Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પાડાના વાંકે પખાલીને ડામ

પાડાના વાંકે પખાલીને ડામ

21 November, 2021 09:05 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને લીધે રીફન્ડમાં મુશ્કેલી પડતી હોવાથી સરકારે જીએસટી સીધો ૭ ટકા વધારી દીધો, પરિણામે કપડાં ખાસ્સાં મોંઘાં થઈ જશે અને અગાઉ જ હાંફી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગને જબરદસ્ત ફટકો પડશે

15-20 જીએસટીમાં વધારો થતાં કપડાં આટલા ટકા મોંઘાં થવાની શક્યતા છે

15-20 જીએસટીમાં વધારો થતાં કપડાં આટલા ટકા મોંઘાં થવાની શક્યતા છે


આવો જ ખેલ છે ગાર્મેન્ટ્સ પર જીએસટી પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં : ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને લીધે રીફન્ડમાં મુશ્કેલી પડતી હોવાથી સરકારે જીએસટી સીધો ૭ ટકા વધારી દીધો, પરિણામે કપડાં ખાસ્સાં મોંઘાં થઈ જશે અને અગાઉ જ હાંફી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગને જબરદસ્ત ફટકો પડશે

સરકારને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને લીધે રીફન્ડ આપવામાં પડી રહેલી મુશ્કેલીના નિરાકરણ માટે ગાર્મેન્ટ્સ પર જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)ના દરને પાંચ ટકામાંથી બાર ટકા કરવાની ફરજ પડી છે. જોકે ટેક્સટાઇલ પર ટૅક્સ વધારવાના સરકારના નિર્ણયથી સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને આંચકો લાગ્યો છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલાં બધાં જ વેપારી સંગઠનોએ સરકારને જાન્યુઆરી ૨૦૨૨થી આવી રહેલા જીએસટીના નવા દર પર ફેરવિચારણા કરીને એ પાછા ખેંચવાની વિનંતી કરી છે. નવા જીએસટી દરથી કાપડમાં ૧૫થી ૨૦ ટકાનો ભાવવધારો થશે, જેની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. રોટી, કપડા ઔર મકાન એ સામાન્ય જનતાની મૂળભૂત જરૂરિયાત છે. એમાંથી ૧૦૦૦ રૂપિયાની અંદરની કિંમતનાં કપડાં મોંઘાં થતાં સામાન્ય જનતાના બજેટ હલી જશે એવો સ્પષ્ટ નિર્દેશ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝે દર્શાવ્યો છે. 
જીએસટી કા‌ઉન્સિલના નવા નિર્ણય પ્રમાણે જાન્યુઆરી ૨૦૨૨થી કાપડ પરનો જીએસટી દર પાંચ ટકાથી વધારીને બાર ટકા કરવામાં આવ્યો છે અને કોઈ પણ કિંમતનાં કપડાં પરનો જીએસટી વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે. આ અગાઉ ૧૦૦૦ રૂપિયા સુધીનાં કપડાં પર પાંચ ટકા જીએસટી લાગતો હતો. જાન્યુઆરી ૨૦૨૨થી કાપડ (વણાયેલાં કાપડ, કૃત્રિમ યાર્ન, પાઇલ ફૅબ્રિક્સ, ધાબળા, તંબુ, ટેબલ-ક્લોથ અથવા સર્વિએટ્સ, ગોદડાં અને ટૅપેસ્ટ્રીઝ જેવી ઍક્સેસરીઝ સહિત) માટેના દર પણ પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યા છે. 
નવા જીએસટી દરથી કાપડબજારમાં ૧૦૦૦ રૂપિયા સુધીનાં કપડાં મોંઘાં થઈ જશે. આ બાબતે માહિતી આપતાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ૧૧૦૦થી વધુ મેમ્બરોની સંસ્થા ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીએસટી કાઉન્સિલને આ નિર્ણય તેમને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને લીધે રીફન્ડ આપવામાં પડી રહેલી મુશ્કેલીના નિરાકરણ માટે જીએસટીના દરને પાંચ ટકામાંથી બાર ટકા કરવાની ફરજ પડી છે. અમે સરકાર સાથેની અમારી ચર્ચાવિચારણા સમયે હંમેશાં સરકારની પણ રીફન્ડ આપવાની ઝંઝટ ઓછી થાય અને વેપારીઓ પર પણ આર્થિક બોજ વધે નહીં તેમ જ સામાન્ય જનતાને વાજબી દરે કાપડ મળતું રહે એને માટે ઇન્પુટ અને આઉટપુટ જીએસટીને બૅલૅન્સ કરવા માટે કપડાં પર એકસરખો આઠ ટકા જીએસટી દર કરવાની માગણી કરી હતી છતાં સરકારે મનસ્વી રીતે નવા જીએસટી દર પાંચ ટકામાંથી સીધા બાર ટકા કરી નાખ્યો છે. એની સામે અમે ફરીથી ફેરવિચારણા કરવાની તેમને વિનંતી કરી છે.’ 
કોવિડ-19માં કાપડ ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થયા છે અને હજી પણ એના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે. કપડાં માનવીની મૂળભૂત જરૂરિયાત છે એમ જણાવતાં ટેક્સટાઇલ અસોસિએશન ઑફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી હરેશ પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટૅક્સના દરમાં વધારો થવાથી માત્ર સ્થાનિક કારોબારને જ અસર નહીં થાય, પરંતુ નિકાસ પર એની પ્રતિકૂળ અસર પડશે. નવાઈની વાત એ છે કે સરકારને જાણ છે કે ઍગ્રિકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ પછીની સૌથી મોટી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે. ઍગ્રિકલ્ચરમાંથી રેવન્યુ જનરેટ થવો શક્ય નથી એથી તેઓ રેવન્યુ જનરેટ કરવા માટે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ પર ટૅક્સનો બોજ વધારે છે, પરંતુ એનાથી ટેક્સટાઇલમાંથી બનતા કાપડના ભાવ વધવાથી આમજનતાના બજેટ પર એની બહોળી અસર થાય છે. આમજનતા માટે રોટી પછી સૌથી મોટી અને અગત્યની જરૂરિયાત કાપડ છે એથી અમે સરકારને નવા જીએસટી દર પર ફેરવિચારણા કરીને એને રિઝનેબલ કરવાની વિનંતી કરી છે.’ 
કપડા પર જાન્યુઆરીથી જીએસટી દર પાંચ ટકાથી બાર ટકા થતાં કાપડના ભાવમાં ૧૦થી ૧૨ ટકાનો વધારો થશે. આ વધારાની સીધી અસર આમજનતા પર થશે. કોરોના પછી તહેવારોમાં કાપડની ડિમાન્ડ વધી હતી. બે વર્ષથી લોકોએ કપડાંની ખરીદી કરી ન હોવાથી કાપડની ડિમાન્ડમાં ૫૦થી ૬૦ ટકાનો વધારો થયો હતો. જોકે નવા જીએસટી દરથી ૧૦૦૦ રૂપિયાની અંદરનાં કપડાંના ભાવમાં વધારો થતાં ફરીથી કાપડની ડિમાન્ડ ઘટવાની પૂરેપૂરી સંભાવના હોવાથી કાપડના વેપારીઓમાં જબરદસ્ત નારાજગી છે. 
વસ્ત્રો પર જીએસટી દરમાં વધારો કરવાના સરકારના નિર્ણયથી વેપારીઓમાં નિરાશા ફેલાયેલી છે અને એમાં પણ ૧૦૦૦ રૂપિયાથી નીચેનાં કપડાં મોંઘાં થતાં સામાન્ય જનતાનાં બજેટ હલબલી જશે જેથી તેમની કપડાંની ડિમાન્ડ ઘટશે એમ જણાવતાં ક્લોધિંગ મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ રાજેશ મસંદે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘જીએસટીના દર વધવાથી વેપારીઓના ખર્ચ વધશે અને તેમની વર્કિંગ કૅપિટલની સાઇકલ અવરોધક બનશે. આ ઉદ્યોગ ઑલરેડી ફુગાવાનો સામનો કરી રહ્યો છે. કાચા માલના ભાવ ખાસ કરીને યાર્ન, પૅકિંગ સામગ્રી અને નૂરના ભાવમાં તેજી આવી રહી છે. જીએસટીના દરમાં વધારો કર્યા વિના પણ બજારને આગામી સીઝનમાં વસ્ત્રોના ખર્ચમાં ૧૫થી ૨૦ ટકાના ભાવમાં વધારો થવાની ધારણા હતી. ભારતના ૮૦  ટકાથી વધુ અપૅરલ માર્કેટમાં ૧૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતનાં કપડાંનો સમાવેશ થાય છે, જેના ભાવની સીધી અસર સામાન્ય વર્ગની જનતાને થશે.’
નવા જીએસટી દરની સૌથી વધુ અસર રેડીમેડ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝને થશે એમ જણાવતાં રાજેશ મસંદે કહ્યું કે ‘અમારી ઇન્ડસ્ટ્રીમાં ક્રેડિટ પર બિઝનેસ ચાલે છે, જેના આજના સમયે પૈસા ફરતાં ૪થી ૬ મહિના સામાન્ય બની ગયા છે. એમાં પણ અમુક સમયે માલ પાછો આવે છે. આમ કાપડના વેપારીઓની વર્કિંગ કૅપિટલ હંમેશાં ચૉકઅપ રહેતી હોય છે. વેપારીઓના પૈસા જીએસટી રીફન્ડ ન આવે ત્યાં સુધી બ્લૉક રહે છે. જેટલો દર વધારે એટલી મોટી રકમ બ્લૉક થશે. આનાથી વેપારીઓ પર આર્થિક બોજ વધશે.’ 
જીએસટીના દરમાં વધારો થવાની સાઇડ ઇફેક્ટની માહિતી આપતાં કાપડના વેપારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યાર સુધી માર્કેટમાં સ્મૂધ બિઝનેસ ચાલી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૨થી કાપડ પર જીએસટી દરમાં વધારો થતાં અમારે નાછૂટકે અમારા ખર્ચમાં ઘટાડો કરવા માટે વગર ટૅક્સનો માલ ખરીદવાની શરૂઆત કરવી પડશે. ઉત્પાદકો પણ કાચો માલ વગર ટૅક્સમાં ખરીદવા ઉત્સુક બનશે અને એનાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું બ્લૅક મનીના દૂષણને નષ્ટ કરવાનું સપનું સાકાર નહીં થાય. આપણા દેશમાં ટૅક્સના દર જેટલા વાજબી એટલો જ રેવન્યુમાં સરકારને ફાયદો એ લૉજિક સરકારના નાણામંત્રાલયે સમજવાની જરૂર છે. આ વાત બહુ ગંભીર છે જેના પર વિચારણા અનિવાર્ય છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2021 09:05 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK