Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક જ પક્ષના સ્થાપનાદિવસની બે ઉજવણીમાં થયો સામસામો તોપમારો

એક જ પક્ષના સ્થાપનાદિવસની બે ઉજવણીમાં થયો સામસામો તોપમારો

20 June, 2024 09:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકસભાના જંગ પછી પહેલી વાર બન્ને શિવસેનાના ચીફ આમનેસામને

એકનાથ શિંદે (તસવીરઃ અતુલ કાંબળે), ઉદ્ધવ ઠાકરે (તસવીરઃ સૈયદ સમીર અબેદી)

એકનાથ શિંદે (તસવીરઃ અતુલ કાંબળે), ઉદ્ધવ ઠાકરે (તસવીરઃ સૈયદ સમીર અબેદી)


ઉદ્ધવ ઠાકરેને ઍલર્જી થઈ ગઈ છે હિન્દુત્વની : એકનાથ શિંદે


શિવસેનાના સ્થાપનાદિનની ઉજવણી શિવસેના દ્વારા વરલીના નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયાના ડોમમાં કરવામાં આવી હતી. એમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હાલમાં જ થયેલી લોકસભાની ચૂંટણીમાં જીતેલા ઉમદવારોનો સત્કાર કર્યો હતો. શિવસૈનિકોને સંબોધતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘બાળાસાહેબે સ્થાપેલી શિવસેનાના કેન્દ્રસ્થાને મરાઠી માણૂસ હતો. શિવસેના આખા દેશમાં હિન્દુત્વનું સમર્થન કરનારા પક્ષ તરીકે લોકપ્રિય થઈ. શિવસેના થાણે, કલ્યાણ, કોંકણ, અહમદનગરમાં ફેલાઈ અને આ બધા એના ગઢ છે. કોઈ કહેતું હતું કે થાણે અને કલ્યાણમાં શિવસેના પડી જશે. તો તેમને જણાવીએ કે થાણે અને કલ્યાણમાં બે-બે લાખથી વધુ મત મેળવી વિજય મેળવ્યો છે. આ વિજય લાચારીથી નહીં, આપણા દમ પર મેળવ્યો છે. થાણે, કલ્યાણ અને કોંકણમાંથી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) સાફ થઈ ગઈ. છત્રપતિ સંભાજીનગરમાંથી પણ એ સાફ થઈ ગઈ. મુંબઈમાં ચાર બેઠક શા માટે ગઈ એ મારે કહેવાની જરૂર નથી, બધાને ખબર છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે- UBT)નો સ્ટ્રાઇકરેટ ૪૨ છે તો આપણો ૪૭ ટકા છે. આપણે તેમના કરતાં સારું પ્રદર્શન કર્યું છે. ખરી શિવસેના કઈ એ જનતાએ જ કહી દીધું છે.’      એકનાથ શિંદેએ બીજું શું-શું કહ્યું...
* બાળાસાહેબ ભાષણની શરૂઆત કરતી વખતે તમામ હિન્દુ બાંધવાનો એમ કહેતા, પણ આજે વર્ધાપનના દિને ઉદ્ધવ ઠાકરેએ હિન્દુ બાંધવાનો બોલવાનું ટાળ્યું. ક્યાં ગયું તમારું હિન્દુત્વ? મત માટે આવી તે કેવી લાચારી? ધનુષબાણ ઉપાડવાની તાકાત કાંડામાં હોવી જોઈએ અને એ આપણી શિવસેનામાં છે એટલે જ લોકોએ આપણને મત આપ્યા છે. ઉદ્ધવ ઠાકરેને હિન્દુત્વની ઍલર્જી થઈ છે. તેમણે બાળાસાહેબના વિચારોને તિલાંજલિ આપી, તેમના વિચારોને ઠોકરો મારી. તેમને હિન્દુત્વની શરમ આવે છે. 
* આપણે લોકસભાની ૭ બેઠકો જીત્યા. હજી ત્રણ-ચાર બેઠકો જીતી શક્યા હોત. આપણે છ જગ્યાએ હારી ગયા. એ શા માટે હાર્યા એમાં બહુ નહીં જાઉં. આપણે મહાયુતિને મજબૂત કરવાની છે, પાછળનું બધું ભૂલીને આગળ વધવાનું છે. મહાયુતિમાં હું મુખ્ય પ્રધાન છું એટલે મારી જવાબદારી સૌથી વધુ છે. તમારા સાથ સાથે એ જવાબદારી પાર પાડીશ એવું હું બધાને વચન આપું છું. 
* કૉન્ગ્રેસની ખૂંટીએ બંધાયેલી શિવસેનાને છોડાવવા, બાળાસાહેબના વિચારોને અકબંધ રાખવા આપણે એ પગલું લીધું. બે વર્ષ પહેલાં આપણે જે નિર્ણય લીધો એના પર ખરા અર્થમાં ચૂંટણીમાં લોકોએ સિક્કો મારીને પાકો કર્યો. મતદારોએ જે વિશ્વાસ આપણા પર મૂક્યો છે એમાં કોઈ તડ નહીં પડે એવું હું વચન આપું છું.
* ઠાકરે જૂથને મુંબઈમાં કોણે મત આપ્યા એ જગજાહેર છે. તેમની શોભાયાત્રાઓમાં  પાકિસ્તાનના લીલા ઝંડા ફરકતા હતા. મત મેળવવા ક્યાંથી ફતવા બહાર પડ્યા હતા એ કહેવાની જરૂર નથી. ઓવૈસી કરતાં ઠાકરે જ તેમના મસીહા છે એવું તેમને લાગવા માંડ્યું છે. 
* વરલીમાં જેમતેમ ૬૦૦૦ની લીડ તેમને મળી છે. એથી હવે પછી આદિત્ય ઠાકેરએ ભીંડીબજાર જેવો મતદાર-સંઘ સિલેક્ટ કરવો પડશે. 


મારામાં આત્મવિશ્વાસ, નરેન્દ્ર મોદીમાં અહંકાર : ઉદ્ધવ ઠાકરે

શિવસેનાના સ્થાપનાદિને ગઈ કાલે ષણ્મુખાનંદ હૉલમાં શિવસૈનિકોને સંબોધતાં ઉદ્વવ ઠાકરેએ તેમને મત આપનારા બધા લોકોનો આભાર માન્યો હતો. એમાં તેમણે હિન્દુ, દલિત, બૌદ્ધ, સિખ, મુસ્લિમ, ​ક્રિ​શ્ચિયન એમ સર્વધર્મના લોકોનો આભાર માન્યો હતો. લોકસભાની ચૂંટણી બાદ પહેલી જ વાર જાહેર કાર્યક્રમમાં બોલી રહેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘મને બાળાસાહેબે શીખવ્યું હતું કે આત્મવિશ્વાસ હોવો જોઈએ. જો એ હશે તો દુનિયાના કોઈ પણ ખૂણે તમે ​વિજયી બની શકશો. મારામાં આત્મવિશ્વાસ છે કે હું તેમને હરાવી શકું છે. જોકે આત્મવિશ્વાસ અને અહંકારમાં બહુ પાતળી ભેદરેખા છે. ‘હું કરી શકું છું’ એ આત્મવિશ્વાસ છે અને ‘માત્ર હું જ કરી શકું છું’ એ અહંકાર છે અને મોદીમાં અહંકાર છે. ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ થઈ ગયા બાદ તેમની સાન ઠેકાણે આવી ગઈ છે. એથી ભારતીય જનતા પાર્ટી (BJP) અલગ જ તૂત ચલાવ્યું કે હવે ઉદ્ધવ ઠાકરે નૅશનલ ડેમોક્રૅટિક ફ્રન્ટ સાથે જોડાવા માગે છે. હું તમને શિવસૈનિકોને પૂછું છું કે શું આપણે તેમની સાથે જવું જોઈએ?’


ત્યારે શિવસૈનિકોએ ‘ના’માં જવાબ આપ્યો હતો. 

ઉદ્ધવ ઠાકરે બીજું શું-શું બોલ્યા...
* હું શિંદે અને BJPને કહીશ કે બાળાસાહેબની તસવીર ન લગાડતા. શિવસેનાનું નામ અને ચિહ‍્ન છોડીને અમારી સામે લડે, અમે તેમને દેખાડી દઈશું.  
* એવું કહેવાઈ રહ્યું છે કે શિવસેના મુ​સ્લિમોના મતોથી જીતી છે. હા, અમને તેમના મત મળ્યા છે. શિવસેનાને બધા જ દેશભક્તોના મત મળ્યા છે. ચંદ્રાબાબુ અને નીતીશકુમાર શું હિન્દુત્વવાદી છે? મોદીને કહું છું કે જાઓ અને આંધ્રમાં ચૂંટણી પહેલાં ચંદ્રાબાબુએ અને ​બિહારમાં નીતીશકુમારે મુસલમાનોને જે વચનો આપ્યાં છે એ પૂરાં કરો. અમે પાછળથી વાર કરનારા નથી. અમે જે કરીશું એ સામી છાતીએ કરીશું. 
* તમે એમ કહો છો કે અમે શહેરી નક્સલવાદ કરીએ છીએ. જોકે તમે સત્તાનો દુરુપયોગ કરી, દમદાટી કરી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)નો ડર બતાવી, પૈસા આપીને બીજા પક્ષના નેતાઓને પોતાના પક્ષમાં લો છો અને ત્યાર બાદ તેમને પદ પણ આપો છો. તો એ શું શહેરી નક્સલવાદ નથી?  
* હવે લડાઈ શરૂ થઈ છે. છેલ્લો વિજય ન મળે ત્યાં સુધી રોકાવાનું નથી. કાયદેસરની શિવસેના બાબતે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. હું સુપ્રીમ કોર્ટને વિનંતી કરું છું કે આ બાબતે હવે કેટલી વાર લાગવાની છે. આ લડાઈ (પક્ષની કાયદેસરતાની) વ્યક્તિગત નથી, બંધારણને બચાવવાની છે. 

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2024 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK