આરોપીની પોલીસે CCTV ફુટેજના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
અમૃતા પુનમિયા
મુલુંડ વેસ્ટમાં ગોરેગામ-લિન્ક રોડ પર ફોર્ટિસ હૉસ્પિટલના ગેટ નજીક શનિવારે રાતે ૩૪ વર્ષની અમૃતા પુનમિયાને પુરપાટ વેગે ટેમ્પો ચલાવી અડફેટે લેનાર ટેમ્પો-ડ્રાઇવર રાજા સ્વામીની મંગળવારે સાંજે મુલુંડ પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસની ઢીલી કામગીરીના પગલે અમૃતાના પરિવારે કેટલાક સવાલો ઊભા કર્યા હતા. સાથે પોલીસ પારદર્શિતા સાથે કેસમાં તપાસ કરે અને અમૃતાના મૃત્યુ માટે જવાબદાર તમામને સજા અપાવે એવી અપીલ કરી હતી.
અકસ્માત પછી ટેમ્પોને શોધવા માટે અમે પોલીસને ઘટનાસ્થળ નજીકના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)નાં ફુટેજ શોધી આપ્યાં હતાં એમ જણાવતાં અમૃતાના સંબંધી ઍડ્વોકેટ મયૂર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસને ત્રણ દિવસ પછી આરોપી સંબંધી માહિતી મળી હતી અને તેમણે તેની ધરપકડ કરી હતી. પોલીસ આ કેસને સામાન્ય અકસ્માત ગણીને તપાસ કરી રહી છે પણ આ સામાન્ય કેસ નથી, આ હિટ ઍન્ડ રનનો કેસ છે. પોલીસે આ મામલે પારદર્શિતાથી તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. આ ઘટના શનિવારે રાતે ૧૦.૫૭થી ૧૦.૫૯ની વચ્ચે બની હતી. એ જ સમયે પોલીસની એક પૅટ્રોલિંગ વૅન પણ ત્યાંથી પસાર થઈ હોવાનું અમને CCTV ફુટેજમાં દેખાઈ આવ્યું હતું. પોલીસે એ જ દિવસે જો ટેમ્પો-ડ્રાઇવરની ધરપકડ કરી હોત તો આ કેસમાં વધુ પુરાવા પોલીસને મળ્યા હોત. આગળ પણ પોલીસ યોગ્ય તપાસ નહીં કરે તો અમારે કોર્ટના દરવાજા ખખડાવવા પડશે.’
ADVERTISEMENT
આરોપીની અમે CCTV ફુટેજના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એમ જણાવતાં મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શિવાજી ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદ નોંધ્યા પછી અમે તપાસ કરવા માટે એક ટીમની રચના કરી હતી જેણે ફોર્ટિસ હૉસ્પિટલ ઉપરાંત આસપાસના વિસ્તારમાંનાં CCTV ફુટેજ ભેગાં કરી આરોપીની ઓળખ કરી તેની ધરપકડ કરી છે. જે ટેમ્પોથી અકસ્માત થયો હતો એ પણ અમે જપ્ત કર્યો છે.’