° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


ગર્વ કરો આ ગુજરાતીઓ પર : ભારતમાંય સ્પેસ ટૂરિઝમ હવે તો ડેવલપ થવું જોઈએ

21 November, 2022 09:02 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

આવું કહે છે ભારતના સૌપ્રથમ ખાનગી રૉકેટને અવકાશમાં મોકલનાર ટીમનો ભાગ મુલુંડનો પ્રતીક દેઢિયા

પ્રતીક દેઢિયા

પ્રતીક દેઢિયા

હાલમાં સ્કાયરૂટ ઍરોસ્પેસે ભારતનું પ્રથમ પ્રાઇવેટ રીતે બનાવેલું રૉકેટ વિક્રમ-એસ સબ-ઑર્બિટલ ફ્લાઇટમાં લૉન્ચ કર્યું હતું. આ રૉકેટ લૉન્ચની ટીમમાં મુંબઈનો ૩૦ વર્ષનો કચ્છી યુવાન પ્રતીક વસંત દેઢિયા પણ સામેલ હતો. ભવિષ્યમાં ભારત પણ ઓછા દરે સ્પેસ ટૂરિઝમનો વિકલ્પ ઊભો કરે એવી આ યુવાનની ઇચ્છા છે.

મુલુંડ-ઈસ્ટમાં રહેતા શ્રી કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના વસંત દેઢિયાનો સ્ટેનલેસ સ્ટીલ મૅન્યુફૅક્ચરિંગનો વ્યવસાય છે. તેમના દીકરા પ્રતીકને આ વ્યવસાયમાં જવાનો ક્યારેય વિચાર આવ્યો નહોતો. તેની દુનિયા સ્પેસ અને ઍસ્ટ્રોનોમીમાં બની ગઈ અને એમાં તેને રસ પડવા લાગ્યો હતો. તેને સ્પેસમાં કેવી રીતે રસ પડ્યો એવો સવાલ પૂછતાં પ્રતીકે હૈદરાબાદથી વાતચીત કરતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું ત્રીજા ધોરણમાં ભણતો હતો ત્યારે મમ્મી અગાસીમાં લઈ જતી અને ચાંદ-તારાની વાતો કરતી હતી. ઉપરાંત આકાશમાં ​થતી ગતિવિધિઓ વિશે કહેતી હતી. એમાં રસ વધતાં ટેલિસ્કોપ લીધું અને રાતના ત્રણ વાગ્યે ટેરેસ પર જઈને આકાશના તારાઓ અને એની ગતિવિધિ જોવા લાગ્યો હતો. પછી તો અનેક સવાલો ઊભા થયા કે ભારતમાં દિવસ તો અમેરિકામાં રાત કેમ? પૃથ્વી ગોળ કેમ હોય? સ્કૂલની બુક્સમાં પૃથ્વીનો ફોટો જોતાં એની અંદર બધું કેવું હશે એ જોવાની ઉત્સુકતા વધવા લાગી હતી. આ બધું જાણવાની જિજ્ઞાસા વધવા લાગી હતી.’

ભારતના આ પ્રાઇવેટ રૉકેટ વિશેની અમુક માહિતી આપતાં પ્રતીકે કહ્યું હતું કે ‘વિક્રમ-એસ સિંગલ સ્ટેજનું ઈંધણ રૉકેટ છે જેનો હેતુ આગામી વર્ષ માટે નિર્ધારિત વિક્રમ-૧ના પ્રક્ષેપણ પહેલાં સ્કાયરૂટ ઍરોસ્પેસના પ્રોજેક્ટમાં મોટા ભાગની સિસ્ટમો અને પ્રક્રિયાઓનું પરીક્ષણ કરવાનો છે. સ્કાયરૂટ ઍરોસ્પેસે એક ભારતીય સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ, ૧૮ નવેમ્બરે સવારે ૧૧.૩૦ વાગ્યે અવકાશમાં એનું પ્રથમ રૉકેટ લૉન્ચ કર્યું હતું. પ્રથમ વિક્રમ-શ્રેણીના વિક્રમ-એસ રૉકેટે શ્રીહરિકોટામાં ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન) લૉન્ચપૅડ પરથી ઉડાન ભરી હતી. ભારતમાં આ પ્રથમ ખાનગી રૉકેટ લૉન્ચિંગ હોવાથી સૌકોઈ ઉત્સાહિત હતા. આ પ્રક્ષેપણ પણ સબ-ઑર્બિટલ છે. એટલે કે વાહન બાહ્ય અવકાશમાં પહોંચશે, એ પૃથ્વીની આસપાસ ભ્રમણકક્ષામાં રહેશે નહીં. આશરે ૮૯ કિલોમીટરની ઊંચાઈ સ્પર્શીને નીચે આવ્યું હતું. ભવિષ્યમાં અમારી કંપની ચોથી શ્રેણીનું વિક્રમ-૧ જે ધરતીની આસપાસ ભ્રમણકક્ષા કરે એવું તૈયાર કરશે. કંપનીની ટીમે બે વર્ષ પહેલાં આ રૉકેટ પર કામ શરૂ કર્યું હતું.’

ભારતમાં પણ ઓછા દરે સ્પેસ ટૂરિઝમ વિકસે એવી ઇચ્છા વ્યક્ત કરતાં પ્રતીકે કહ્યું હતું કે ‘અન્ય દેશોની જેમ ભારત પણ કંઈ નવું લાવી રહી છે. જેમ અન્ય દેશો સ્પેસ ટૂરિઝમ એટલે મનુષ્યને સ્પેસ પર લઈ જઈને પાછા લાવે છે એ રીતે ભારત પણ સ્પેસ ટૂરિઝમ વિકસાવે એવી અતૂટ ઇચ્છા છે.’

પ્રતીકના પિતા વંસત દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રતીક અને તેની મમ્મી નાનપણથી રાતે ટેલિસ્કોપ લઈને જતાં હતાં અને મને પણ દેખાડતાં હતા. પ્રતીકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પેસ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી (આઇઆઇએસટી) – તિરુવનંતપુરમ ખાતે ઍરો ડાયનૅમિક્સ અને ફ્લાઇટ મેકૅનિક્સ એન્જિનિયર  એમ.ટેકનો અભ્યાસ કર્યો છે. તે ટૉપ સ્વિમર અને સ્કૂબા ડાઇવર પણ છે. તેની પાસે PADI કાર્ડ પણ છે. પ્રતીકે દેશભરમાં સમાજનું અને ભારતનું નામ રોશન કર્યું છે.’

21 November, 2022 09:02 AM IST | Mumbai | Priti Khuman Thakur

અન્ય લેખો

મુંબઈ સમાચાર

ક્યા કરેં, ક્યા ના કરેં

રેલવેએ ટ્રેનો શિફ્ટ કરતાં હવે ટ્રેન વલસાડથી રાતે બે વાગ્યે ઊપડતી હોવાથી સિનિયર સિટિઝનોને સામાન સાથે ઠંડીમાં બેસવું કે કેમ એની મૂંઝવણ તો થાઇલૅન્ડથી આવીને તરત જ શ્રીનાથજીનાં દર્શને જવા માગતા કપલને ચિંતા કે કેવી રીતે વલસાડ પહોંચવું

30 November, 2022 09:56 IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ સમાચાર

રેલવેએ એ ટ્રેનોનું બુકિંગ બંધ કરી દેવું જોઈતું હતું

બાંદરા ટર્મિનસ પાસે કામને કારણે ઘણી ટ્રેનો અન્ય સ્ટેશનોએ ઉપાડવાના કે ટર્મિનેટ કરવાના રેલવેના નિર્ણયથી પ્રવાસી અસોસિએશનો વીફર્યાં

29 November, 2022 10:04 IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ સમાચાર

માનવતા મરી પરવારી નથી

‘મિડ-ડે’ના અહેવાલનો પડ્યો પડઘો : વસઈના ગુજરાતી સિનિયર સિટિઝન દંપતીની મદદે અનેક લોકો આવ્યા: નિ:શુલ્ક મોતિયાનું ઑપરેશન કરાવી આપશે અને અન્ય મદદ પણ કરશે

23 November, 2022 09:35 IST | Mumbai | Priti Khuman Thakur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK