Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વૅક્સિનેશન હવે ભગવાન ભરોસે

વૅક્સિનેશન હવે ભગવાન ભરોસે

08 May, 2021 09:02 AM IST | Mumbai
Rohit Parikh, Priti Khuman Thakur

ગઈ કાલથી રજિસ્ટ્રેશન વગર વૅક્સિન આપવાનું બંધ કરવાના બીએમસી કમિશનરના ફતવાની આ છે સાઇડ ઇફેક્ટ: નો રજિસ્ટ્રેશન, નો વૅક્સિનના આદેશને લીધે હવે વૅક્સિનેશન ઉપરવાળાને ભરોસે ચાલે છે એવું ગુસ્સે ભરાયેલા લોકોનું કહેવું છે

દહિસર જમ્બો કોવિડ સેન્ટરના એન્ટ્રી પૉઇન્ટ પર રજિસ્ટ્રેશન કરનારને જ અંદર જવા દેવામાં આવી રહ્યા હોવાથી ભારે ગિરદી થઈ હતી

દહિસર જમ્બો કોવિડ સેન્ટરના એન્ટ્રી પૉઇન્ટ પર રજિસ્ટ્રેશન કરનારને જ અંદર જવા દેવામાં આવી રહ્યા હોવાથી ભારે ગિરદી થઈ હતી


છેલ્લા થોડા દિવસથી મુંબઈનાં વૅક્સિન સેન્ટરો પર થઈ રહેલી અફરાતફરીને ટાળવા મહાનગરપાલિકાએ ગુરુવારે રાતના અચાનક ૪૫થી ઉપરની વયના લોકોના સેકન્ડ ડોઝ માટે ઍડ્વાન્સમાં ઑનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું હતું. એને પરિણામે વૅક્સિન સેન્ટરો પર સવારના પાંચ વાગ્યાથી સેકન્ડ ડોઝ માટે લાંબી કતારોમાં ઊભા રહેલા સિનિયર સિટિઝનોએ ખાલી હાથ ઘરવાપસી કરવી પડી હતી. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ આદેશને કારણે કોવિડ સાઇટ પર ઓવરલોડ થવાથી લોકોની રજિસ્ટ્રેશન માટે કોવિન સાઇટ ખૂલતી નહોતી. આથી સિનિયર સિટિઝનોમાં આક્રોશ ફેલાયો હતો.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ગુરુવારે મોડી રાતના બહાર પાડેલા એક આદેશમાં જણાવ્યું હતું કે ‘મુંબઈનાં વૅક્સિન સેન્ટરો પર ભીડ થવાથી કોવિડના સોશ્યલ ડિસ્ટન્સિંગની જાળવણી થતી નથી. આથી કોવિડના નિયમો સાથે વૅક્સિન સેન્ટરો પર લોકોને વૅક્સિન આપી શકાય એ માટે કોવિશીલ્ડનો બીજો ડોઝ લેનારી ૪૫થી વધુ ઉંમરની વ્યક્તિઓ માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન જરૂરી છે. જોકે કોવૅક્સિનનો બીજો ડોઝ લેવા જનારી વ્યક્તિઓ તેમના પ્રથમ ડોઝનું સર્ટિફિકેટ વૅક્સિન સેન્ટરના પ્રવેશ સમયે બતાવવાથી બીજો ડોઝ લઈ શકશે. બધાં વૅક્સિન સેન્ટરોએ આ નિયમોનું પાલન કરવાનું રહેશે. લોકોના પ્રવેશ સમયે જ તેમણે અપૉઇન્ટમેન્ટ લીધી છે કે નહીં એની તપાસ કરી લેવી જરૂરી છે. આ સિવાય કૅટેગરી પ્રમાણે બધાં સેન્ટરો પર કતારો લગાવવાની રહેશે.’



મહાનગરપાલિકાના આ આદેશ સામે અનેક સવાલો ઊભા થયા છે. સૌથી પહેલો સવાલ છે કે શું જેના પહેલા ડોઝને છથી આઠ અઠવાડિયાંનો સમય વીતી ગયો છે તેમને તેમના સમયે બીજા ડોઝ માટે સમયસર અપૉઇન્ટમેન્ટ મળી શકશે? શું સર્વર આમાં સાથ આપશે? ચારે બાજુ વૅક્સિનની શૉર્ટજ છે ત્યારે કોઈ પણ વૅક્સિન સેન્ટરના વ્યવસ્થાપકો કેવી રીતે અપૉઇન્ટમેન્ટ આપી શકશે?


આ સંદર્ભમાં ગઈ કાલે બીકેસીના વૅક્સિન સેન્ટરમાં વૅક્સિન લેવા ગયેલા અને રજિસ્ટ્રેશન ન હોવાથી ઘરે પાછા ફરેલા બોરીવલીના સિનિયર સિટિઝન વેપારી અશોક દોશીએ આક્રોશભર્યા અવાજમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવા આદેશથી અજાણ હોવાથી હું અને મારી પત્ની ગઈ કાલે બીકેસીના વૅક્સિન સેન્ટર પર અમારો બીજો ડોઝ લેવાનો હોવાથી વહેલી સવારે પહોંચી ગયાં હતાં. ત્યાં અમારા પહેલાં જ લાંબી લાઇન લાગી ગઈ હતી. ત્યાં પહોંચ્યા પછી અમને ખબર પડી કે અમને ઑનલાઇન રજિસ્ટ્રેશન વગર વૅક્સિનનો બીજો ડોઝ મળશે નહીં. અમારી સામે જ અનેક લોકો તેમનું રજિસ્ટ્રેશન તેમના મોબાઇલથી કરતા હતા. જોકે અમને બન્નેને કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું એ આવડતું ન હોવાથી અમે બાંદરાથી બોરીવલી પાછા આવી ગયા હતા. અમને એ ખબર નથી કે અમને પહેલો ડોઝ લીધાને છ વીક થઈ ગયાં છે તો હવે બીજો ડોઝ મળશે કે નહીં અને મળશે તો એ લાભકર્તા નીવડશે કે નહીં?’

બોરીવલીના દોશી દંપતી જેવી જ હાલત ગઈ કાલે રાજાવાડી હૉસ્પિટલમાં વૅક્સિનનો બીજો ડોઝ લેવા ગયેલાં ૭૦ વર્ષનાં સુલોચના વ્યાસની હતી. સુલોચનાબહેન તેમના અન્ય પાડોશીઓ સાથે ગઈ કાલે સવારે પાંચ વાગ્યે રાજાવાડી હૉસ્પિટલમાં પહોંચ્યાં હતાં. આ બાબતની માહિતી આપતાં સુલોચનાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા જેવા અનેક લોકો વહેલી સવારે આવીને લાઇનમાં ઊભા રહી ગયા હતા. હૉસ્પિટલમાં ક્યાંય નોટિસ બોર્ડ મારીને એવું જણાવાયું નહોતું કે જેમણે રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમને વૅક્સિનનો બીજો ડોઝ નહીં મળે. અમને અંદાજે દસ વાગ્યે ખબર પડી કે અમારું ઑનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. અમને એક પણ મહિલાઓને ઑનલાઇન રજિસ્ટ્રેશન કરતાં આવડતું નહોતું એટલે અમને ટોકન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને ઘરે પાછા જતા રહેવાની ફરજ પાડવામાં આવી હતી. અમને ખબર નથી કે હવે અમને ક્યારે બીજો ડોઝ મળશે.’


મહાનગરપાલિકા કે પ્રશાસને કોઈ પણ નિયમોમાં ફેરફાર કરવા માટે થોડોક સમયગાળો રાખવો જોઈએ એમ જણાવતાં દાદરના રહેવાસી અમૃત વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અડધી રાતે નિર્ણય લઈને બીજા દિવસે સવારે અમલીકરણ કરવાથી વૅક્સિન લેવા ગયેલા ૪૫થી વધુની ઉંમરના લોકોને શારીરિક અને માનસિક ત્રાસ ભોગવવો પડ્યો હતો. સરકારે પહેલાં રજિસ્ટ્રેશન ન થાય સુધી વૅક્સિન બંધ કરવી જોઈતી હતી. અત્યારે તો કોવિન સાઇટ ઓવરલોડ થવાથી ખૂલતી જ નથી. બીજું, હૉસ્પિટલોને ક્યાં ખબર છે કે ક્યારે કેટલો વૅક્સિનનો સ્ટોક આવશે? તેઓ કયા આધારે અપૉઇન્ટમેન્ટ અને સ્લૉટ આપવાનું નક્કી કરશે?’

ઘાટકોપર (વેસ્ટ)ના ૬૯ વર્ષના અશોક તન્નાને ગઈ કાલે થયેલો અનુભવ જાણવા જેવો છે. અશોક તન્નાએ તેમના અનુભવની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રશાસને આદેશ તો બહાર પાડી દીધો અને આ બાબતની જાણકારી આમજનતા સુધી પહોંચે એ પહેલાં જ એનું અમલીકરણ શરૂ કરી દીધું. એને કારણે મારા જેવા સેંકડો લોકોએ રાજાવાડી હૉસ્પિટલથી ઘરે પાછા જવું પડ્યું હતું. મારા પુત્રએ હૉસ્પિટલની લાઇનમાં ઊભા રહીને સવારના ૯.૩૦ વાગ્યાથી રજિસ્ટ્રેશન કરવાની શરૂઆત કરી હતી. જોકે ગઈ કાલ સાંજ સુધી ઍપ પર સેકન્ડ ડોઝના રજિસ્ટ્રેશન માટેનો કોઈ ઑપ્શન જ નહોતો. કોવિન પર ૭ મેનો કોઈ સ્લૉટ બતાવતા જ નથી. દરેક હોસ્પિટલ તેને વૅક્સિનનો સ્ટૉક મળશે એના આધારે અપૉઇન્ટમેન્ટ આપશે જેની કદાચ રોજ રાતના જ ખબર પડશે. પછી ફક્ત ૮૦૦ જણને રજિસ્ટર્ડ કરશે. આમાં અમારા જેવાનો બીજો ડોઝ લેવાનો સમય પૂરો થઈ ગયો હશે. બધું ભગવાન ભરોસે ચાલી રહ્યું છે.’

લોકોને પડી રહેલી સમસ્યા બાબતમાં જવાબ આપતાં ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલનાં ચીફ મેડિકલ ઑફિસર ડૉ. વિદ્યા ઠાકુરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાના કમિશનર તરફથી અમને જે આદેશ મળ્યો એના પર અમે અમલીકરણ કરી રહ્યા છીએ. અમને લોકોની મુસીબતોનો અંદાજ છે. લોકોએ પણ ટેન્શનમાં આવ્યા વગર થોડો સંયમ રાખવાની જરૂર છે.’

દહિસરના જમ્બો સેન્ટર પર ડૉક્ટરો અને બીજો સ્ટાફ ગઈ કાલે સવારે સાડાછ વાગ્યે આવી ગયો હતો, પણ લોકોને ખબર ન હોવાથી તેઓ સવારે સાડાત્રણ વાગ્યામાં લાઇનમાં ઊભા રહી ગયા હતા. તેમને ખબર પડી કે ઑનલાઇન રજિસ્ટ્રેશન જેમનું હશે તેમને જ વૅક્સિન મળશે ત્યારે મોટી સંખ્યામાં લોકો નારાજ થઈને પાછા ગયા હતા. સવારના સમયે આ લોકોને સમજાવવામાં પોલીસને પણ થોડી તકલીફ પડી હતી. જોકે ત્યાર બાદ બધું નૉર્મલ થઈ ગયું હતું. ગઈ કાલે ત્રણ વાગ્યા સુધીમાં ૫૦૦ જણને વૅક્સિન આપવામાં આવી હતી.

જિતુભાઈ સુરુ સવારના ૩.૩૦ વાગ્યાની આસપાસ કાંદિવલીથી આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમને જાણકારી મળી કે ફક્ત ઑનલાઇન રજિસ્ટ્રેશન કર્યું હોય તેમને જ વૅક્સિન આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ‘વૅક્સિન મેળવવા ઘણા દિવસથી પ્રયાસ ચાલી રહ્યો છે. એથી વહેલી સવારે જઈને લાઇન લગાડી દઉં તો નંબર આવી જશે એ વિચારે સેન્ટર પર પહોંચ્યો, પરંતુ અહીં આવતાં તેમણે ના પાડી દીધી હતી. છેલ્લા અનેક દિવસોથી લોકો લાઇન લગાડીને ટોકન લઈ રહ્યા હતા તો અચાનક શું કામ એ બંધ કરવામાં આવ્યું?’

બોરીવલીથી આવેલા સંજય પરીખે જણાવ્યું હતું કે ‘બીએમસીએ પહેલા વૉક-ઇન કરીને વૅક્સિન મેળવી શકાશે એવું કહ્યું હોવાથી સવાર છ વાગ્યાથી સેન્ટર પર પહોંચી ગયા હતા. બોરીવલી, કાંદિવલીમાં પ્રયાસ કર્યા પછી દહિસર વૅક્સિનેશન સેન્ટરમાં વૅક્સિનનો પુરવઠો હોવાથી મળે છે એવું સાંભળતાં અહીં આવ્યા, પરંતુ અહીં પણ નિરાશા જ મળી છે.’

બીકેસીના જમ્બો વૅક્સિન સેન્ટરના ઇન્ચાર્જ ડૉ. રાજેશ ઢેરેનો વારંવાર કોશિશ કરવા છતાં સંપર્ક થઈ શક્યો નહોતો.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2021 09:02 AM IST | Mumbai | Rohit Parikh, Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK