બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મામલામાં પોલીસ-ઇન્સ્પેક્ટર રણજિત કાસલેનો ધડાકો
રણજિત કાસલે, વાલ્મીક કરાડ
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાનો મામલો ચર્ચામાં છે. આ મામલાના મુખ્ય આરોપી અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય ધનંજય મુંડેની નજીકની વ્યક્તિ વાલ્મીક કરાડ જેલમાં બંધ છે ત્યારે બીડના થોડા સમય પહેલાં સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ-ઇન્સ્પેક્ટર રણજિત કાસલેએ દાવો કર્યો છે કે વાલ્મીક કરાડનું એન્કાઉન્ટર કરવા માટે મને ૫૦ કરોડ રૂપિયાની ઑફર આપવામાં આવી હતી. ઇન્સ્પેક્ટરના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે. ઇન્સ્પેક્ટરે કોણે ઑફર કરી હતી એ નથી કહ્યું, પણ તેના આ દાવાથી સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મામલામાં ફરી ગરમાટો આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે બીડ પોલીસમાં સાઇબર વિભાગમાં ઇન્સ્પેક્ટર રણજિત કાસલે ફરજ બજાવી રહ્યો હતો. થોડા દિવસ બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ઇન્સ્પેક્ટર રણજિત કાસલેનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં તેણે એન્કાઉન્ટરની ઑફર ઉપરાંત ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પરળીમાં મોટા પાયે રૂપિયાની લેણદેણ કરવામાં આવી હોવાનો દાવો પણ કર્યો છે.

