મૃત્યુ પામનારો ૨૫ વર્ષનો સ્વીડિશ યુવક મુંબઈમાં એક મિત્રનાં લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના સાનપાડાના સેક્ટર-1માં એક બિલ્ડિંગના ચોથા માળેથી પડી જવાને કારણે મૃત્યુ પામનારો ૨૫ વર્ષનો સ્વીડિશ યુવક મુંબઈમાં એક મિત્રનાં લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો. સ્વીડનની રાજધાની સ્ટૉકહોમનો રહેવાસી ઑલ્ડ એડવર્ડ જેન લગ્ન પછી કેટલાક મિત્રો સાથે બહાર ગયો હતો અને ત્યાર બાદ તેની ભાળ મળી નહોતી. રવિવારે સાંજે તેના મિત્ર પ્રણય શાહને
ખબર પડી કે તે ગંભીર રીતે ઘાયલ છે અને તેને સાયન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ત્યાર બાદ પ્રણય શાહે સાનપાડા પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
ADVERTISEMENT
પોલીસે આ વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં, જેમાં જોવા મળ્યું હતું કે ઑલ્ડે ચોથા માળેથી કૂદકો મારતાં પહેલાં બિલ્ડિંગના ગેટને પણ કૂદવાનો પ્રયાસ કર્યો હતો અને એમાં પણ તે પડી ગયો હતો, જેને લીધે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. એવી જ હાલતમાં તે બિલ્ડિંગમાં પ્રવેશ્યો હતો અને ચોથા માળેથી કૂદી પડ્યો હતો. બિલ્ડિંગના રહેવાસીઓએ પોલીસને જાણ કર્યા બાદ તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે ઑલ્ડે દારૂના નશામાં આવું કર્યું હશે.
પોલીસ સ્વીડિશ દૂતાવાસના સંપર્કમાં છે જેથી ઑલ્ડના પરિવારને જાણ કરી શકાય.


