Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પુણ્ય બન્યું પાપ

24 September, 2022 08:26 AM IST | Mumbai
Priti Khuman Thakur | priti.khuman@mid-day.com

ગુજરાતી પરિવારે માતાની દસમાની ક્રિયા બાદ તેની પસંદગીની ચૉકલેટ બાળકોમાં વહેંચવાને કારણે ગેરસમજ થઈ : વિરારમાં બાળકોનું અપહરણ કરતી ગૅન્ગ હોવાની અફવા ફેલાઈ

વિરારના આ ગુજરાતી પરિવારે માતાની સ્મૃતિમાં તેમની પસંદગીની વસ્તુ એટલે કે ચૉકલેટ બાળકોને આપતાં ગેરસમજ ઊભી થઈ અને પોલીસ દોડતી થઈ હતી.

વિરારના આ ગુજરાતી પરિવારે માતાની સ્મૃતિમાં તેમની પસંદગીની વસ્તુ એટલે કે ચૉકલેટ બાળકોને આપતાં ગેરસમજ ઊભી થઈ અને પોલીસ દોડતી થઈ હતી.


છેલ્લા થોડા દિવસોથી બાળકોનું અપહરણ (Child Kidnapping Gang) કરતી ગૅન્ગ ઍક્ટિવ થઈ હોવાના અનેક કિસ્સા બન્યા હોવાના વિડિયો સોશ્યલ મીડિયા (Video Viral on Social Media) પર વાઇરલ થતાં પેરન્ટ્સમાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું હતું. એવી પરિસ્થિતિમાં વસઈ-વિરારમાં (Vasai Virar) બપોરના સમયે રિક્ષામાં આવતા લોકો ચૉકલેટ વહેંચીને બાળકોને ઉપાડી જતા હોવાની અફવા ફેલાઈ હતી. આ અફવા એટલી ફેલાઈ હતી કે લોકોમાં ડર ઊભો થયો હતો. પોલીસને પણ આ વિશે ફોન આવ્યા હતા. એટલે પોલીસ પણ ચિંતામાં આવી જતાં તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરવા ઉપરાંત લોકોની પૂછપરછ કર્યા બાદ વિરાર પોલીસે થોડા જ કલાકોમાં આ કેસનો ઉકેલ લાવી દીધો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે રિક્ષામાંથી આવેલા તે લોકો કોઈ ગૅન્ગ નહોતી, પરંતુ મમ્મીની દસમાની ક્રિયા નિમિત્તે ગુજરાતી પરિવાર મમ્મીની પસંદની ચૉકલેટ બાળકોને આપી રહ્યો હતો. 

છેલ્લા કેટલાક દિવસોથી બાળકોનું અપહરણ કરતી ગૅન્ગ સક્રિય થઈ હોવાની અફવા ફેલાતાં પેરન્ટ્સ અને વિદ્યાર્થીઓમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો. ગુરુવારે બપોરે વિરારમાં બનેલી એક ઘટનાથી એમાં ઉમેરો થયો હતો. બપોરે એક વાગ્યાની આસપાસ વિરાર-વેસ્ટમાં ઉંબરગોઠણમાં એક રિક્ષા આવીને ઊભી રહી હતી. આ રિક્ષામાં એક વ્યક્તિ સહિત બે મહિલાઓ હતી. તેમણે ત્યાંથી પસાર થતી સ્કૂલની એક વિદ્યાર્થિનીને રોકીને તેને ચૉકલેટ ઑફર કરી હતી. બાળકના અપહરણની અફવાથી પહેલેથી જ ગભરાયેલી તે છોકરી વધુ ગભરાઈ ગઈ હતી અને બૂમો પાડતી ભાગી ગઈ હતી. એક સ્થાનિક વ્યક્તિએ આ ઘટનાની જાણ તરત પોલીસ કન્ટ્રોલ રૂમને કરી હતી.



આ ઘટનાની ગંભીરતાને સમજીને એમબીવીવીના પોલીસ કમિશનર સદાનંદ દાતેએ ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રશાંત વાઘુંડેને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે ઝીણવટભરી તપાસ બાદ આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ કરવાની સાથે ત્યાં ઊભેલા રિક્ષાચાલકોની પણ પૂછપરછ કરી હતી. ત્યાર બાદ રિક્ષા વિશે માહિતી મળતાં તે રિક્ષાચાલકને પણ શોધી કાઢ્યો જેની રિક્ષામાં તે લોકો બેઠા હતા. જોકે વધુ તપાસમાં આ ઘટના અફવા હોવાનું બહાર આવ્યું છે. 


આ વિશે પોલીસે જણાવ્યું હતું કે ‘વિરાર-વેસ્ટના વિરાટનગરમાં રહેતી એક મહિલાનું ૧૩ સપ્ટેમ્બરે મૃત્યુ થયું હતું. ગુરુવારે તેમનો પરિવાર દસમા દિવસની ક્રિયાની વિધિ કરવા માટે અર્નાળા ગયો હતો. મૃત્યુ પામનાર મહિલાને ચૉકલેટ પસંદ હતી. તે હંમેશાં બાળકોને ચૉકલેટ આપતી હતી. એથી માતાની સ્મૃતિ નિમિત્તે બાળકોને ચૉકલેટનું વિતરણ કરવાનું તેમણે વિચાર્યું હતું અને એ બાળકોને આપી રહ્યા હતા. દરમિયાન, લોકોએ તેમને બાળકોનું અપહરણ કરતી ટોળકી સમજી લીધી અને મૂંઝવણ ઊભી થઈ હતી.’

આ પણ વાંચો : ઉઘરાણી કરવા ગયા, મળ્યું મોત


પોલીસનું શું કહેવું છે?
ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રશાંત વાઘુંડેએ આ વિશે કહ્યું હતું કે ‘અમે રિક્ષાચાલક અને એમાં બેઠેલા ત્રણે પ્રવાસીઓની પૂછપરછ કરી હતી. તેઓ માતાની યાદમાં ચૉકલેટ આપી રહ્યા હતા અને એમાં તેમનો બીજો કોઈ ઉદ્દેશ નહોતો. આખા મીરા-ભાઈંદર અને વસઈ-વિરારમાં બાળકના અપહરણની એક પણ ઘટના બની નથી. વિરારમાં બનેલી ઘટના પણ અફવા હતી.’ 
પોલીસ કમિશનર સદાનંદ દાતેએ પણ નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2022 08:26 AM IST | Mumbai | Priti Khuman Thakur

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK