વહારે આવવાની જરૂર છે. નાના દુકાનદારોને તેમનો બિઝનેસ ફરીથી શરૂ કરવા સરકારે ઓછામાં ઓછા એક-એક દુકાનદારને બેથી ત્રણ લાખ રૂપિયાનું નુકસાની સામે વળતર આપવું જોઈએ એટલું જ નહીં, આ દુકાનદારોને વગર વ્યાજે લોન મળી શકે એવી સરકારે આર્થિક નીતિ તૈયાર કરવી જોઈએ. એવી માગણી મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ લલિત ગાંધી દ્વારા કરવામાં આવી છે. 
આ બાબતની માહિતી આપતાં લલિત ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ૨૦૧૯ પછી આ બીજી સૌથી મોટી અતિવૃષ્ટિ છે જેમાં હજારો કુટુંબોને ભયંકરમાં ભયંકર નુકસાન પહોંચ્યું છે. કુદરતના આ પ્રકોપમાં લોકો પાયમાલ થઈ ગયા છે. પહેલાં ૨૦૧૯માં મહાપૂર, માર્ચ ૨૦૨૦થી કોરાના અને લૉકડાઉનને લીધે કરોડો રૂપિયાનો આર્થિક ફટકો એમાંથી હજી નાના-મોટા વેપારીઓને કળ વળે એ પહેલાં જ આ મહાપૂરને કારણે ફરીથી એક બહુ મોટી તારાજી. અમારી અનેક વેપારી સંસ્થાઓ ચિપલૂણ, કોલ્હાપુર, સાંગલી, સાતારા અને એની આસપાસના બધા જ વિસ્તારોમાં લોકોની પ્રાથમિક જીવનજરૂરિયાતની સામગ્રી, ખાવાપીવાની ચીજો, કપડાં જેવી વસ્તુઓ પીડાગ્રસ્તોને પહોંચાડી રહી છે. પરંતુ આર્થિક ક્ષેત્રે સરકારે મહારાષ્ટ્રના વેપારીઓની પડખે ઊભા રહે એ અત્યંત જરૂરી છે.’
મહાપૂર ૨૦૧૯માં સરકારે દુકાનદારોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપી હતી. એ જાણકારી આપતાં લલિત ગાંધીએ કહ્યું હતું કે ‘મહાપૂરની આગાહી હોવાથી વેપારીઓએ સતત પ્રશાસન અને સરકારને તેમની દુકાનો ખોલીને એમાંથી તેમનો માલસામાન અન્ય સ્થળે સ્થળાંતર કરવાની પરવાનગી માગી હતી. કોલ્હાપુરમાં ૧૧૫ દિવસ પછી મહાપૂરના અઠવાડિયા પહેલાં જ દુકાનો ખૂલી હતી અને સાંગલીમાં તો આજે પણ લૉકડાઉન જ છે. આ સ્થિતિમાં ૯૫ ટકા દુકાનદારો તેમનો માલસામાન સ્થળાંતર કરવામાં નિષ્ફળ ગયા છે. કોલ્હાપુરમાં શહેર અને જિલ્લાના અનેક ગ્રામીણ ભાગોમાં વેપારીઓ પૂરના સંકટમાં આવી ગયા છે. સાંગલીનું નુકસાન અવર્ણનીય છે. આવી જ રીતે મહાડ, ચિપલૂણ, બાંદા જેવા કોંકણના વિસ્તારોમાં વેપારીઓએ તેમનું સર્વસ્વ મહાપૂરમાં ગુમાવી દીધું છે.’ 
મહાપૂરમાં પાણીની સાથે દુકાનોમાં કાદવ-કીચડ પણ ઘૂસી જાય છે એમ જણાવતાં લલિત ગાંધીએ કહ્યું હતું કે ‘જે વેપારીઓએ માલસામાન અને તેમની દુકાનોનો ઇન્શ્યૉરન્સ લીધો હશે એવા વેપારીઓ મોટી અને ભારે નુકસાનીમાંથી બચી જશે. પરંતુ અગાઉના વેપારીઓના અનુભવ પ્રમાણે આમાં પણ સરકારે વીમા કંપનીઓ સમયસર વેપારીઓના વીમાના ક્લેમના સેટલમેન્ટ કરે એના માટે વીમા કંપનીઓને જરૂરી માર્ગદર્શન આપવાની જરૂર છે, પરંતુ નાના વેપારીઓની હાલત સૌથી વધુ કફોડી છે. આ વેપારીઓને આ સમયે એક જ સરકારનો આશરો જ રહે છે. સરકારની આર્થિક નીતિ અને આર્થિક સહાય જ વેપારીઓને તેમની આર્થિક ભીંસમાંથી ઉગારી શકે છે અને તેમના બિઝનેસને પુનઃસ્થાપિત કરવા માટે સરકારે ઓછામાં ઓછા બેથી ત્રણ લાખ રૂપિયાનું વળતર નાના વેપારીઓને આપવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2021 10:58 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK