શ્રદ્ધા વાલકર હત્યાકેસમાં દિલ્હી પોલીસે ગઈ કાલે ૬૬૨૯ પાનાંની ચાર્જશીટ સાકેત કોર્ટમાં દાખલ કરી હતી.

શ્રદ્ધા તેના ફ્રેન્ડને મળી એટલે ગિન્નાયેલા આફતાબે ગુસ્સામાં આવી તેની હત્યા કરી હતી
મુંબઈ ઃ શ્રદ્ધા વાલકર હત્યા કેસમાં દિલ્હી પોલીસે ગઈ કાલે ૬૬૨૯ પાનાંની ચાર્જશીટ સાકેત કોર્ટમાં દાખલ કરી હતી. દિલ્હી પોલીસે કેસના આરોપી આફતાબ પૂનાવાલાને કોર્ટમાં વિડિયો કૉન્ફરન્સિંગથી હાજર કર્યો હતો. કોર્ટે તેની જેલ-કસ્ટડી ૭ ફેબ્રુઆરી સુધી લંબાવી છે. જોકે ૭ ફેબ્રુઆરીએ તેને ફિઝિકલી કોર્ટમાં હાજર કરવાનું પોલીસને જણાવ્યું છે.
જૉઇન્ટ સીપી સધર્ન રેન્જ દિલ્હી મીનુ ચૌધરીએ આ સંદર્ભે કહ્યું છે કે ‘જે દિવસે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી એ દિવસે શ્રદ્ધા તેના એક ફ્રેન્ડને સવારે મળી હતી, જેની જાણ આફતાબને થતાં તે ગુસ્સે થયો હતો અને એથી તેણે શ્રદ્ધાની હત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે.’
આ પણ વાંચો:મહારાષ્ટ્ર: માનસિક વિકલાંગ બાળકી પર શૌચાલયમાં બળાત્કાર, ત્રણ સગીર આરોપીની અટકાયત
દરમ્યાન ગઈ કાલે આફતાબે જજને પૂછ્યું હતું કે શું તેને ચાર્જશીટની કૉપી મળી શકે? અને જો મળવાની હોય તો એ તેના હાલના વકીલને મળે, કારણ કે તે પોતાનો વકીલ બદલાવવા માગે છે. કોર્ટે તેની એ વાત નોંધી હતી અને ચાર્જશીટની દખલ ૭ ફેબ્રુઆરીએ જ લેવામાં આવશે, એમ જણાવ્યું હતું.