Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિધાનસભ્યોનું ફન્ડ સોસાયટીઓએ પોતાના વિકાસ માટે લેવું જોઈએ કે નહીં?

વિધાનસભ્યોનું ફન્ડ સોસાયટીઓએ પોતાના વિકાસ માટે લેવું જોઈએ કે નહીં?

28 June, 2022 01:04 PM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

રાજ્ય સરકારે જનપ્રતિનિધિઓને વિકાસનાં કામો માટે હાઉસિંગ સોસાયટીઓને તેમનું ભંડોળ આપવાની મંજૂરી આપી છે ત્યારે સોસાયટીઓના પદાધિકારીઓનું આ વિશે શું કહેવું છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્ય સરકારે મંગળવારે એક સરકારી ઠરાવ જાહેર કરીને જનપ્રતિનિધિઓને વિકાસનાં કામો માટે હાઉસિંગ સોસાયટીઓને ભંડોળ આપવાની મંજૂરી આપી છે. આ ઠરાવ મુજબ હવે મહારાષ્ટ્રના જનપ્રતિનિધિઓ વરસાદી પાણીના સંગ્રહના પ્રોજેક્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના, સોલર પૅનલ્સ, સીસીટીવી કૅમેરા, સોસાયટીની ફુટપાથનું કામ, ઓપન જિમ, ગાર્ડન જેવાં કામો માટે ફન્ડ આપી શકે છે.

વડગાંવશેરીના વિધાનસભ્ય સુનીલ ટીંગરેએ સરકારને વિનંતી કરી હતી કે ચૂંટાયેલા સભ્યોને તેમના વિકાસ-ભંડોળનો ઉપયોગ હાઉસિંગ સોસાયટીના વિકાસનાં કામો માટે કરવાની છૂટ આપવામાં આવે. સરકારે ઠરાવ પાસ કર્યો એ પહેલાં વિધાનસભ્યો, નગરસેવકો, નગરપરિષદના સભ્યો તેમનું ફન્ડ હાઉસિંગ સોસાયટીનાં વિકાસકાર્યો માટે ઉપયોગ કરી શકતા નહોતા.



જોકે આ માટે આ ઠરાવમાં અમુક દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે જેનું જનપ્રતિનિધિઓએ પાલન કરવું જરૂરી છે. ઠરાવ મુજબ જનપ્રતિનિધિઓ તેમના ફન્ડમાંથી ૭૫ ટકા ફન્ડ સોસાયટીનાં વિકાસકાર્યોમાં ખર્ચી શકે છે. બાકીનો ૨૫ ટકા ખર્ચ હાઉસિંગ સોસાયટીઓએ ભોગવવાનો રહેશે. લોકપ્રતિનિધિ દ્વારા તમામ કામગીરીની જવાબદારી હાઉસિંગ સોસાયટીઓએ લેવાની રહેશે. આદેશમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે એક વર્ષમાં એક જનપ્રતિનિધિ વિકાસનાં કામો માટે એક સોસાયટી પાછળ ૫૦ લાખ રૂપિયા અને ટોટલ વર્ષમાં અઢી કરોડનો ખર્ચ કરી શકે છે. આ સોસાયટીઓ પાસે ઑક્યુપન્સી સર્ટિફિકેટ હોવું આવશ્યક છે અને સોસાયટીનું ઑડિટ પૂરું કરવું આવશ્યક છે. કામ શરૂ કરવા માટે સોસાયટી પાસે તમામ દસ્તાવેજોની નકલો હાથમાં હોવી જોઈએ.


આ યોજનાને મુંબઈની બધી જ સોસાયટીઓએ આવકાર આપ્યો છે. આમ છતાં ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં સોસાયટીઓના પદાધિકારીઓએ કહ્યું હતું કે ‘આ યોજનામાં હજી વધુ અભ્યાસ અને સુવિધાની જરૂર છે. અત્યારે પણ વિધાનસભ્યો અને નગરસેવકો તેમની જે વોટ-બૅન્ક છે એ જ વિસ્તારમાં વિકાસનાં વધુ કાર્યો કરે છે. એવી જ રીતે તેઓ સોસાયટીઓમાં ભેદભાવ રાખીને તેમના ફન્ડનો ઉપયોગ કરવાની શકયતાઓ નકારી શકાતી નથી. જેમ સ્લમ વિસ્તારમાં વિધાનસભ્યો અને નગરસેવકો તેમના ૧૦૦ ટકા ફન્ડનો ઉપયોગ કરે છે એમ આમાં પણ સોસાયટીઓ પર ૨૫ ટકાની જવાબદારી ન નાખવી જોઈએ. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે બીજાં અનેક વિકાસકાર્યો એવાં છે જેમાં વિધાનસભ્યો તેમના ફન્ડનો ઉપયોગ કરી શકે છે. આથી તેમને સોસાયટીઓને ફન્ડ આપવાનું ટાળવું જોઈએ.’

સોસાયટીએ ૨૫ ટકા ફન્ડ આપવું જોઈએ એ શરત વાજબી નથી‍ : જયેશ પારેખ, ચૅરમૅન, અંબિકા સિદ્ધિ સોસાયટી, જગડુશાનગર, ઘાટકોપર અધ્યક્ષ, જગડુશાનગર રેસિડન્ટ્સ અસોસિએશન


અમે યોજનાનું સ્વાગત કરીએ છીએ. મકાનના રહેવાસીઓ જેઓ કરદાતા છે તેમને ઝૂંપડપટ્ટીની સરખામણીએ સરકારી ભંડોળનો કોઈ લાભ મળતો નહોતો. આ યોજનાએ હાઉસિંગ સોસાયટીઓના રહેવાસીઓના લાભ માટે દરવાજા ખોલ્યા છે. સ્કીમમાં ઘણા સુધારા કરવાની જરૂર છે અને એનો વ્યાપ વધારવો જોઈએ. દાખલા તરીકે સોસાયટીએ ૨૫ ટકા ફન્ડ વાપરવું જોઈએ એવી શરત વાજબી નથી, કારણ કે ઘણી નાની હાઉસિંગ સોસાયટીઓ પાસે એટલું ફન્ડ નથી. તેથી આ શરત દૂર કરવી જોઈએ. બીજું, ફ્લોરિંગ અને માળખાકીય સમારકામનો આ યોજનામાં સમાવેશ થવો જોઈએ. સારું ફ્લોરિંગ પાણી ભરાવાથી અને ઉંદરોથી બચાવી શકે છે. બીમ અને થાંભલાનું માળખાકીય સમારકામ ઇમારતોના પતનથી બચાવશે જે મૃત્યુનું કારણ બને છે. મારી સોસાયટીને આ યોજનાનો લાભ મળે તો સૌથી પહેલાં અમને અમારી સોસાયટીમાં નાનો બગીચો જોઈએ છે. અમારે રેઇન વૉટર હાર્વેસ્ટિંગ ફૅસિલિટી જોઈએ છે અને ઘનકચરાનું વિઘટન કરવા માટેનો એકમ અત્યારના સમયમાં અત્યંત જરૂરી છે. જગડુશાનગર માટે ખુલ્લા મેદાનમાં ઇલેક્ટ્રિક પોલની અને સીસીટીવી કૅમેરાની તાતી જરૂર છે; કારણ કે ઘણાં સમાજવિરોધી તત્ત્વો, ડ્રન્કરો અને ડ્રગિસ્ટો આ વિસ્તારમાં ઉપદ્રવ સર્જી રહ્યા છે. તેમનાથી મહિલાઓની સલામતી માટે આ જરૂરી છે. 

પૈસાનું દાન કરીને મત મેળવવાનો શૉર્ટકટ છે : રાજેશ કોઠારી મૅનેજિંગ કમિટીના મેમ્બર, પ્રેમ આશિષ સોસાયટી, ઘાટકોપર-વેસ્ટ

આ ઠરાવ બરાબર નથી. એ દેખાડે છે કે વિધાનસભ્યો પાસે કાં તો લોકોની ખરી સમસ્યાઓની સમજણ નથી અથવા તેમની સમસ્યાનો ઉકેલ લાવવાની નીયત નથી. તેઓ ફક્ત સરકાર તરફથી મળેલા ફન્ડને ગમે એ રીતે પોતાનું નામ અને મત મળે એ માટે વાપરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સોસાયટીને આ ફન્ડ આપવાની કે લેવાની કોઈ જરૂર નથી. આ ઠરાવ આવ્યા પહેલાંથી સરકારના પૈસાનો વેડફાટ આ રીતે તેઓ સોસાયટીને પૈસા આપીને વર્ષોથી કરી રહ્યા છે. હવે તેમણે ઠરાવ પાસ કરીને લેજિટિમેટ કર્યો છે. લોકોને સાચી સુવિધા આપવા માટે અને તેમની ખરી સમસ્યાઓનો ઉપાય કરવા માટે લોકપ્રતિનિધિ પાસે સમસ્યા કઈ છે એની સાચી સમજણ હોવી જરૂરી છે. કદાચ તેમને ખબર પણ છે, પણ તેઓ કામ કર્યા વગર ફક્ત કુપાત્રે પૈસાનું દાન કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માગે છે. ખરેખર કામ કરવાં હોય તો લોકોની સમસ્યાઓ ઢગલાબંધ છે. જેમ કે મોફા કાયદાનો કડક અમલ કરીને સોસાયટીને બિલ્ડર પાસેથી ઓસી કેમ નથી અપાવતા? અત્યારે સોસાયટીના મેમ્બરો ગાંઠનું ગોપીચંદન કરીને ડબલ વૉટર ટૅક્સ દર વર્ષે બીએમસીને આપે છે અને છેવટે કંટાળીને લાખો રૂપિયા ડીમ્ડ કન્વેયન્સ માટે એજન્ટને આપે છે. લોકોની સેવા કરવા તેમને પૈસા આપવા કરતાં લોકપ્રતિનિધિ પાસે સાચી નીયતની જરૂર વધારે છે. જોકે સાચું કામ કરવા મહેનત કરવી પડે છે. એ કરવાને બદલે પૈસાનું દાન કરીને મત મેળવવાનો આ શૉર્ટકટ છે. જોકે હવે લોકોમાં હવે જાગૃતિ આવી છે એટલે તેઓ છેતરાશે નહીં.

પોતાના વિસ્તારની સુધારણા માટે ફન્ડનો ઉપયોગ થવો જોઈએ : દિનેશ ઝાલા કમિટી મેમ્બર, રિવોના સોસાયટી,  હીરાનંદાની હેરિટેજ, કાંદિવલી-વેસ્ટ

મારા મતે આ સલાહભર્યું નથી. જે સોસાયટીઓ સક્ષમ છે તેમને આ ફન્ડ ન મળવું જોઈએ. જોકે એનો નિર્ણય વિધાનસભ્યના હાથમાં હોવાથી જે સોસાયટીઓ પર તેમનો હૉલ્ટ હશે એને તેઓ પ્રાયોરિટી આપશે. આમ અનેક સોસાયટીઓને અન્યાય થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. બીજું, આમાં એક મહત્ત્વની શરત એ છે કે જે સોસાયટીઓ પાસે ઓસી હોય તેમને જ આ ફન્ડ મળશે. આ કારણથી મુંબઈની હજારો સોસાયટીઓ આ યોજનાથી વંચિત રહી જશે. આ સિવાય વિધાનસભ્ય પાસે તેમના વિસ્તારની સુધારણા જેવી અનેક બાબતો છે જેમાં તેમણે તેમના ફન્ડનો ઉપયોગ કરવો જોઈએ. 

સોસાયટીના અટકેલા પ્રોજેક્ટ્સ પૂરા થશે : કેતન સંઘવી સેક્રેટરી, પ્રિયદર્શની મહિલા સોસાયટી, દાદર-વેસ્ટ

સરકાર તરફથી વિકાસનાં કાર્યોને વેગ આપવા માટે આ એક આવકારદાયક યોજના છે. આનાથી અનેક સોસાયટીઓને તેમની સોસાયટી માટેના વિકાસના પ્રોજેક્ટો પૂરા કરવામાં સરકાર અને વિધાનસભ્યો તરફથી સાથસહકાર મળશે અને તેમનાં કાર્યો પૂરાં થશે. અમારે ઘણા સમયથી અમારી સોસાયટીમાં સોલર પૅનલ અને ઓપન જિમની સુવિધા ઊભી કરવી છે, પરંતુ ફન્ડના કારણે અમે આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકવામાં અસમર્થ નીવડી રહ્યા હતા. હવે સરકારની આ યોજનાથી અમે અમારા વિધાનસભ્ય સાથે રહીને આ સુવિધાને આકાર આપી શકીશું.

આ ભંડોળ જૂની ઇમારતોના રિપેરિંગ માટે નિર્દેશિત હોવું જોઈએ : ચેતન શાહ મેમ્બર, બ્રિજભૂષણ સોસાયટી, સાયન-ઈસ્ટ

હાઉસિંગ સોસાયટી માટે વિધાનસભ્યનું ભંડોળ એક સારું પગલું છે. ખાસ કરીને દક્ષિણ મુંબઈ માટે, જ્યાં ઇમારતો ૧૫૦ વર્ષ જેટલી જૂની છે અને જમીનના માલિક કે ભાડૂતો પાસે સમારકામ કરવાની ક્ષમતા નથી. આવી ઇમારતોનો પુનઃ વિકાસ કરવાની જરૂર છે. મારા મતે આ ભંડોળ લૅન્ડલૉર્ડની આવી જૂની ઇમારતોના સમારકામ માટે નિર્દેશિત હોવું જોઈએ. ભાડૂતો ફાળો આપતા નથી, કારણ કે તેઓ મિલકતના માલિક નથી. ભંડોળનું કડકપણે ઑડિટ કરવું જોઈએ.  મકાનમાલિકોને તેમનાં મકાનો હવે ફરજિયાત ઓનરશિપ કરવાની ફરજ પાડવી જોઈએ. અમારા જ બિલ્ડિંગને ઓનરશિપ કર્યું છે, પણ હજી સુધી સોસાયટી ફૉર્મ થઈ ન હોવાથી અમે આવી યોજનાથી વંચિત રહી જવાના છીએ.

યોજના સારી છે, પણ ભ્રષ્ટાચારનો વ્યાપ વધશે : ઍડ્વોકેટ નીતિન નિકમ તિલકનગર રેસિડન્ટ્સ અસોસિએશનના અધ્યક્ષ

સરકાર દ્વારા આ એક ખૂબ જ સારી યોજના જાહેર કરવામાં આવી છે. જોકે એની બીજી બાજુ પણ છે. આ યોજનામાં ઉચ્ચ સ્તર પર ભેદભાવની શક્યતાઓ નકારી શકાતી નથી. વિધાનસભ્યોના મતવિસ્તારને ધ્યાનમાં લેતાં તેમના એક કાર્યકાળમાં તમામ સોસાયટીઓને આ યોજનાનો લાભ મળી શકે એવી શક્યતાઓ ઓછી છે. એને પરિણામે ભ્રષ્ટાચારનો વ્યાપ વધશે. વિધાનસભ્યના ભંડોળનો ઉપયોગ તેમના મતવિસ્તારની માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશન માટે થવો જોઈએ, હાઉસિંગ સોસાયટીઓ માટે નહીં. એને કારણે ઘણા વિવાદોમાંથી મુક્તિ મળશે. આ યોજનાથી સોસાયટીઓનો વિકાસ તેમને વિધાનસભ્યના ફન્ડ પર જ નિર્ભરતા તરફ દોરી જશે.

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2022 01:04 PM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK