Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિવાળી પહેલાં પાળ બાંધવાની તૈયારીઓ

દિવાળી પહેલાં પાળ બાંધવાની તૈયારીઓ

01 October, 2022 09:52 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ફેડરેશન તરફથી આજે સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટમાં સુધરાઈ અને મહારાષ્ટ્ર સરકારના ૨૨ ફેબ્રુઆરીના આદેશ પર સ્ટે આપવાની માગણી કરતી અરજી કરવામાં આવશે જેથી દુકાનદારોએ ‌‌દિવાળીમાં કોઈ ઇન્સ્પેક્ટર-રાજથી હેરાનગતિનો સામનો કરવો ન પડે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈ મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર સરકારે મરાઠી બોર્ડ માટે ૨૨ ફેબ્રુઆરીએ આપેલા આદેશને પડકારતી ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીને ગઈ કાલે દાખલ કરવામાં આવી હતી. આ અગાઉ મુંબઈ હાઈ કોર્ટે ફેડરેશનની અરજીને ફગાવી દીધી હતી. આ અરજી દાખલ થતાં જ હવે ફેડરેશન તરફથી આજે સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટમાં મરાઠી બોર્ડના મુદ્દે જ્યાં સુધી કોર્ટનો આખરી ફેંસલો ન આવે ત્યાં સુધી ફેબ્રુઆરીના આદેશ પર સ્ટે આપવાની માગણી કરતી અરજી કરવામાં આવશે. 

સ્ટે માગવામાં આવશે
ફેડરેશનના અધ્યક્ષ વીરેન શાહે આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મહાનગરપાલિકાએ દુકાનદારોને મરાઠી બોર્ડ મૂકવા માટે આપેલી સમયમર્યાદાની અંતિમ તારીખ હતી. આથી મહાનગરપાલિકા આજથી જે દુકાનદારોએ તેમની દુકાનોનાં નામ બીજી ભાષાની સરખામણીમાં મરાઠીમાં મોટા અક્ષરોથી લખ્યાં નહીં હોય તેમની સામે ગમે ત્યારે કાર્યવાહી શરૂ કરી શકે છે. આમ તો અમે અગાઉ જ મહાનગરપાલિકાને વિનંતી કરીને કહ્યું હતું કે તમે જ્યાં સુધી કોર્ટનો ફેંસલો ન આવે ત્યાં સુધી કોઈ પણ દુકાનદારો પર કાર્યવાહી શરૂ કરશો નહીં. આમ છતાં અમે પાણી આવે પહેલાં પાળ બાંધવા માટે આજે સુપ્રીમ કોર્ટમાં મહાનગરપાલિકા અને મહારાષ્ટ્ર સરકારના ૨૨ ફેબ્રુઆરીના આદેશ પર સ્ટે આપવાની માગણી કરતી અરજી કરીશું જેથી મુંબઈના દુકાનદારોને ‌‌દિવાળીના તહેવારો સમયે કોઈ ઇન્સ્પેક્ટર-રાજથી હેરાનગતિનો સામનો કરવો પડે નહીં.’



ફેડરેશને શું અરજી કરી છે?
જુલાઈ મહિનાનો મરાઠી બોર્ડનો કડક આદેશ દુકાનદારોના બંધારણીય હક પર તરાપ મારવા સમાન છે એવી ફેડરેશન તરફથી કરવામાં આવેલી અરજીને રિજેક્ટ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં વીરેન શાહે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠી બોર્ડના મુદ્દે ૧૭ માર્ચના સુધારા દ્વારા ૩૬-અની કલમ દાખલ કરવામાં આવી હતી જેને પડકારતી અરજી અમે હાઈ કોર્ટમાં કરી હતી. અગાઉનો નિયમ કલમ ૩૫ મુજબ હતો. જોકે હાઈ કોર્ટે અમારી અરજીમાં દુકાનદારો અને સંસ્થાનો પર મરાઠી બોર્ડ મૂકવા માટેના રાજ્ય સરકારના આદેશને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. હાઈ કોર્ટે એના આદેશમાં કહ્યું હતું કે દુકાનદારોને તેમના ડિસ્પ્લે બોર્ડ પર અન્ય કોઈ ભાષાનો ઉપયોગ કરવા પર કોઈ પ્રતિબંધ નથી અને ફેબ્રુઆરીના નિયમમાં માત્ર મરાઠીમાં દુકાનનું નામ દર્શાવવાનું ફરજિયાત છે.’


ફેડરેશનને એની અરજીમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ્સ (રેગ્યુલેશન ઑફ એમ્પ્લૉયમેન્ટ ઍન્ડ કન્ડિશન્સ ઑફ સર્વિસ) ઍક્ટ, ૨૦૧૭માં થયેલા સુધારાને પડકારવામાં આવ્યો હતો, જે મુજબ તમામ દુકાનો અને સંસ્થાઓએ તેમનાં નામનાં સાઇનબોર્ડ મરાઠીમાં દર્શાવવાનાં રહેશે, જેના ફૉન્ટ સમાન હશે. 

ફેડરેશને કહ્યું હતું કે આ બંધારણની કલમ ૧૩ (મૂળભૂત અધિકારો સાથે અસંગત અથવા અપમાનજનક કાયદા), ૧૯ (ભાષણની સ્વતંત્રતા સંબંધિત અમુક અધિકારોનું રક્ષણ) અને ૨૧ (જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ)નું ઉલ્લંઘન છે.


‌સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
હાઈ કોર્ટના આદેશ પછી એને ચૅલેન્જ કરવા માટે અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી એમ જણાવીને વીરેન શાહે કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના ૨૩ ફેબ્રુઆરીના આદેશને માન્ય રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરતાં કહ્યું હતું કે રિટ પિટિશન અને એસએલપી સાથે જોડાયેલો મુદ્દો છે. હવે બે જોડાયેલી બાબતોને એકસાથે ઉઠાવવામાં આવશે. સુધારાની બંધારણીયતાને પડકારતી રિટ દાખલ કરવામાં આવી હોવાથી કોઈ સ્ટે માટે પ્રાર્થના થઈ શકે નહીં, કારણ કે એ એસએલપીનો વિષય છે. ઉલ્લખેનીય છે કે સુપ્રીમ કોર્ટે ૨૨ જુલાઈએ એસએલપીમાં રાજ્ય સરકાર અને સંબંધિત લોકો પાસેથી જવાબ માગ્યો છે. જોકે રાજ્ય સરકાર, મુંબઈ મહાનગરપાલિકા, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને અન્યોને નોટિસ જારી કરી હતી. આ બધાએ મરાઠી બોર્ડના આદેશને પાછો ખેંચવાનો ઇનકાર કર્યો હતો. જોકે ગઈ કાલ સુધી એસએલપીમાં જારી કરાયેલી નોટિસનો હજી સુધી જવાબ આપ્યો નથી જેને કારણે આ મામલાની સુનાવણીમાં વિલંબ થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને ફેડરેશન કનેક્ટેડ એસએલપીમાં સ્ટે અરજીનો ઉમેરો કરશે, કારણ કે મરાઠી સાઇનબોર્ડના આદેશનું પાલન કરવાની અંતિમ તારીખ ગઈ કાલે સમાપ્ત થઈ ગઈ છે.’

મહારાષ્ટ્ર સરકારનો આદેશ શું છે? 
મુંબઈની દુકાનો માટે મરાઠી સાઇનબોર્ડ્સ ફરજિયાત બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે મરાઠીમાં ફૉન્ટ સાઇઝ અન્ય ભાષાઓના ફૉન્ટ્સ કરતાં મોટી હોવી જોઈએ, જેનો અનેક વેપારી સંગઠનો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. એને પરિણામે મહાનગરપાલિકાએ આ બાબતે દુકાનદારોને આજ સુધીની સમયમર્યાદા આપી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2022 09:52 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK