આરોપી હવે ઉપલી અદાલતમાં સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરી શકે છે

પ્રતીકાત્મક તસવીર
થાણેની ઍડિશનલ સેશન્સ કોર્ટ નંબર ૭ના મૅજિસ્ટ્રેટ આર. વી. તામ્હણકરે લાંચ લેવાના આરોપસર પકડાયેલા હિંમત ઉર્ફે હેમરાજ હીરજી નંદા સામે છેલ્લાં ૧૮ વર્ષથી ચાલી રહેલા કેસનો મંગળવારે ચુકાદો આપ્યો હતો અને આરોપી હિંમતને છ મહિનાની સખત કેદ અને ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
થાણેમાં ૨૦૦૩માં ગેરકાયદે થિનર લઈ જતા ટૅન્કરને પકડવામાં આવ્યું હતું. એની સામે કાર્યવાહી ન કરવા માટે પોલીસ ઑફિસર પાટીલે ત્રણ લાખ રૂપિયાની લાંચ માગી હતી. એ કેસમાં ફરિયાદીએ ઍન્ટિ-કરપ્શન બ્યુરોમાં ફરિયાદ દાખલ કરતાં છટકું ગોઠવાયું હતું અને ઍન્ટિ-કરપ્શન બ્યુરોના અધિકારીઓએ પોલીસ ઑફિસર વતી ત્રણ લાખ રૂપિયાની લાંચ સ્વીકારનાર હિંમત ઉર્ફે હેમરાજ હીરજી નંદાની રંગેહાથ ધરપકડ કરી હતી અને એ પોલીસ ઑફિસર પાટીલ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઍન્ટિ-કરપ્શન બ્યુરોનાં સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્ટે હિંમત ઉર્ફે હેમરાજ હીરજી નંદાને છ મહિનાની સખત કેદની સજા ફટકારી છે એ ખરી વાત છે. જોકે કોર્ટે સામે તેને અપીલમાં જવાનો પણ સમય આપ્યો છે. તેની સામે કેસ થયા બાદ થોડા વખત પછી તેના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા અને ત્યારથી તે જામીન પર બહાર જ છે. હવે તે ઉપલી અદાલતમાં સેશન્સ કોર્ટના ચુકાદાને પડકારતી અરજી કરી શકે છે.