Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજથી શરૂ થતા ચોમાસુ સત્રમાં એકનાથ શિંદે સરકારની કસોટી

આજથી શરૂ થતા ચોમાસુ સત્રમાં એકનાથ શિંદે સરકારની કસોટી

17 August, 2022 09:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દોઢ મહિના પહેલાં જ અસ્તિત્વમાં આવેલી સરકારે મહત્ત્વના પ્રશ્નો પર ધ્યાન આપ્યું ન હોવાનો આરોપ કરીને વિરોધ પક્ષોએ ટી-પાર્ટીનો બહિષ્કાર કરવાની સાથે અધિવેશનમાં સરકારને ઘેરવાની તૈયારી કરી

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે ચોમાસુ સત્ર પહેલાં મુંબઈમાં ટી-પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બીજેપી અને એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યો હાજર રહ્યા હતા.  પ્રદીપ ધિવાર

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે ચોમાસુ સત્ર પહેલાં મુંબઈમાં ટી-પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બીજેપી અને એકનાથ શિંદે જૂથના વિધાનસભ્યો હાજર રહ્યા હતા. પ્રદીપ ધિવાર



મુંબઈ ઃ એકનાથ શિંદેની સરકાર બન્યા બાદ વિધાનસભાનું પહેલું સત્ર મુંબઈમાં આયોજિત કરવામાં આવ્યું છે, જેની શરૂઆત આજથી થઈ રહી છે. સરકારની સ્થાપના થયાના દોઢ મહિનામાં કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા ન હોવાથી એનો હિસાબ સરકાર પાસેથી માગવામાં આવશે એમ વિરોધ પક્ષના નેતા અજિત પવારે ગઈ કાલે કહ્યું હતું. આથી ૧૭થી ૨૫ ઑગસ્ટ સુધી ચાલનારા આ ચોમાસુ સત્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પહેલી કસોટી થશે.
એકનાથ શિંદેની આગેવાનીની સરકારનું પહેલું સત્ર આજથી ૨૫ ઑગસ્ટ સુધી આયોજિત કરવામાં આવ્યું છે. મુંબઈમાં ચાલનારા આ ચોમાસુ અધિવેશનનું કામકાજ આજે અને આવતી કાલે ચાલશે. પછીના ત્રણ દિવસ એટલે કે શુક્ર, શનિ અને રવિવારે અધિવેશનમાં રજા રહેશે અને આવતા સોમવારથી ગુરુવાર સુધી ચાલશે. ચોમાસુ સત્ર પહેલાં ગઈ કાલે શિવસેના સહિતના વિરોધ પક્ષોને ટી-પાર્ટીનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં તેઓ સામેલ નહોતા થયા. 

શિંદે-ફડણવીસ સરકાર લોકશાહીનાં ચીંથરાં ઉડાવીને સ્થાપિત કરાઈ છે ઃ અજિત પવાર 
આજથી મુંબઈમાં ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે અને આ સત્ર સુપેરે પાર પડે એ માટે સરકારે વિરોધ પક્ષોને ગઈ કાલે બપોર બાદ ટી-પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું જે એમણે ઠૂકરાવી દીધું હતું. આ વિશે વિરોધ પક્ષના નેતા અજિત પવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર લોકશાહીનાં ચીંથરાં ઉડાવીને બનાવવામાં આવી છે. સરકાર અવિશ્વાસ પર ટકેલી છે. રાજ્યમાં મોટા પાયે અતિવૃ​ષ્ટિ થઈ છે એટલે સરકારે રાહત-પૅકેજ જાહેર કરવું જોઈએ, કારણ કે લોકોને મદદ માટેની જે અપેક્ષા હતી એ પૂરી થઈ નથી. અમે ૧૭ ઑગસ્ટથી ૨૭ ઑગસ્ટ સુધી ચોમાસુ સત્ર બોલાવવાની માગણી કરી હતી જે માન્ય નથી રખાઈ. સત્તામાં આવ્યા બાદ તેમના માથામાં રાઈ ભરાઈ ગઈ છે. આ સરકારે અનેક મહત્ત્વના પ્રશ્નો પર ધ્યાન નથી આપ્યું એટલે અમે તેમને સત્રમાં ઘેરીશું.’



શિવસેના પ્રધાનોમાં ફૂટ પાડવાનો પ્રયાસ કરી રહી છે ઃ શંભુરાજ દેસાઈ
કૅબિનેટ પ્રધાનોને તાજેતરમાં કરવામાં આવેલી ખાતાંની ફાળવણીમાં શિંદે જૂથના પાંચ જેટલા પ્રધાન નારાજ હોવાની ચર્ચા છે. આ વિશે ગઈ કાલે કૅબિનેટ પ્રધાન શંભુરાજ દેસાઈએ પત્રકારોને માહિતી આપી હતી કે ‘ખાતાની વહેંચણી બાબતે અમારામાંથી કોઈ નારાજ નથી. અમારામાંથી કેટલાક લોકો નારાજ હોવાની અફવા ઉદ્ધવ ઠાકરે જૂથના લોકો ફેલાવી રહ્યા છે. એકનાથ શિંદે સાથે જોડાયા બાદ અમે તમામ વિધાનસભ્યોએ સરકાર કે ખાતા સંબંધિત તમામ નિર્ણયો લેવાનો અધિકાર એકનાથ શિંદેને આપ્યો હતો. તેઓ જે જવાબદારી આપશે એ સ્વીકારીને કામ કરવાની અમારી તૈયારી છે. આથી અમારી સાથેના નવ વિધાનસભ્ય નારાજ હોવાનો સવાલ જ નથી. મતભેદની વાત ‘સામના’માંથી ઉદ્ભવી રહી હોવાનું મહારાષ્ટ્ર જોઈ રહ્યું છે. હકીકતમાં આવું કંઈ નથી.’


સરકાર ચલાવવાનું ‍અમને ન શીખવો ઃ દેવેન્દ્ર ફડણવીસ
એકનાથ શિંદેની સરકાર બન્યા બાદથી વિરોધીઓ પ્રધાનમંડળ, ખાતાંની વહેંચણી અને સરકારના કેટલાક નિર્ણયોનો વિરોધ કરીને આ લોકોને સરકાર ચલાવતાં ન આવડતું હોવાનું સતત કહી રહ્યા છે. આ વિશે ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અઢી વર્ષ જેમણે કંઈ કર્યું નથી તે અમને સરકાર ચલાવવાનું શીખવી રહ્યા છે. મારે તેમને એટલું જ કહેવું છે કે પાંચ વર્ષ અમારી સરકાર હતી ત્યારે સરકાર કેવી રીતે ચલાવાય છે એ અમે દર્શાવી દીધું હતું. આજે પણ લોકો ધ્યાનમાં રાખે છે કે ૨૦૧૪થી ૨૦૧૯ સુધી જનતાની સરકાર હતી. હવે ફરી અમે સત્તામાં આવ્યા છીએ ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીમાં ફરી સર્વસામાન્ય લોકોની સરકાર ચલાવી રહ્યા છીએ. ખેડૂતોને ગયા અઢી વર્ષમાં ૭૦૦ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કર્યા બાદ પણ તેમને એક પૈસો નથી આપ્યો. તેઓ લબાડ નીકળ્યા. જોકે હવે અમે સત્તામાં આવ્યા છીએ એટલે ખેડૂતોને ન્યાય અપાવીશું. એટલું જ નહીં, સંજય ગાંધી નિરાધાર યોજનાના રૂપિયા ગરીબ વિધવાઓને છ-છ મહિનાથી મળ્યા નથી એ તાત્કાલિક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરીશું.’
આદિત્યના વિસ્તારમાં
બીજેપીની દહીહંડી
વરલી વિસ્તારમાં આદિત્ય ઠાકરે સહિત શિવસેનાના ત્રણ વિધાનસભ્ય હોવા છતાં આ વખતે અહીં બીજેપીએ દહીહંડીનું આયોજન કર્યું છે. આથી શિવસેનાના નેતાઓએ દહીહંડી માટે બીજાં મેદાન શોધવાં પડશે. આશિષ શેલારે મુંબઈ બીજેપી અધ્યક્ષની જવાબદારી સ્વીકારતાંવેંત જ આદિત્ય ઠાકરેના મતદાર ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વરલીના જાંબોર મેદાનમાં વર્ષોથી શિવસેનાની દહીહંડીનું આયોજન થાય છે એ બીજેપીએ બુક કરાવી દીધું છે અને અહીં મોટા પાયે દહીહંડીનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈ બીએમસીની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીએ શિવસેનાની પકડ છે એવા વિસ્તારમાં પગપેસારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ વખતે વરલીમાં દહીહંડીનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું હતું.
આજે સવારે ૧૧ વાગ્યે રાજ્યભરમાં સામૂહિક રાષ્ટ્રગાન 
સ્વતંત્રતાના અમૃત મહોત્સવના ભાગરૂપે રાજ્યમાં અત્યારે સ્વરાજ્ય મહોત્સવનું આયોજન ચાલી રહ્યું છે, જેમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આખા રાજ્યમાં સામૂહિક રાષ્ટ્રગાન કરવાનો નિર્ણય ગઈ કાલે લીધો હતો. મુખ્ય પ્રધાને રાજ્યની જનતાને અપીલ કરી છે કે તેઓ જ્યાં હોય ત્યાં ઊભા રહીને બરાબર ૧૧ વાગ્યે સામૂહિક રાષ્ટ્રગાનમાં સામેલ થાય. રાજ્યભરના લોકો આ સમૂહ રાષ્ટ્રગાનમાં સામેલ થાય એની અમલબજાવણી કરવામાં આવે એ માટે તમામ સંબંધિત વિભાગોને આદેશ આપ્યો હોવાનું રાજ્યના મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું. સામૂહિક રાષ્ટ્રગાન બાબતનો પરિપત્ર સાંસ્કૃતિક કાર્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં
આવ્યો છે.
વિરોધીઓ ગજની અને તેમની સરકાર બેઈમાન ઃ ફડણવીસ
આજે ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે એની પૂર્વસંધ્યાએ મુંબઈમાં ટી-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિરોધ પક્ષોએ બહિષ્કાર કર્યો હતો. ટી-પાર્ટી બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘સાથે મત માગ્યા હતા એવા બે પક્ષ બીજેપી અને શિવસેના સત્તામાં આવ્યા છે. મહાવિકાસ આઘાડી સરકાર બેઈમાનની બનાવવામાં આવી હતી. જનાધારને લાત મારીને એ સરકાર બની હતી. પ્રધાનમંડળના વિસ્તરણ બાબતમાં એ લોકો ગજની બની ગયા છે. તેઓ ભૂલી જાય છે કે ૩૦ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ તેમની સરકાર બન્યા બાદ પાંચમી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ તેમના પ્રધાનમંડળનું વિસ્તરણ થયું હતું. અમારી સરકારની ચિંતા કરવા કરતાં તેમણે પોતાનો વિચાર કરવો જોઈએ. સામાન્ય લોકોને લાગે છે કે તેમની સરકાર આવી છે. મહાવિકાસ આઘાડી સરકાર વખતે સહ્યાદ્રિ અને પ્રધાનોના બંગલા ખાલી હતા. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મેં રાજ્યભરની મુલાકાત લઈને પૂરની પરિસ્થિતિનું આકલન કર્યું છે. લોકોને સરકારી મદદ ડાયરેક્ટ તેમના અકાઉન્ટમાં આપવામાં આવશે. માત્ર ૪૦ દિવસમાં અમે ૭૫૦ નિર્ણય લઈને સરકારના કામકાજને પાટે ચડાવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2022 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK