પરંપરાગત કૂવાઓનો થશે કાયાકલ્પ, RO પ્લાન્ટ દ્વારા લોકોને મળશે કૂવાનું શુદ્ધ પાણી
થાણેનાં થાણેનાં તમામ સર્વિસ સેન્ટરોમાં વાહન ધોવા અને અન્ય સાફસફાઈનાં કામ પર ૧૦ જૂન સુધી તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
પાણીની તંગીને પહોંચી વળવા માટે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને પરંપરાગત જળસ્રોતો તરફ પાછા વળવાનો નિર્ણય લીધો છે. થાણેમાં વર્ષોથી ઉપેક્ષિત અને ગંદા કૂવાઓને પુનર્જીવિત કરીને ત્યાં આધુનિક રિવર્સ ઓસ્મોસિસ (RO) ફિલ્ટરેશન યુનિટ સ્થાપવામાં આવી રહ્યાં છે. મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે લોકમાન્ય નગર અને ઉન્નતિ ગાર્ડન વિસ્તારમાં આવા બે નવપલ્લવિત કૂવાઓનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રોજેક્ટ થાણે અને મીરા-ભાઈંદર વિસ્તારમાં ફેલાયેલા ૪૬ જેટલા બિનકાર્યક્ષમ અથવા પ્રદૂષિત કૂવાઓને સુધારવા માટે હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૧૨ કૂવાઓનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને દર અઠવાડિયે ત્રણથી ૪ કૂવા શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ADVERTISEMENT
વર્ષોથી કચરો અને ગટરના પાણીને કારણે દૂષિત થયેલા આ કૂવાઓનો વૈજ્ઞાનિક રીતે કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે. કૂવાઓમાંથી કાંપ કાઢીને એનું માળખું મજબૂત કરવામાં આવ્યું છે. કચરો અંદર ન પડે એ માટે જાળી અને ગ્રિલ બેસાડવામાં આવી છે.
ઉનાળામાં જ્યારે પાઇપલાઇન દ્વારા થતી પાણીની સપ્લાયમાં ટેક્નિકલ ખામી સર્જાય અથવા માગણીમાં વધારો થાય ત્યારે આ કૂવા બૅકઅપ તરીકે કામ કરશે.
થાણેમાં ૧૦ જૂન સુધી વૉશિંગ સેન્ટરોમાં વાહન ધોવા પર પ્રતિબંધ
થાણેમાં તાજેતરમાં પાણીની અછત ગંભીર બની રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને થાણેનાં થાણેનાં તમામ સર્વિસ સેન્ટરોમાં વાહન ધોવા અને અન્ય સાફસફાઈનાં કામ પર ૧૦ જૂન સુધી તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ પાણી બચાવવાનો છે.
