શિવસેનાએ પાર્ટીના તમામ બળવાખોર ધારાસભ્યોને પરત ફરવા અપીલ કરી છે. પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું કે અમે મહાવિકાસ અઘાડી સરકારથી પોતાને અલગ કરીશું, પરંતુ પહેલા બળવાખોર ધારાસભ્યોએ ગુવાહાટીથી મુંબઈ પરત આવવું જોઈએ.

ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્ર કેબિનેટ મંત્રી અને શિવસેના નેતા એકનાથ શિંદેના બળવાને કારણે રાજ્યના રાજકારમાં ધમાસાણ મચી છે. એવામાં શિવસેનાએ પાર્ટીના તમામ બળવાખોર ધારાસભ્યોને પરત ફરવા અપીલ કરી છે. પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું કે અમે મહાવિકાસ અઘાડી સરકારથી પોતાને અલગ કરીશું, પરંતુ પહેલા બળવાખોર ધારાસભ્યોએ ગુવાહાટીથી મુંબઈ પરત આવવું જોઈએ. આ પહેલા રાઉતે પોતાના ધારાસભ્યોને વ્હોટ્સએપ અને ટ્વીટને બદલે સામસામે બેસવાનું કહ્યું હતું. શિવસેનાના બે બળવાખોર ધારાસભ્યો પરત ફર્યા બાદ સંજય રાઉતે પીસીને કહ્યું કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો 24 કલાકમાં પાછા ફરે. અમે મહાવિકાસ અઘાડીમાંથી બહાર આવવાનું વિચારીશું.
MVAમાંથી બહાર નીકળવાનું વિચારશે
રાઉતે કહ્યું, "આ લોકો (ટીમ શિંદે)માં મુંબઈ આવવાની હિંમત નથી. તેઓએ અહીં આવીને જે કહેવું હોય તે કહેવું જોઈએ. અહીં આવો અને પત્રવ્યવહાર કરો. પરંતુ આ બધા લોકો ગુવાહાટીમાં બેસીને વાત કરી રહ્યા છે. જો તમારામાં હિંમત છે તો મુંબઈ પાછા આવો. તમારી વાત ઉદ્ધવ ઠાકરે સામે મૂકો. મને ખાતરી છે કે તમારી વાત સાંભળવામાં આવશે. 24 કલાકમાં પાછા આવો. MVAમાંથી બહાર નીકળવાનું વિચારીશું."
પીસી દરમિયાન સંજય રાઉતે કહ્યું, "ટીમ શિંદેના 21 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. અમારા ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે." અહીં પાછા ફરેલા શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખે કહ્યું કે, "સુરતમાં ઘણી પોલીસ સુરક્ષા હતી. મને બળજબરીથી સુરત લઈ જવામાં આવ્યો હતો. તે જ સમયે કૈલાશ પાટીલે કહ્યું કે, "મને સુરતમાં કેદ રાખવામાં આવ્યો હતો. એક કિલોમીટર દોડીને ચુંગાલમાંથી ભાગી છૂટ્યો હતો." ઘણા ધારાસભ્યો મજબૂરીના કારણે મુંબઈ પરત ફરી શક્યા નથી.
અહીં, સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં મુખ્યમંત્રી આવાસ વર્ષા પરત ફરશે. ફ્લોર ટેસ્ટ થશે તો અમે જીતીશું કારણ કે અમારા ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે. અમે વર્તમાન સરકારમાંથી બહાર નીકળવા તૈયાર છીએ. પણ તમારી જે માંગણી છે તે મુંબઈ આવીને કહો કે જો તમે સાચા શિવસૈનિક છો તો મુંબઈ પાછા ફરો.