Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કલ ક્યા હોગા?

30 September, 2022 10:14 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

મરાઠીમાં સાઇનબોર્ડ મૂકવાની સમયમર્યાદા આજે પૂરી થતી હોવાથી અને ગઈ કાલ સુધી બીએમસી તરફથી આ મુદ્દે કોઈ સ્પષ્ટતા ન આવવાથી આવતી કાલથી મરાઠીમાં બૅનર ન મૂકવા બદલ તેમના પર કાર્યવાહી કરવામાં આવશે કે પછી ચૂંટણીને કારણે પ્રશાસન અત્યારે આ વિષયમાં ચૂપ રહેશે?

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈ મહાનગરપાલિકાએ જુલાઈમાં મુંબઈના દુકાનદારોની તેમની દુકાનોનાં નામનાં બોર્ડ બદલવાની તકલીફોને ધ્યાનમાં રાખીને દુકાનો અને સંસ્થાઓનાં મરાઠી સાઇન બોર્ડ રાખવાની મુદત ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. આ પહેલાં આ સમયમર્યાદા જૂન સુધી લંબાવવામાં આવી હતી. જોકે આજે સમયમર્યાદા પૂરી થતી હોવા છતાં ગઈ કાલ સુધી મહાનગરપાલિકા તરફથી કોઈ જ પ્રકારની આ મુદ્દે સ્પષ્ટતા ન આવવાથી આવતી કાલથી મરાઠીમાં સાઇન બોર્ડ ન મૂકવા માટે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે કે પછી મહાનગરપાલિકાની ચૂંટણીને લક્ષમાં રાખીને મહાનગરપાલિકા પ્રશાસન અત્યારે આ બાબત પર હળવું વલણ અપનાવશે એ સવાલો દુકાનદારો અને સંસ્થાઓને મૂંઝવી રહ્યા છે. બીજી બાજુ મરાઠી સાઇન બોર્ડ ન મૂકવાના મુદ્દે ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશને કરેલી સુપ્રીમ કોર્ટમાં અરજી આજે ઍડ્મિટ કરવામાં આવશે કે નહીં એના પર પણ દુકાનદારો મદાર બાંધીને બેઠા છે. 

આ બધા વચ્ચે રિટેલર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ હવે ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી એક્સટેન્શન આપવાની માગ કરી છે. અસોસિએશનના સીઇઓ કુમાર રાજગોપાલને કહ્યું હતું કે ‘અમે રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ નથી કરતા. અમે એ કરી જ રહ્યાં છીએ, પણ લૉજિસ્ટિક્સ અને રિટેલરોને નડી રહેલી પૈસાની તકલીફને અમે આ ડેડલાઈન વધારી આપવા કહીએ છીએ. અમે આ બાબતનો પત્ર પણ મુખ્ય પ્રધાનને લખ્યો છે.’



માર્ચમાં મહારાષ્ટ્ર વિધાનસભાએ મુંબઈની દુકાનો માટે મરાઠી સાઇન બોર્ડ ફરજિયાત બનાવવાનો ઠરાવ પસાર કર્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે મરાઠીમાં ફોન્ટની સાઇઝ અન્ય ભાષાઓના ફોન્ટ્સ કરતાં મોટી હોવી જોઈએ, જેનો અનેક વેપારી સંગઠનો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. એને પરિણામે મહાનગરપાલિકાએ આ બાબતે દુકાનદારોને આજ સુધીની સમયમર્યાદા આપી હતી. 


જોકે મુંબઈ શહેર અને ઉપનગરોમાં આજે પણ ૬૦ ટકાથી વધુ દુકાનો અને સંસ્થાઓએ તેમની દુકાનો કે સંસ્થાઓનાં નામનાં સાઇન બોર્ડને મરાઠીમાં પરિવર્તિત કરવાની તસ્દી લીધી નથી. આ બાબતમાં વેપારી સંગઠનોએ જૂન મહિનામાં જ મહાનગરપાલિકા પાસે રજૂઆત કરી હતી કે બોર્ડ બદલવાની સમયમર્યાદા ખૂબ જ ઓછી હોવાથી અને ચોમાસાનો સમય હોવાથી તેઓ બોર્ડ બદલવા માટે અસમર્થ છે. આમ પણ એકસાથે પાંચ લાખથી વધુ દુકાનદારોનાં સાઇન બોર્ડ બદલવા માટે મુંબઈમાં પેઇન્ટરો કે અન્ય મશીનરી ઉપલબ્ધ નથી, જેને પરિણામે મહાનગરપાલિકાએ ૩૦ સપ્ટેમ્બર સુધી એટલે કે આજ સુધી સમયમર્યાદા લંબાવી હતી. 

આજ પછી હવે મહાનગરપાલિકા શું કરશે એ બાબતમાં મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર આઇ. એસ. ચહલ સહિત મુંબઈ મહાનગરપાલિકાના શૉપ્સ ઍન્ડ એસ્ટૅબ્લિશમેન્ટ્સ ડિપાર્ટમેન્ટના અનેક ઉચ્ચ અધિકારીઓ પાસેથી ‘મિડ-ડે’એ જવાબ મેળવવાની કો‌‌શિશ કરી, પણ આ બાબતે એક પણ અધિકારીએ આની કોઈ જ સ્પષ્ટતા કરી નહોતી. 


દરમ્યાન, ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશને મરાઠી બોર્ડના ફોન્ટની સાઇઝના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને વિનંતી કરી છે કે જ્યાં સુધી આ મામલાની સુનાવણી ન થાય ત્યાં સુધી રાજ્ય કોઈ જબરદસ્તી પગલાં ન લે. આ માહિતી આપતાં ફેડરેશનના અધ્યક્ષ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી અરજી આજે ‌સુપ્રીમ કોર્ટમાં દાખલ થશે એવી અમને આશા છે. આ અગાઉ અમે મુંબઈ માટે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા ત્યારે અમને સુપ્રીમ કોર્ટે ફક્ત મુંબઈ પૂરતી અરજી દાખલ કરવા સામે સવાલ ઊભો કર્યો હતો. આથી હવે અમે ભારતભરના દુકાનદારો માટે અરજી દાખલ કરી છે. આજે અરજી દાખલ થશે તો મુંબઈ પૂરતો સ્ટે મળશે કે નહીં એની પણ આજે જ અમને ખબર પડશે.’ 

આ પહેલાં જુલાઈમાં સુપ્રીમ કોર્ટે ફેડરેશને કરેલી અરજીની સામે તમામ દુકાનો અને સંસ્થાનો માટે મરાઠી બોર્ડ ફરજિયાત બનાવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર આકરા પ્રહાર કરતી નોટિસ જારી કરી હતી. ત્યાર પછી વેકેશન હોવાથી અરજી પર સુનાવણી કરવામાં આવી નહોતી. 

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2022 10:14 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK