° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


૧૫૦ કરોડ રૂપિયા સ્વાહા

24 October, 2020 09:20 AM IST | Mumbai | Rohit Parikh

૧૫૦ કરોડ રૂપિયા સ્વાહા

૧૫૦ કરોડ રૂપિયા સ્વાહા

૧૫૦ કરોડ રૂપિયા સ્વાહા

મુંબઈ સેન્ટ્રલના સિટી સેન્ટરમાં ગુરુવારે રાતે આગ લાગી એ સમયથી જ આ સેન્ટરના મોબાઇલ અને ઍક્સેસરીઝના વેપારીઓ સેન્ટર સામે રોડ પર આવી ગયા હતા. તેમની સામે જ આગ વિકરાળ બનતાં અને એક-એક માળ ભસ્મીભૂત થવા માંડતાં વેપારીઓ હતાશ થઈને રીતસર રડી પડ્યા હતા. તેમની પાસે કોઈ રસ્તો બચ્યો નહોતો. તેમની નજર સામે જ સેંકડો દુકાનો આગમાં બળીને ખાખ થઈ રહી હતી. કરોડો રૂપિયાના મોબાઇલ અને મોબાઇલની ઍક્સેસરીઝ આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં.
ફાયરબ્રિગેડ નિષ્ફળ રહી
આખી ઘટનાનું વર્ણન કરતાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સ્થાનિક અગ્રણી નેતા અને મુંબઈ મોબાઇલ ઍક્સેસરીઝ અસોસિએશનના કમિટી-મેમ્બર જવાહર દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે રાતે ૮.૩૦ વાગ્યે બીજા માળની ૬૮૯ નંબરની મોબાઇલ અને ઍક્સેસરીઝની દુકાનમાં એક મોબાઇલની બૅટરી ફાટતાં આગ ફાટી નીકળી હતી. જોકે અમે દુકાનદારોએ ભેગા મળીને એ નાનીઅમસ્તી આગને બુઝાવી દીધી હતી અને ત્યાર પછી દુકાનદારે તેની દુકાન બંધ કરી દીધી હતી. થોડી વાર પછી અચાનક આગ ફરીથી લાગી હતી. દુકાનદારના કહેવા પ્રમાણે બીજી વારની આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હતી. ફાયરબ્રિગેડ આવ્યા પછી અમે દુકાનદારો તેમની મદદ કરવા આગળ આવ્યા હતા. આગ વહેલી તકે કઈ રીતે બુઝાવી શકાય એ માટે અમે તેમને રસ્તો બતાવ્યો હતો, પરંતુ તેમને અમારી વાત સાંભળવામાં કોઈ રસ જ નહોતો. તેઓ અમારી સાથે વિવાદમાં ઊતરી આવ્યા હતા. ત્રણ કલાક સુધી તેઓ નાના પાયે ફેલાયેલી આગને જોતા રહ્યા હતા. રાતે ૧૧.૩૦ વાગ્યા પછી ફાયરબ્રિગેડે આગ બુઝાવવવાની શરૂઆત કરી હતી, પણ ત્યારે આગ વિકરાળ બની ગઈ હતી. બીજા માળની ડાબી બાજુની દુકાનો આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આમ છતાં ફાયરબ્રિગેડ અમારી કોઈ વાત માનવા તૈયાર નહોતી.’
જવાહર દવેએ ફાયરબ્રિગેડના મનસ્વી વલણની ટીકા કરતાં કહ્યું હતું કે ‘અમે તેમને અમારા સેન્ટરના ઉપરથી કાચ તોડવાનું કહ્યું હતું. અમારા સેન્ટરમાં ક્યાંથી કેવી રીતે જવાય એની જાણકારી હોવાથી અમે સતત તેમને સૂચના આપવાની મથામણ કરતા હતા, પરંતુ તેઓ અમારી વાત સાંભળવા તૈયાર જ નહોતા. અમે તેમને મોટી સીડીવાળી વૅન મગાવવાનું કહ્યું એ વાત પણ તેમણે સાંભળી નહોતી. ગઈ કાલે સવારે બીજો માળ આખો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો.
આગ કોઈ પણ રીતે કાબૂમાં આવતી નહોતી એમ જણાવતાં જવાહર દવેએ કહ્યું હતું કે ગઈ કાલે સાંજ પછી આગ વધુ વિકરાળ બની હતી અને ત્રીજો માળ પણ આગમાં ખાખ થઈ ગયો હતો. ૨૪ કલાક પછી પણ ફાયરબ્રિગેડ આગ બુઝાવવામાં નિષ્ફળ ગઈ હતી. બીજા અને ત્રીજા માળની ૬૦૦થી ૭૦૦ દુકાનો આગને લીધે કરોડો રૂપિયાના માલ સહિત આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. મારા અંદાજ પ્રમાણે ૧૦૦થી ૧૫૦ કરોડ રૂપિયાના મોબાઇલ અને ઍક્સેસરીઝ બળીને આગમાં ભસ્મીભૂત થઈ ગયાં છે. અમારા સેન્ટરમાં ૧૩૭૦ દુકાનો છે. જેમાં અત્યાર સુધી ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ જ સુરક્ષિત રહ્યા છે.
ઝીરોમાંથી સર્જન અને ફરી પાછો ઝીરો
આ સેન્ટરમાં ત્રણ મોબાઇલ અને ઍક્સેસરીઝની દુકાન અને બે ગોડાઉન ધરાવતા કચ્છી યુવકે તેની દર્દનાક દાસ્તાન નામ ન છાપવાની શરતે ‘મિડ-ડે’ને કહી સંભળાવી હતી. તેણે ‘મિડ-ડેને કહ્યું કે ‘મારું ઘર અત્યારે ડોમ્બિવલીમાં છે. સિટી સેન્ટર બન્યું એ દિવસથી જ મેં મોબાઇલના ધંધામાં ઝંપલાવ્યું હતું. ધીરે-ધીરે પ્રગતિ કરી અને આ જ સેન્ટરમાં મારી ત્રણ દુકાનો અને બે ગોડાઉન છે. હજી એક અઠવાડિયા પહેલાં જ બે કન્ટેનર માલ આવ્યો હતો. ગઈ કાલની વિકરાળ આગમાં એ બધો માલ બળીને ખાખ થઈ ગયો. આગ લાગી ત્યારે હું કચ્છ હતો. મને આગના સમાચાર મળતાં હું ફ્લાઇટમાં મુંબઈ આવ્યો અને સીધો સિટી સેન્ટર પહોંચ્યો હતો. ત્યાંનું દૃશ્ય જોઈને હું અવાક્ થઈ ગયો હતો. મારા જેવા અનેક વેપારીઓએ તેમની જીવનભરની મૂડી આગમાં ગુમાવી દીધી છે. અનેક વેપારીઓની આંખનાં આંસુ સુકાતતાં નથી. તેમની પરિસ્થિતિનું વર્ણન કરવું ખૂબ જ આકરું છે. અનેક વેપારીઓ ઝીરો થઈ ગયા. મેં જ્યારે શરૂઆત કરી ત્યારે હું પણ ઝીરો જ હતો અને આજે ફરીથી હું ઝીરો બની ગયો છું.’
હજારો સપ્લાયરો ઝીરો થઈ ગયા
સિટી સેન્ટરમાં આગ લાગવાથી આ સેન્ટરમાં આવેલા મોબાઇલના વેપારીઓને તો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, પણ એની સાથે મુંબઈ, નવી મુંબઈ અને આસપાસનાં ઉપનગરોમાં મોબાઇલ અને ઍક્સેસરીઝનો રીટેલ દુકાનોમાં સપ્લાયનો ધંધો કરી રહેલા હજારો સપ્લાયરોની હાલત ઝીરો થઈ ગઈ છે. આ બાબતની માહિતી આપતાં નવી મુંબઈના એક ઍક્સેસરીઝના સપ્લાયરે તેની વ્યથા જણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું વર્ષોથી સિટી સેન્ટરમાંથી મોબાઇલ ખરીદીને ઉપનગરોની રીટેલ દુકાનોમાં સપ્લાયનું કામ કરું છું. જીએસટી આવ્યા પછી મોબાઇલમાં પ્રૉફિટ એકદમ ઓછો થઈ જવાથી મેં ઍક્સેસરીઝ રીટેલ દુકાનોમાં સપ્લાય કરવાની શરૂઆત કરી હતી. લૉકડાઉનમાં અમારી હાલત ખૂબ ગંભીર હતી. લૉકડાઉન ખૂલતાં અમને આવકનાં દ્વાર ખૂલતાં દેખાયાં હતાં અને મારા જેવા મુંબઈના હજારો સપ્લાયરોના ચહેરા પર રોશની દેખાઈ હતી. ગુરુવારે રાતે લાગેલી આગે અમારાં સપનાં ચકનાચૂર કરી દીધાં છે. થોડા સમય પહેલાં સિટી સેન્ટરમાંથી બાજુમાં આવેલા નાથાણીમાં મહાનગરપાલિકાએ મોબાઇલના દુકાનદારોને દુકાન આપવાની શરૂઆત કરી હતી, પરંતુ નાથાણીમાં ૧૦૦થી ૧૫૦ દુકાનો જ હોવાથી દુકાનદારોને બરકત થતી નહોતી એથી સિટી સેન્ટરમાંથી શિફ્ટ થયેલા દુકાનદારો પાછા સિટી સેન્ટરમાં આવી ગયા હતા. આ આગમાં આવા અનેક દુકાનદારોની દુકાનો પણ બળીને ખાખ થઈ ગઈ છે. તેઓમાં હતાશા છવાઈ ગઈ છે. આ મોબાઇલ-માર્કેટમાં મુખ્યત્વે કચ્છી, ગુજરાતી, રાજસ્થાની વેપારીઓ મોબાઇલ અને ઍક્સેસરીઝનો બિઝનેસ કરે છે. એક-એક દુકાનમાં ઓછામાં ઓછાં બે અને વધારેમાં વધારે ૧૦ કર્મચારીઓ કામ કરે છે. આ બધા પર અત્યારે આભ તૂટી પડ્યું છે.
પ્લીઝ, હમે મદદ કિજિયે
ઑર્કિડ એન્ક્લેવના ૪૬મા માળ પર રહેતી ઝાહિરા શેખે ધ્રુસકે-ધ્રુસકે રડતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ગુરુવારે રાતે સિટી સેન્ટરમાં આગ લાગી એ પછી અમને મોડી રાતે ફાયરબ્રિગેડે અમારી પંચાવન માળની ઇમારત ખાલી કરવાનું કહ્યું હતું. અમારી પણ દુકાન આ સેન્ટરમાં છે. અમારું ઘર અપે દુકાન બધું જ અહીં છે. આગ વિકરાળ બનશે તો અમે અમારું બધું જ ગુમાવી દઈશું. પ્લીઝ, અમને મદદ કરો. અમે રાતે સૂઈ શક્યા નથી. અમે બધા ખૂબ ગભરાઈ ગયા છીએ. અમને અમારા ઘરેથી નીચે ઊતરવાનું કહેતાં અમે ૪૬મા માળથી એક પ્રેગ્નન્ટ લેડીને પણ દાદરા પરથી નીચે ઉતારી હતી. અમારી સોસાયટીના એક ડૉક્ટરના સિનિયર સિટિઝન ફાધરને પણ અમે ચાલીને નીચે ઉતાર્યા હતા. અમે બધા અમારી મેળે ચાલીને નીચે ઊતર્યા હતા. અમે ખાલી હાથે નીચે રોડ પર આવી ગયા હતા. આગ રોકાવાનું નામ નથી લેતી. જો આગ વધુ ફેલાશે તો અમારું શું થશે એ વિચારથી ધ્રુજારી આવી જાય છે. અમારા ૩૫૦ સાથીઓની દુકાનો અને ઘર અહીં જ છે. અમને કોઈ બચાવો, પ્લીઝ, અમને મદદ કરો.’
સરકાર પાસે મદદ માગીશ
આગના સમાચાર મળતાં સ્થાનિક વિધાનસભ્ય અમીન પટેલ ગઈ કાલે સવારે ઘટનાસ્થળે ગયા હતા. તેમણે સિટી સેન્ટરમાં અંદર જઈને ફાયરબ્રિગેડની કામગીરી નિહાળી હતી. ત્યાર બાદ મીડિયા અને અસરગ્રસ્ત દુકાનદારો સાથે વાતચીત કરતાં અમીન પટેલે કહ્યું હતું કે ‘ગઈ કાલે આગ બીજા માળે મોબાઇલની એક દુકાનમાં લાગી હતી. ત્યાર પછી મોબાઇલની બૅટરી અને અન્ય ઍક્સેસરીઝ સાથે દુકાનોમાં રાખવામાં આવેલા સૅનિટાઇઝરને કારણે આગ વધુ ભડકી હતી. ગુરુવારે રાતે આગ ફક્ત બીજા માળે ડાબી બાજુ જ ફેલાઈ હતી, પરંતુ ત્યાર પછી એ વિકરાળ બનતાં આગ આખા બીજા માળ પર ફેલાઈ ગઈ હતી. એમાં બીજા માળની મોટા ભાગની બધી જ દુકાનો અને એમાંનો માલ આગમાં ખાખ થઈ ગયાં હતાં. મને મળેલી માહિતી પ્રમાણે સિટી સેન્ટરનો ઇન્શ્યૉરન્સ છે. એનો ફાયદો બધાને મળે એવી કોશશિશ કરવામાં આવશે. એ સિવાય મહારાષ્ટ્ર સરકાર તરફથી પણ અસરગ્રસ્ત દુકાનદારોને આર્થિક મદદ મળે એ માટે હું સરકાર સમક્ષ રજૂઆત કરીશ. તેમણે વેપારીઓને કહ્યું હતું કે હું તમને મદદ કરવા માટે જ અહીં આવ્યો છું.’

24 October, 2020 09:20 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

નાયબ મુખ્ય મંત્રી અજિત પવારની પીઆર એજન્સી પર છ કરોડના ખર્ચાનો ઓર્ડર પાછો ખેંચાયો

રાજ્યના પ્રધાન નવાબ મલિકે આ મુદ્દે ભાજપ પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, જે લોકો કથિત 6 કરોડ રૂપિયાના ખર્ચ તરફ આંગળી ચીંધે છે તેમણે અગાઉની સરકારમાં મુખ્ય પ્રધાન અને મંત્રીઓની જનસંપર્ક પ્રવૃત્તિઓ પર ખર્ચવામાં આવેલી રકમ તરફ ધ્યાન આપવું જોઈએ.

13 May, 2021 07:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

Maharashtra : લૉકડાઉનના કડક નિયમોનું પાલન 1લી જૂન સુધી લંબાયુ

મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે લૉકડાઉન જેવા પ્રતિબંધો 1લી જૂન સુધી ચાલુ  રાખવાનો નિર્ણય લીધો છે. વાઇરસના ફેલાવાને અટકાવવા માટે સવારે સાત વાગ્યા સુધી બધું બંધ રખાશેનો નિર્ણય ચાલુ રખાયો છે.

13 May, 2021 01:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

ડોમેસ્ટિક ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને મંજૂરી નહીં અપાય તો ખતમ થઈ જશે : સીએમએઆઇ

કોરોનાની બીજી બાદ ત્રીજી લહેર આવવાના ભય વચ્ચે કામકાજ ઠપ : ૭૭ ટકા મૅન્યુફૅક્ચરરો ૨૫ ટકા સ્ટાફ ઘટાડવાની ફિરાકમાં

13 May, 2021 09:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK