રસ્તામાં ફટાકડા ફોડી રહેલા યુવકને ટક્કર મારીને કારચલાક પલાયન
ઘટનાનો વિડિયો ગ્રૅબ.
પુણેમાં પૉર્શે-કાંડને યાદ કરાવતી હિટ ઍન્ડ રનની ઘટના પુણેના જ રાવેત વિસ્તારમાં દિવાળીની રાત્રે બની હતી. ૩૫ વર્ષનો સોહન પટેલ રસ્તામાં ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે અચાનક ખૂબ જ ઝડપથી આવેલી કારે તેને ટક્કર મારી હતી. અકસ્માત કર્યા બાદ રોકાવાને બદલે કાર પૂરપાટ ઘટનાસ્થળથી નીકળી ગઈ હોવાનું ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV)નાં ફુટેજમાં જણાઈ આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ કારની અડફેટે આવતાં સોહમ પટેલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. દિવાળીની રાત્રે સોહમ પટેલ તેના પરિવારજનો સાથે ફટાકડા ફોડી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. CCTV કૅમેરાનાં ફુટેજના આધારે પલાયન થઈ ગયેલી કારની માહિતી મેળવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે પુણેના હાઈ પ્રોફાઇલ પૉર્શે-કાંડમાં જાણીતા બિલ્ડરના પુત્રે દારૂના નશામાં કાર ચલાવીને મોટરસાઇકલ પર જઈ રહેલા બે સૉફ્ટવેર એન્જિનિયરને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં અકસ્માત કરનારા ટીનેજર તથા તેનાં પિતા, મમ્મી અને દાદાની પોલીસે ધરપકડ કરી હતી.