આ ગંભીર બાબત છે એટલે કેન્દ્ર અને રાજ્યના ગૃહપ્રધાનોના સહયોગથી કાર્યવાહી કરવામાં આવશે.
મંગલ પ્રભાત લોઢા
મુંબઈ સહિત ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરીને ફેલાઈ જવાની સાથે મતદારયાદીમાં પોતાનાં નામ સામેલ કરાવી લેનારા બંગલાદેશી રોહિંગ્યાઓને હાંકી કાઢવા માટેનું અભિયાન ચલાવવા મુંબઈ સબર્બ્સમાં એક વિશેષ ટીમની સ્થાપના કરવામાં આવશે. આ વિશે મુંબઈ સબર્બ્સના પાલક પ્રધાન અને મલબાર હિલ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘રોહિંગ્યાઓની સતત વધી રહેલી ગેરકાયદે વસતિ પોલીસની સાથે સમાજ માટે માથાનો દુખાવો બની ગઈ છે. તેઓ ગુના કરવાથી માંડીને ડ્રગ્સનો વેપાર કરે છે અને તેમનાં નામ મતદારયાદીમાં સામેલ થઈ ગયાં છે એટલે મતદાન પણ કરે છે. આવા રોહિંગ્યાઓનાં નામ મતદારયાદીમાંથી દૂર કરવા માટે ચૂંટણીપંચને પત્ર લખ્યો છે. આ સિવાય મુંબઈમાં રોહિંગ્યાઓને શોધીને હાંકી કાઢવા માટે એક ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં કોણ સામેલ કરવામાં આવ્યા છે અને એ કેવી રીતે કામ કરશે એની રૂપરેખા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ ગંભીર બાબત છે એટલે કેન્દ્ર અને રાજ્યના ગૃહપ્રધાનોના સહયોગથી કાર્યવાહી કરવામાં આવશે.’

