પહેલાં વધારાની સિક્યૉરિટી લેવાની ના પાડી દેનારા શરદ પવારે હવે કેન્દ્ર સરકાર સમક્ષ વિચિત્ર શરત મૂકી : મરાઠા નેતાને શંકા છે કે સરકાર જાસૂસી કરવા માટે આ સિક્યૉરિટી આપી રહી છે
શરદ પવાર
કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા શરદ પવારને જીવનું જોખમ હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવાની ઑફર કરી છે, પણ શરદ પવારે આ સિક્યૉરિટી લેવાની ના પાડી હતી. જોકે બે દિવસ પહેલાં કેન્દ્રના ગૃહવિભાગના ઑફિસરોએ શરદ પવારને મળીને તેમની સાથે આ વિશે ચર્ચા કર્યા બાદ શરદ પવારે અધિકારીઓને કહ્યું હતું કે તેઓ તેમની શરતે સિક્યૉરિટી સ્વીકારવા વિચારશે.
શરદ પવારે ગૃહ વિભાગના અધિકારીઓને એવું કહ્યું હોવાનું કહેવાય છે કે ‘ઝેડ પ્લસના ગાર્ડ્સ કરતા રાજ્યના સરકારના ગાર્ડ્સ આગળ રહેશે, ઘર અને ઑફિસમાં કેન્દ્રના ગાર્ડ્સને પ્રવેશ નહીં અપાય અને પોતાના પ્રાઇવેટ વાહનોમાં આ ગાર્ડ્સ પ્રવાસ નહીં કરી શકે.’
ADVERTISEMENT
ગૃહવિભાગને આ શરતો મંજૂર હોય તો જ તેઓ આ બાબતે નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શરદ પવારને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવાનો આદેશ આપ્યો હતો. જોકે શરદ પવારે કેન્દ્ર સરકાર સુરક્ષા માટે નહીં પણ જાસૂસી કરવા માટે ઝેડ પ્લસ સિક્યૉરિટી આપી રહી હોવાનું કહ્યું હતું.
વખતોવખત હોમ મિનિસ્ટ્રી દ્વારા દેશની મહત્ત્વની વ્યક્તિઓના માથે રહેલા જોખમનો રિવ્યુ કરવામાં આવે છે અને એને આધારે સરકાર જે-તે વ્યક્તિની સિક્યોરિટીમાં વધારે કે ઘટાડો કરતી હોય છે. ઝેડ-પ્લસ સિક્યોરિટીમાં નૅશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને પોલીસના કુલ ૫૫ જવાનોનો કાફલો હોય છે.