પ્લીઝ, મારા પતિને ખોટો મેસેજ નહીં મોકલતા
સુપ્રિયા સુળે
પોતાનો મોબાઇલ-નંબર અને વૉટ્સઍપ અકાઉન્ટ હૅક થઈ ગયાં હોવાનું બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળેએ ગઈ કાલે સોશ્યલ મીડિયા એક્સમાં પોસ્ટ કરીને સૌને જાણ કરી હતી. બાદમાં પુણેના દૌંડમાં ભાષણ કરતી વખતે સુપ્રિયા સુળેએ હૅક સંબંધી ઘટનાક્રમ કહ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘હું લાંબા સમય સુધી મારા ફોનમાં બિઝી હતી એટલે કદાચ મારો ફોન હૅક થઈ ગયો છે. મારા ઉપરાંત બીજું કોઈ પણ મારો મોબાઇલ ઑપરેટ કરે છે. હું અહીં પહોંચી ત્યારે મારા ધ્યાનમાં આ વાત આવી હતી. મારું વૉટ્સઍપ ચાલતું નથી. મેં જયંત પાટીલને મને નમસ્કારનો મેસેજ કરવાનું કહ્યું હતું. તેમણે મેસેજ કર્યો તો બીજા કોઈએ તેમને રિપ્લાય કર્યો હતો. આથી મેં ફોન બંધ કર્યો, સિમ-કાર્ડ કાઢીને ફરી નાખ્યું તો પણ આ મુશ્કેલી થઈ રહી છે. મેં પોલીસમાં ફરિયાદ કરી છે. મેં કોઈના પર આરોપ કર્યા નથી. મારો ફોન કોણે હૅક કર્યો છે એ ખબર નથી. મારા મોબાઇલમાં છુપાવવા જેવું કંઈ નથી. હૅકરને વિનંતી છે કે મારા પતિને કોઈ ખોટો મેસેજ નહીં મોકલતા. હૅકરને મારી કોઈ માહિતી મેળવવી હતી તો હું સામે ચાલીને આપી દેત, ફોન હૅક કરવાની શું જરૂર હતી?’