એકનાથ શિંદેએ બાળાસાહેબ ઠાકરે અને થાણેના શિવસેનાના નેતા આનંદ દીઘેના પ્રભાવ હેઠળ ૧૯૮૦ના દશકામાં શિવસેના જૉઇન કરી હતી

ગઈ કાલે બપોરે ગોવાથી મુંબઈ આવ્યા પછી એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસને મળવા ગયા ત્યારે રસ્તામાં લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. (તસવીર : સમીર માર્કન્ડે)
થાણેમાં રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા એકનાથ શિંદેએ બાળાસાહેબ ઠાકરે અને થાણેના શિવસેનાના નેતા આનંદ દીઘેના પ્રભાવ હેઠળ ૧૯૮૦ના દશકામાં શિવસેના જૉઇન કરી હતી. ૧૯૮૪માં કિસનનગરની શિવસેના શાખામાં શાખાપ્રમુખ તરીકે તેમની નિયુક્તિ થઈ. ૧૯૯૭માં પહેલી વાર થાણે મહાનગરપાલિકામાં નગરસેવક તરીકે ચૂંટાયા. ૨૦૦૧માં થાણે મહાનગરપાલિકાના સભાગૃહના નેતા તરીકે વરણી થઈ. સતત ત્રણ વર્ષ એ પદ પર રહ્યા. ૨૦૦૪માં પહેલી વાર થાણેમાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. ૨૦૦૫માં શિવસેનાના થાણેના જિલ્લા પ્રમુખ બન્યા. ૨૦૦૯માં નવા મતદાર સંઘની રચના થયા બાદ કોપરી-પાંચપખાડી મતદાર સંઘમાંથી ફરી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. ૨૦૧૪માં ત્રીજા વાર વિધાનસભ્ય બની હૅટ-ટ્રિક કરી. એ પછી વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્તિ થઇ. ડિસેમ્બર ૨૦૧૪માં કૅબિનેટ પ્રધાન તરીકે સોગંદ લીધા અને કૅબિનેટ પ્રધાન બન્યા. ૨૦૧૯માં પણ વિધાનસભ્ય તરીકે ચૂંટાયા અને નગરવિકાસ ખાતાના પ્રધાન બન્યા.